Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

કોરોનાને નાથવા 'સ્વયંભૂ લોકડાઉન' જાહેર કરવું કે નહિ ? ચેમ્બર બપોર બાદ વિવિધ એસો.નો મત જાણશે

રાજકોટમાં કૂદકે ને ભૂસકે કોરોનાના કેસ અને મોતની સંખ્યા વધતા શહેરીજનોમાં ચિંતાનું મોજુ : મોટાભાગના લોકો માને છે કે હવે જ લોકડાઉન લાગુ કરવાનો સમય આવ્યો છે : સોની બજાર, દાણાપીઠ એસો. દ્વારા સ્વયંભૂ લોકડાઉન જાહેર કરાયું છે : દિવાનપરા માર્કેટ પણ રવિવાર સુધી બંધ રહેશે : લોકોનું માનવું છે કે સંક્રમણ અટકાવવા લોકડાઉન જરૂરી છે : વેપારીઓના ધંધા - રોજગારને લોકડાઉનની અસર ન પહોંચે તેનો વિચાર કરી લોકડાઉન લાગુ કરવું જોઇએ

રાજકોટ તા. ૧૪ : અમદાવાદ, વડોદરા અને સુરત બાદ હવે સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટમાં કાળમુખા કોરોનાએ કહેર વરસાવતા રોજેરોજ મોતના આંકડા વધતા જાય છે એટલું જ નહિ શેરી શેરીએ પોઝિટિવ કેસ આવતા શહેરીજનોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. લોકોના કહેવા મુજબ હવે જ સાચો લોકડાઉનનો સમય આવ્યો છે. સોની બજારમાં ૪૦ જેટલા લોકોને કોરોના ભરખી જતા સોની બજારે બંધનું એલાન આપ્યું છે જો દાણાપીઠ એસો.એ પણ બપોરે ૩ પછી દુકાનો બંધ રાખવા નિર્ણય લીધો છે. હવે દિવાનપરા, કાપડ માર્કેટ પણ આવતીકાલથી રવિવાર સુધી બંધ રહે તેવી જાહેરાત થઇ છે. લોકડાઉન લાદવું કે નહિ તે બાબતે અનેકવિધ મત પ્રવતેતા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આજે બપોર બાદ વિવિધ એસો. સાથે વિડીયો કોન્ફરન્સ

યોજવામાં આવશે અને શહેરના તમામ વેપાર ઉદ્યોગ એસો.ના મત જાણી કોઇ નિર્ણય લેવામાં આવશે તેવું ચેમ્બરના પ્રમુખ વી.પી.વૈષ્ણવે આજે બપોરે અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

ચેમ્બરના પ્રમુખ વી.પી.વૈષ્ણવે જણાવ્યું હતું કે, આજે બપોરે ૩.૩૦ કલાક પછી વિડીયો કોન્ફરન્સીંગ યોજી તમામ એસો. પાસેથી બંધ જાહેર કરવું કે નહિ એ અંગેના ફિડબેક લેવામાં આવશે એ પછી કોઇ નિર્ણય લેવામાં આવશે. એમના કહેવા મુજબ અમુક એસો. સ્વયંભૂ લોકડાઉનની તરફેણમાં છે તો અમુક એસો. આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં તેનો વિરોધ કરી રહ્યા છે. આ સંજોગોમાં બધાના મત જાણવા આ કોન્ફરન્સ યોજવામાં આવી છે.

અત્રે એ નોંધનિય છે કે, રાજકોટમાં કોરોનાની સ્થિતિ દિવસેને દિવસે ખરાબ થતી જઇ રહી છે. રાજકોટની તમામ કોવિડ હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ રહી છે ત્યારે રાજકોટવાસીઓનો મત એવો છે કે સંક્રમણ અટકાવવા લોકડાઉન જરૂરી છે. વેપારીઓના ધંધા રોજગારને લોકડાઉનની અસર ન પહોંચે તે રીતે લોકડાઉન જાહેર કરવું જોઇએ. રાજકોટના કેટલાક એસો.એ આંશિક લોકડાઉનની જાહેરાત કરી દીધી છે અને તેમા બીજા પણ જોડાય તેવી શકયતા છે. ગોંડલમાં પણ આંશિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. ત્યાં આવતીકાલથી ૨૧મી સુધી બપોરે ૪ બાદ લોકડાઉન અમલી બનશે.

કોરોનાના વધતા કેસને પગલે નાગરિકો જાગૃત થયા છે અને સ્વયંભુ લોકડાઉન તરફ વળ્યા છે.

(3:11 pm IST)