Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

માસ્ક પહેરીને, પોલી-કાર્બન શીટ પાછળ જોવા મળ્યા સાંસદ

તાત્કાલિક સારવાર મળી રહે તે માટે પરિસરમાં ડોકટર્સની ટીમ હાજર રહેશેઃ તમામ સાંસદોને સેનેટાઈઝર, માસ્ક, ગ્લવ્ઝ સહિત અન્ય સ્વાસ્થ્ય સુરક્ષા સંબંધીત સામગ્રીની કિટ આપવામાં આવી છે

નવી દિલ્હી, તા.૧૪: આજથી કોરોના વાયરસની મહામારી વચ્ચે ૧૮ દિવસ માટે સંસદનું ચોમાસુ સત્ર શરૂ કરવામાં આવ્યું છે. આ સત્રમાં અનેક બાબતો એવી છે જે પહેલી વખત જોવા મળી રહી છે. જેમાં સવાર અને સાંજની પાળીમાં બંને ગૃહોની બેઠક અને સત્રમાં એક પણ રજા ન હોવાનો સમાવેશ થાય છે. સંસદ પરિસરમાં ફકત એવા લોકોને જ પ્રવેશ આપવામાં આવશે જેમનો કોરોના વાયરસનો રિપોર્ટ નેગેટિવ હોય. આ દરમિયાન તમામ લોકોએ ફરજિયાતપણે માસ્ક પહેરી રાખવું પડશે.

ચોમાસા સત્રની શરૂઆત અગાઉ સાંસદો અને સંસદ કર્મચારીઓ સહિત ૪૦૦૦થી વધારે લોકોની કોરોનાની તપાસ કરવામાં આવી હતી. આ વખતના સત્રમાં મોટા ભાગના સંસદીય કામકાજ ડિજિટલ રીતે જ કરવામાં આવશે અને સમગ્ર પરિસરને સંક્રમણ મુકત બનાવવાની સાથે સાથે દરવાજાઓને સ્પર્શમુકત બનાવવામાં આવશે.

લોકસભા અધ્યક્ષના જણાવ્યા અનુસાર સત્ર શરૂ થાય તે અગાઉ તમામ સાંસદો તેમજ તેમના પરિવારજનોનો કોરોનાનો રિપોર્ટ કરવામાં આવ્યો છે. તમામ સાંસદોને સેનેટાઈઝર, માસ્ક, ગ્લવ્ઝ સહિત અન્ય સ્વાસ્થ્ય સુરક્ષા સંબંધીત સામગ્રીની કિટ આપવામાં આવી છે. ચોમાસા સત્ર દરમિયાન પરિસરમાં કોરોના ટેસ્ટની સુવિધા મળી રહેશે. જો કોઈ સભ્યને સ્વાસ્થ્ય સંબંધીત કોઈ સમસ્યા હશે તો તાત્કાલિક ધોરણે તેમને સારવાર પૂરી પાડવામાં આવશે.

નોંધનીય છે કે, લોકસભા સ્પીકર ઓમ બિરલાએ રવિવારે બોલાવેલી બિઝનેસ એડવાઇઝરી કમિટીની બેઠકમાં ચોમાસુ સત્રનો એજન્ડા નિર્ધારિત કરવામાં આવ્યો હતો. જોકે, સરકારના જણાવ્યા અનુસાર બિઝનેસ એડવાઇઝરી કમિટી (BAC) ની બેઠક મંગળવારે ફરી મળવાની છે ત્યારે સંસદમાં ચર્ચાના મુદ્દા અંગે આખરી નિર્ણય લેવાશે.

સંસદના ચોમાસુ સત્રનો સોમવારથી આરંભ થઈ ગયો છે. આ અગાઉ લોકસભાના પાંચ સાંસદોનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. સત્રના આરંભ પૂર્વે તમામ સાંસદોના કોવિડ-૧૯ના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી પાંચ સાંસદોનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. કોરોનાકાળના કારણે સંસદના સત્રને લઈ ઘણાંબધા ફેરફાર કરાયા છે. આ વખતે લોકસભાની કાર્યવાહી ચાર કલાક જ થશે. શૂન્ય કાળની સમયમર્યાદાને પણ દ્યટાડીને અડધો કલાક કરી દેવાઈ છે.

(3:51 pm IST)