Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

પીએમની સંપત્તિમાં ૧ વર્ષમાં ૩૬ લાખનો વધારો

વડાપ્રધાનની સંપત્તિ ૨૬% વધી ગયા વર્ષે રૂપિયા ૧૩૯૧૦૨૬૦ હતી જે ૩૦ જૂને વધીને ૧૭૫૬૩૬૧૮ થઇ છે : વડાપ્રધાન સામાન્ય માણસોની જેમ બચત કરે છે અને ફિકસ ડિપોઝીટ કઢાવે છે : ટેકસ બચાવવા વિમા પોલીસી અને બોન્ડ લે છે : તેમની પાસે કાર નથી : સોનાની ચાર વીંટી છે : ગાંધીનગરમાં ૧ કરોડનો પ્લોટ અને ઘર ધરાવે છેઃ વડાપ્રધાનના ગજવામાં માત્ર ૩૧ હજાર રૂપિયા : પગારનો મોટોભાગ બચત કરે છે

નવી દિલ્હી તા. ૧૫ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરકસર માટે જાણીતા છે. એટલું જ નહિ તેમણે પોતાના પગારમાંથી મોટી બચત કરી છે. જેના કારણે છેલ્લા ૧૫ મહિનામાં તેમની સંપત્તિમાં ૩૬.૫૩ લાખ રૂપિયાનો વધારો થયો છે. પગાર સ્વરૂપે મળેલી રકમને તેઓ સેવિંગ ખાતામાં રાખે છે અને એક હિસ્સો ફિકસ ડીપોઝીટ તરીકે જમા રાખે છે. ફિકસ ડિપોઝીટમાં જમા થયેલી રકમ પર મળેલું વ્યાજ પણ તેમની સંપત્તિમાં વધારો થવાની એક કારણ છે. હાલમાં જ તેમના તરફથી આપવામાં આવેલી સંપત્તિની માહિતીમાં આ વાત સામે આવી છે.

વડાપ્રધાન મોદીની સંપત્તિમાં છેલ્લા એક વર્ષના મુકાબલે ૨૬%નો વધારો થયો છે. ગયા વર્ષે તેમની સંપત્તિ ૧૩૯૧૦૨૬૦ હતી જે હવે આ વર્ષે જુનના અંતે વધીને ૧૭૫૬૩૬૧૮ રૂપિયા થઇ છે. વડાપ્રધાન મોદી તરફથી ૧૨ ઓકટોબરના રોજ જાહેર કરવામાં આવેલી સંપત્તિમાં આ બાબત સામે આવી છે તેમની સ્થાવર મિલ્કતમાં કોઇ ખાસ વધારો થયો નથી. ગાંધીનગરમાં એક પ્લોટ અને એક ઘર છે જેની કિંમત રૂ. ૧.૧ કરોડ રૂપિયા છે. જેમાં તેઓ ઉપરાંત તેમના પરિવારના સભ્યો પણ માલિકી હક્ક ધરાવે છે. સામાન્ય લોકોની જેમ પીએમ મોદી પણ ટેકસ બચાવવા માટે લાઇફ ઇન્સોરન્સ, નેશનલ સેવિંગ સર્ટિફિકેટ અને ઇન્ફ્રાસ્ટ્રકચર બોન્ડમાં રોકાણ કરે છે.

પીએમ મોદીને દર મહિને બે લાખ રૂપિયાનો પગાર મળે છે પરંતુ આ વર્ષના એપ્રિલથી તેઓ પણ સાંસદો, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનોની જેમ જ ૩૦ ટકા ઓછો પગાર લે છે. તેમના બચત ખાતામાં ૩૦ જૂન સુધી ૩.૩૮ લાખ રૂપિયાની રકમ જમા હતી. જ્યારે ગયા વર્ષે ૩૧ માર્ચના રોજ આ રકમ માત્ર રૂ. ૪૧૪૩ હતી. આ સિવાય તેમની પાસે રોકડ સ્વરૂપે રૂ. ૩૧૪૫૦ રૂપિયા જૂન મહિનામાં હતા. ગાંધીનગરની સ્ટેટ બેંકમાં તેમની ફિકસ ડિપોઝીટ છે જેની રકમ વધીને રૂ. ૧૬૦૨૮૦૩૯ થઇ છે જે ગયા વર્ષે રૂ. ૧૨૭૮૧૫૭૪ હતી.

પીએમ મોદીએ દાન પણ આપ્યું છે. ૨૭ માર્ચે કોરોના વિરૂધ્ધના જંગમાં જ્યારે પીએમ કેરની શરૂઆત થઇ હતી ત્યારે તેમણે પોતાની પાસે હતી રકમમાંથી ૨.૨૫ લાખ રૂપિયા દાનમાં આપ્યા હતા. મિડીયા રિપોર્ટ અનુસાર બાલીકા શિક્ષાથી લઇને ગંગાની સફાઇ અને કોરોના સુધીમાં પીએમે ૧૦૩ કરોડથી વધુનું દાન આપ્યું છે. આ રકમ તેમને મળેલા પુરસ્કારની હરરાજીથી મેળવવામાં આવી હતી.

પીએમ મોદીની કોઇ લોન નથી કે તેમની પાસે કાર નથી. તેમની પાસે સોનાની ૪ વીંટી છે તેમની પાસે ૮૪૩૧૨૪ રૂપિયાના રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર છે. તેઓ જીવન વિમા માટે રૂ. ૧૫૦૯૫૭ પ્રીમીયમ તરીકે ચૂકવે છે.

પીએમ ઉપરાંત અમીત શાહ, રાજનાથસિંહ, જયશંકર, નિર્મલા સિતારામન, નરેન્દ્રસિંહ તોમર સહિત બધા પ્રધાનોએ પોતાની સંપત્તિ જાહેર કરી છે.

(11:05 am IST)