Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

સુખી લગ્નજીવન જાળવી રાખવા માટે અનુસરો આ ૫ ટીપ્સ

લગ્નના બંધનમાં જીવનસાથી મિત્રતા, પ્રેમ અને સમજણની આશા રાખે છે, તેથી વ્યકિતએ સારો વ્યવહાર રાખવો ખૂબ જ મહત્વપૂર્ણ છે

નવી દિલ્હી,તા. ૧૭: મિત્ર હોય, ભાઈ બહેન હોય કે પછી આપણા સહકર્મચારી હોય, દરેક સંબંધમાં ઉતાર-ચડાવ આવે છે. તે પરિસ્થિતિમાં આપણે કેવી રીતે વર્તીએ છીએ તેનાથી ખૂબ જ પર ફરક પડે છે. લગ્નમાં બે વ્યકિતઓ એકબીજાને જીવનભર સાથ આપવાના વચન આપે છે, આ પરિસ્થિતિમાં ઉતાર ચડાવ આવવા તે ખૂબ જ સામાન્ય અને સ્વાભાવિક વાત છે. લગ્નના બંધનમાં જીવનસાથી મિત્રતા, પ્રેમ અને સમજણની આશા રાખે છે, તેથી વ્યકિતએ સારો વ્યવહાર રાખવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. વિવાહિત પુરુષો અને મહિલાઓએ તમામ પરિસ્થિતિને ભાવુકતાથી હેન્ડલ કરવી જોઈએ. જો તમે તમારા જીવનસાથી સાથે તમારા બંધનને વધુ મજબૂત કરવા ઈચ્છો છો, તો અહીં જણાવવામાં આવેલ ટીપ્સ તમને ખૂબ જ લાભદાયી થઈ શકે છે.

તમારા પાર્ટનર સાથે ખુલીને વાતચીત કરો. મોટાભાગની લડાઈ અને ગેરસમજણને વાતચીત કરીને દૂર કરી શકાય છે. તમારા જીવનસાથી સાથે તે મુદ્દા અંગે વાતચીત કરતા પહેલા તમારે એકદમ શાંત થવું ખૂબ જ જરૂરી છે.

આધુનિક જીવનશૈલીને કારણે જીવનસાથી એકબીજા સાથે કવોલિટી ટાઈમ પસાર કરી શકતા નથી. આ પરિસ્થિતિને સ્વીકારીને સપ્તાહમાં એક દિવસની પસંદગી કરો અને જે સમયે તમે બંને સાથે રહી શકતા હોવ તે સમય નક્કી કરીને એકબીજા સાથે કવોલિટી ટાઈમ પસાર કરો. આ સમય દરમિયાન તમારી મનપસંદની વસ્તુઓ કરો, જેમ કે એકસાથે ભોજન બનાવવું, મૂવી જોવું, કોઈ ગેમ રમવી અથવા તમે લોન્ગ ડ્રાઈવ પર પણ જઈ શકો છો.

તમારા હાથથી લખેલો પ્રેમભર્યો મેસેજ લખીને આપો, અથવા તમારા જીવનસાથીને ચોકલેટ બોકસ અથવા ગુલાબનો ગુલદસ્તો ભેટ તરીકે આપીને તમે તમારા જીવનસાથી પ્રત્યેનો પ્રેમ અભિવ્યકત કરી શકો છો. આ પ્રકારે પ્રેમભરી ભેટ આપવાથી તમારુ જીવનસાથી ખુશ થશે અને તમારા સંબંધમાં સ્નેહ પણ રહેશે.

કોઈપણ વ્યકિત પરફેકટ નથી હોતી અને બે લોકો કયારેય પણ એકસમાન ના હોઈ શકે. તમારા જીવનસાથીની કેટલીક આદતો તમને પસંદ ના આવતી હોય અથવા તેનાથી ઊંધુ પણ હોઈ શકે છે. તમારી અવાસ્તવિક આશાઓને તમારા સંબંધ પર હાવી ના થવા દો અને તમારુ જીવનસાથી જેવું છે તેવો જ તેનો સ્વીકાર કરો.

પ્રત્યેક વ્યકિતને પોતપોતાની એક અલગ સ્પેસ હોય છે. કયારેક કયારેક પોતાની સાથે પણ કવોલિટી સમય પસાર કરવો જરૂરી છે.

(10:26 am IST)