Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

મુકેશ અંબાણી રૂ. ૩૪૯૭ કરોડમાં જસ્ટડાયલનો હિસ્સો ખરીદશે

રિલાયન્સ રિટેલ વેન્ચર્સ દ્વારા કુલ ૬૬.૯૫ ટકા હિસ્સેદારી ઇકિવટી શેરદીઠ ૧૦૨૨ રૂપિયાના ભાવે ખરીદાશે : આ સોદો થવાથી રિલાયન્સ રિટેલને જસ્ટ ડાયલના મર્ચન્ટ ડેટાબેઝનો મોટો ફાયદો થશે : રિલાયન્સ દ્વારા આ હિસ્સેદારી હસ્તગત કરવા માટે નિયામકીય મંજૂરીઓ મેળવવાની રહેશે

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૧૭ : ભારતના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા હવે જસ્ટડાયલ કંપનીમાં હિસ્સેદારી હસ્તગત કરવાની ઘોષણા કરવામાં આવી છે. મુકેશ અંબાણી રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ દ્વારા જસ્ટડાયલ કંપનીના ૨.૧૭ કરોડ (૨,૧૧,૭૭,૬૩૬) ઇકિવટી શેર ખરીદશે અને આ ડીલ માટે ઇકિવટી શેરદીઠ પ્રાઇસ ૧૦૨૨.૨૫ રૂપિયા નક્કી કરવામાં આવી છે. આમ રિલાયન્સ દ્વારા જસ્ટડાયલની કુલ ૬૬.૯૫ ટકા હિસ્સેદારી ૩૪૯૭ કરોડ રૂપિયામાં ખરીદવામાં આવશે. જસ્ટડાયલ દ્વારા રિલાયન્સને ૪૦.૯૫ ટકા હિસ્સો પ્રેફરન્સિયલ એલોટમેન્ટ ધોરણે ઇસ્યૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રિલાયન્સ દ્વારા જસ્ટડાયલમાં આ હિસ્સેદારી હસ્તગત કરવા માટે સંબંધિત નિયામકીય મંજૂરીઓ મેળવવાની રહેશે. 

કંપની દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ રિલાયન્સ રિટેલ વેન્ચર્સની પાસે ૪૦.૯૫ ટકા હિસ્સેદારી રહેશે અને આ ટેકઓવર રેગ્યુલેશન અનુસાર વધુ ૨૬ ટકા સુધીની એકિવઝિશન માટે ઓપન ઓફર લાવશે. રિલાયન્સ દ્વારા જસ્ટડાયલના કુલ ૨.૧૨ કરોડ ઇકિવટી શેર હસ્તગત કરશે જેમાં ૧.૩૧ કરોડ ઇકિવટી શેર વીએસએસ મણી પાસેથી શેરદીઠ ૧૦૨૦ રૂપિયાના ભાવે ખરીદશે. આ સાથે વીએસએસ મણી જસ્ટડાયલના મેનેજિંગ ડિરેકટર અને ચીફ એકિઝકયુટિવ ઓફિસર તરીકે યથાવત્  રહેશે. ઉલ્લેખનિય છે કે, જસ્ટડાયલ કંપનીમાં મેનેજીંગ ડાયરેટર વીએસએસ મણિ અને તેમના પરિવારની ૩૫.૫ ટકા હિસ્સેદારી છે  જેની વર્તમાન વેલ્યુ ૨૩૮૭.૯ કરોડ રૂપિયા છે.

કંપનીએ નિયામકીય ફાઇલિંગમાં જણાવ્યુ કે, રિલાયન્સ રિટેલ દ્વારા હિસ્સેદારી હસ્તગત કરવાથી જસ્ટડાયલને આગળ વધવામાં અને વિસ્તરણ કરવામાં ઘણી મદદ મળશે. રિલાયન્સ દ્વારા કરવામાં આવેલ મૂડીરોકાણથી જસ્ટડાયલ તેના પ્લેટફોર્મ પર વિસ્તરણ કરશે અને લાખો પ્રોડકટો અને સેવાઓના ટ્રાન્ઝેકશન્સમાં વધારો કરી શકશે. રિલાયન્સને આ રોકાણથી જસ્ટ ડાયલના હાલના ૩.૦૪ લાખ લિસ્ટિંગ ડેટાબેઝ અને તેના હાલના ૧૨.૯૧ કરોડ ત્રિમાસિક યુનિટ યુઝર્સના કન્ઝયુમર ટ્રાફિકનો લાભ મેળવશે.   

નોંધનિય છે કે, જસ્ટડાયલ કંપની ૨૫ વર્ષ જૂની ઇન્ફોર્મેશન સર્ચ એન્ડ લિસ્ટિંગ કંપની છે. કંપનીનું સમગ્ર દેશમાં નેટવર્ક છે. આ સોદો થવાથી રિલાયન્સ રિટેલને જસ્ટ ડાયલના મર્ચન્ટ ડેટાબેઝનો ફાયદો મળશે.

તો રિલાયન્સ દેશની સૌથી મોટી સંગઠિત રિટેલર બની ચુકી છે બીજી તરફ જસ્ટ ડાયલ લોકલ સર્ચ એન્જીન સેગમેન્ટમાં માર્કેટ લીડર છે.

(11:49 am IST)