Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

ભારતીય સેનાની જાસુસી પ્રકરણઃ ધરપકડ કરાયેલ નાયક પરમજીત 6 મોબાઇલ રાખતોઃ આ મોબાઇલની પૈસા પાકિસ્‍તાની જાસુસી એજન્‍સી આઇએસઆઇએ મોકલ્‍યા હતા

2018થી કામ કરતોઃ દર મહિને 50 હજાર રૂપિયા મળતા

નવી દિલ્હી: ભારતીય સેનાની જાસૂસી મામલે કેટલાક મહત્વના ખુલાસા થયા છે. દિલ્હી પોલીસના સુત્રો અનુસાર, સેનાનો ધરપકડ કરાયેલ નાયક પરમજીત 6 મોબાઇલનો ઉપયોગ કરતો હતો. આ 6 મોબાઇલ ફોન પાકિસ્તાનની જાસુસી એજન્સી ISIના મોકલેલા પૈસાથી ખરીદવામાં આવ્યા હતા. પોલીસ સુત્રો અનુસાર, પૂછપરછમાં ખુલાસો થયો છે કે પરમજીત વર્ષ 2018થી હબીબુર્રહમાન દ્વારા ISI માટે કામ કરી રહ્યો હતો, જેની માટે દર મહિને પાકિસ્તાન ISI પરમજીતને 50 હજાર રૂપિયા મોકલતી હતી.

દિલ્હી પોલીસના સુત્રએ જણાવ્યુ કે પૂછપરછમાં ખબર પડી છે કે લૉકડાઉનમાં ISI પરમજીતને 20 હજાર રૂપિયા મોકલવા લાગી હતી. આ તમામ પૈસા દર મહિને પરમજીતની બહેનના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા.

કોર્ટમાં ક્રાઇમ બ્રાંચને પરમજીતના 9 દિવસના રિમાન્ડ મળ્યા છે. પૂછપરછમાં ક્રાઇમ બ્રાંચને જરૂરી લાગ્યુ તો તે હબીબુર્રહમાન અને પરમજીતને પોખરણ અને આગ્રા પણ લઇને જશે. પરમજીત અને હબીબુર્રહમાન સાથે કેટલાક કલાક મિલિટ્રી ઇન્ટેલિજન્સ અને બીજી સુરક્ષા એજન્સીઓએ પૂછપરછ પણ કરી છે.

હબીબુર્રહમાનને પોખરણમાં સેનામાં મીટ સપ્લાય કરવાનું ટેન્ડર મળ્યુ હતું, આ પહેલા મળેલા ટેન્ડરમાં તે સેનાને શાકભાજી સપ્લાય કરતો હતો.

મહત્વપૂર્ણ છે કે દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાંચ અને મિલિટ્રી ઇન્ટેલીજન્સની મદદથી પાકિસ્તાની જાસુસી એજન્સીને સેનાની ગુપ્ત જાણકારી આપનારા નેટવર્કનો પર્દાફાશ થયો હતો. આ મામલે સૌથી પહેલા રાજસ્થાનના પોખરણમાં હબીબુર્રહમાનની ધરપકડ થઇ હતી. દિલ્હી પોલીસના સ્પેશ્યલ CP ક્રાઇમ પ્રવીર રંજને કહ્યુ હતું કે ક્રાઇમ બ્રાંચે એવા નેટવર્કનો પર્દાફાશ કર્યો જે સેનાના દસ્તાવેજોને બીજા દેશમાં જાસૂસો દ્વારા મોકલી રહ્યો હતો.

(5:54 pm IST)