Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

ભ્રષ્ટાચારઃ મનરેગા મજૂરોના જોબ કાર્ડ પર દીપિકા પાદુકોણની તસવીરઃ મજૂરી પણ ચૂકવાઇ

૫૦ એકર જમીન ધરાવતા ખેડૂતના નામે જોબ કાર્ડ, પરંતુ તસવીર દીપિકાની મજૂરી કામે ગયા નથી, ને મજૂરી ચૂકવાઇ ગઇ

ભોપાલ, તા.૧૭: ભારતમાં ભ્રષ્ટાચાર કેટલી હદ સુધી પોતાના પાયા મજબૂત કરી ચૂકયુ છે તેનો તાજેતરનો દાખલો મનરેગા મજૂરોના જોબ આઇડીકાર્ડ પર અભિનેત્રી દીપિકા પાદુકોણની તસવીર પૂરો પાડે છે. આ કિસ્સો મધ્ય પ્રદેશમાંથી સામે આવ્યો છે. અહીંના ખરગોનમાં એક ગ્રામ પંચાયતમાં દીપિકા પાદુકોણ સહિત અન્ય ત્રણ અભિનેત્રીઓની તસવીરો રોજગાર ગેરન્ટી જોબ કાર્ડ પર લગાવવામાં આવી છે. પંચાયત સચિવ અને રોજગાર સહાયકને સાથે મળીને આ કાંડ કર્યુ છે.

એનલાઇન જોબ કાર્ડ પર ગ્રામીણ મહિલા-પુરુષોની તસવીર હોવાના સ્થાને અભિનેત્રીઓની તસવીરનો ઉપયોગ કરાયો છે. આટલું જ નહીં પરતું આ કાર્ડ પર મજૂરી પર અદા કરવામાં આવી હતી. કેટલાક મજૂરોને એ પણ જાણકારી નથી કે એમના નામ પર મજૂરી ચૂકવાઇ ગઇ છે.

આ કેસમાં જયારે તપાસ કરવામાં આવી ત્યારે ખુલાસો થયો હતો કે કાર્ડ ધારક મજૂરો કયારે પણ મજૂરી પર ગયા નથી અને તેઓ જાણતા પણ નથી કે તેમના નામે મજૂરી ચૂકવાઇ રહી છે. તેમના જોબ કાર્ડ પર અભિનેત્રીઓની તસવીરો લાગેલી છે.

આ સિવાય મજૂરો પાસે જે જોબ કાર્ડ છે અને અભિનેત્રીઓની તસવીરોવાળા જોબ કાર્ડ કમ્રાંકમાં પણ તફાવત છે. કેટલાક ખેડૂતો એવા છે જેમની ૫૦ એકરથી વધારે જમીન છે અને તેમના મનરેગા જોબ કાર્ડ બની ગયા છે. જેમાં દીપિકા પાદુકોણનો ફોટો લાગેલો છે. આ ગામમાં આશરે ૧૫ જોબ કાર્ડ હાથ લાગ્યા હતા જેમાં દીપિકા પાદુકોણનો ફોટો લાગ્યો છે.

નવાઇની વાત એ છે કે લાંબા સમયથી ચાલી રહેલા કૌભાંડની જાણ જીલ્લા પ્રશાસનને પણ થઇ નથી.

(8:36 pm IST)