Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

સુપ્રિમ કોર્ટે ચૂંટણી પંચનો કાન આમળ્યો... EVMમાં ઘાલમેલની ફરિયાદો ઉપર ધ્યાન દયો

નવી દિલ્હી તા. ૧૮ : સુપ્રીમ કોર્ટે કેરળમાં ઈલેકટ્રોનિક વોટિંગ મશીનમાં ગેરરીતિ અને અન્ય લોકોના વોટ બીજેપીને ટ્રાન્સફર કરવાના આરોપો પર ચૂંટણી પંચને નોટિસ મોકલી છે. સર્વોચ્ચ અદાલતે પંચને આ ફરિયાદોનું સંજ્ઞાન લેવા જણાવ્યું છે. અરજીઓમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે કેરળના કાસરગોડમાં મોક પોલિંગ દરમિયાન એવું થયું કે દરેક વોટ ભાજપને જ જઈ રહ્યો છે. આ કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ દીપાંકર દત્ત્।ા અને જસ્ટિસ સંજીવ ખન્નાએ કમિશનના વકીલને આ અંગે સંજ્ઞાન લેવા કહ્યું હતું.

VVPAT અંગે દાખલ કરવામાં આવેલી અરજી પર બેન્ચે કહ્યું કે, 'કેરળના કાસરગોડમાં મોક પોલિંગ કરવામાં આવી હતી. ભાજપને ૪ EVM  અને VVPATમાં એક વધારાનો વોટ મળ્યો. આ અહેવાલ મનોરમામાં જોવા મળ્યો હતો. આના પર બેન્ચે ચૂંટણી પંચના વકીલ મહિન્દર સિંહને આ અંગે સંજ્ઞાન લઈને એકવાર તપાસ કરવા જણાવ્યું હતું. હકીકતમાં, કોર્ટમાં ઘણી અરજીઓ દાખલ કરવામાં આવી છે, જેમાં માંગ કરવામાં આવી છે કે EVM ની VVPAT સ્લિપની ચકાસણી કરવામાં આવે. મંગળવારે આ મામલે લાંબી અને રસપ્રદ ચર્ચા થઈ હતી

એટલું જ નહીં, વકીલ પ્રશાંત ભૂષણે તમામ VVPAT સ્લિપની ગણતરી કરવાની માંગ કરી હતી. તેના પર કોર્ટે કહ્યું હતું કે ભારત જેવા દેશમાં આ કેવી રીતે શકય છે. આ અંગે પ્રશાંત ભૂષણે જર્મની જેવા દેશનું ઉદાહરણ આપતા કહ્યું હતું કે ત્યાં બેલેટ પેપરથી જ ચૂંટણી કરાવવામાં આવે છે. તેના પર જજે કહ્યું હતું કે ત્યાં માત્ર ૬ કરોડ નાગરિકો છે. આ માત્ર મારા ગૃહ રાજયની વસ્તી છે. આટલું જ નહીં ઈવીએમના બદલે બેલેટ પેપરને લઈને બેન્ચે એમ પણ કહ્યું કે અમે એ યુગ પણ જોયો છે જયારે ચૂંટણી બેલેટથી થઈ હતી. તેમણે કહ્યું કે મશીન સાચા પરિણામ આપે છે, જો તેમાં કોઈ માનવીય હસ્તક્ષેપ ન હોય.

(3:08 pm IST)