Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

અમારા ઘોષણાપત્રમાં પ ન્‍યાય અને રપ ગેરન્‍ટી એજન્‍ડાઃ તમામ વર્ગનો સમાવેશઃ મલ્લીકાર્જુન ખરગે

કોંગ્રેસના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષે દીલ ખોલીને આપ્‍યા જવાબઃ ભાજપ-કેન્‍દ્ર સરકાર પર કર્યા પ્રહાર રાહુલ ગાંધીની બન્ને યાત્રાઓમાં લોકોની મુલાકાત પરથી જ અમારૂ ઘોષણા પત્ર તૈયાર કરાયુઃ કોંગ્રેસ અને મોદીની ગેરેન્‍ટીમાં આકાશ-પાતાળનો ફરક

નવી દિલ્‍હી તા. ૧૮ :.. કોંગ્રેસના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ ખરેગેએ એક ઇન્‍ટરવ્‍યુમાં જણાવ્‍યું હતું કે, લોકસભા ચૂંટણીમાં ભાજપના અહંકાર હારશે અને ઇન્‍ડીયા ગઠબંધનની જીત થશે. કોંગ્રેસને બદનામ કરી ભાજપ સત્તામાં આવી અને ખેડૂતોની આવક બે ગણી કરવાનો વાયદો પણ કર્યો હતો. મોદીજી જેવું જુઠાણું કોઇ વડાપ્રધાને નથી બોલ્‍યુ. જે હાલ ત્રીજા તો કયારેક બીજા નંબર પર દેશને લાવવાની વાત કરે છે.

અમે કોંગ્રેસ ન્‍યાય પત્ર નામથી ધોષણા પત્ર જાહેર કર્યુ છે. અમારા ઘોષણા પત્રમાં પ ન્‍યાય અને રપ ગેરન્‍ટી એજન્‍ડાઓમાં યુવા, મહિલા, ખેડૂત, શ્રમિક, આદીવાસી, દલીત, પછાત વર્ગ, સામાન્‍ય વર્ગ સહિત તમામ ધર્મ-જાતિનો સમાવેશ કરાયો છે. કર્ણાટકમાં ગૃહ લક્ષ્મી યોજના દ્વારા ૧.રર કરોડ ગરીબ મહિલાઓને ર હજાર રૂપિયા આપવામાં આવી રહ્યા છે.

મોદી ગેરેન્‍ટી ખોટી અને તેમના જ શબ્‍દોમાં એક જુમલો છે. કોંગ્રેસની ગેરેન્‍ટી અને મોદીની ગેરેન્‍ટીમાં આકાશ-પાતાળનો તફાવત છે. અમે જે કહીએ છીએ તે કરીએ છીએ. મોદીજીની ગેરેન્‍ટી જુઠ્ઠાણાઓનો જુમલો છે.

રાજસ્‍થાનમાં મોટા નેતાઓના ચૂંટણી લડવાથી પરહેઝ અંગે ખરગેએ જણાવેલ કે, પૂર્વ કેન્‍દ્રીય મંત્રી અને સ્‍પીકર સી. પી. જોષી ચૂંટણી લડી રહ્યા છે. સચીન પાયલોટને અમે છતીસગઢની જવાબદારી સોંપી છે. ભુપેશ બધેલા, ચરણજીત ચન્‍ની, કે. સી. વેણુ ગોપાલ પણ ઉમેદવાર છે.

છેલ્લી બે લોકસભામાં અમને રાજસ્‍થાન, દિલ્‍હી, હરિયાણા, હિમાચલ, ઉત્તરાખંડ જેવા રાજયોમાં બેઠકો નથી મળી. હવે લોકો ભાજપ સરકારની હકિકતથી વાકેફ થઇ ગયા છે. આ રાજયોમાં કોંગ્રેસ મજબૂત સ્‍થિતિમાં છે. દિલ્‍હીમાં અમે ઇન્‍ડીયા ગઠબંધન સાથે લડી રહ્યા છીએ.

કોંગ્રેસ છોડી જતા રહેલ નેતાઓ અંગે ખરગેએ જણાવેલ કે, દેશમાં એવું કોઇ ગામ નથી જયાં કોંગ્રેસ નેતા કે કાર્યકર ન હોય. અમારી પાસે જે છે તેઓ ધન કે બાહુબલથી નથી ડરતા. તેઓ સાચા કોંગ્રેસીઓ છે. મને રાજકારણમાં પાંચ દાયકાનો અનુભવ  છે અને હું હંમેશા કોંગ્રેસના ચૂંટણી ચિહન પર જ ચૂંટણી લડયો છું.

ઇન્‍ડીયા ગઠબંધનમાં સામેલ થવા અંગે ખરગેએ જણાવેલ કે, કોંગ્રેસ લગભગ ૩પ૦ બેઠકો પર લડી રહી છે. અમે વધુમાં વધુ બેઠકો પર લડી હાજરી દેખાડવાના બદલે વધુમાં વધુ બેઠકો જીતવા માંગીએ છીએ. નાના-મોટા પક્ષો સાથે મળીને ચાલી રહ્યા છે.

ભારત જોડો ન્‍યાય યાત્રાને લઇને કોંગ્રેસ અધ્‍યક્ષ ખરગેએ જણાવેલ કે, રાહુલજીએ લગભગ પ મહિનામાં ભારત જોડો યાત્રા પુરી કરી હતી. કન્‍યાકુમારીથી કાશ્‍મીર સુધી તેઓ ચાલ્‍યા હતાં. જયારે ભારત જોડો  ન્‍યાય યાત્રા એક હાઇબ્રીડ યાત્રા હતી. જે મણીપુરથી મુંબઇ સુધી ૬પ  દિવસોમાં પગપાળા તથા વાહનો દ્વારા પુરી કરવામાં આવી હતી.  આ બન્ને યાત્રામાં દરમિયાન લોકો સાથેની મુલાકાતના આધારે કોંગ્રેસનું ઘોષણાપત્ર તૈયાર કરાયું છે.

તેમણે બેરોજગારી અને મોંઘવારી જેવા મુદાને મુખ્‍ય મુદા બનાવવા અંગે જણાવેલ કે, ભાજપ ભાવનાત્‍મક મુદાને ચૂંટણી મુદા બનાવવામાં સફળ રહયું છે. મોદીજી ઇચ્‍છે છે કે ૪પ વર્ષોની ભીષણતમ બેરોજગારી, મોંઘવારી અને આર્થિક અસમાનતાને નજર અંદાજ કરવામાં આવે.

ચૂંટણી ખર્ચ મેનેજ કરવા અંગે ખરગેએ જણાવેલ કે, મોદી સરકાર વિવિધ વિભાગોનો દુરપયોગ કરી ૩૦ વર્ષ પહેલાના મામલે યેચુરીને નોટીસ મોકલી છે. અમારા ૧૩પ કરોડ પણ જપ્ત કરાયા છે. પણ અમે કોર્ટના આભારી છીએ કે તેમણે ચૂંટણી સુધી વધુ ફંડ જપ્ત કરવા પર રોક લગાવી છે.

આમ કોંગ્રેસ અધ્‍યક્ષ મલ્લીકાર્જુન ખરગેએ અનેક મુદ્‌્‌ે રાજસ્‍થાન પત્રીકાના ઇન્‍ટરવ્‍યુ દરમિયાન સવાલોના જવાબ આપ્‍યા હતા અને દીલ ખોલીને વાત કરી હતી.

 

 

મની લોનડ્રિંગ કેસ : શિલ્‍પા શેટ્ટી - રાજ કુન્‍દ્રાની ૯૭ કરોડની સંપતિ જપ્‍ત

ઈડીની મોટી કાર્યવાહી : જુહુ અને પુણે નો બંગલો તેમજ રાજ કુન્‍દ્રાના નામના કેટલાક શેર સામેલ

મુંબઈ તા. ૧૮ : બોલિવૂડ એક્‍ટ્રેસ શિલ્‍પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્‍દ્રા વિરુદ્ધ EDએ મોટી કાર્યવાહી કરી છે. ED એટલે કે એન્‍ફોર્સમેન્‍ટ ડિરેક્‍ટોરેટની મુંબઈ શાખાએ PMLA એક્‍ટ હેઠળ ફિલ્‍મ અભિનેત્રી શિલ્‍પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્‍દ્રાની ૯૭.૭૯ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. EDના સૂત્રોના જણાવ્‍યા અનુસાર, જપ્ત કરાયેલી સંપત્તિમાં જુહુ સ્‍થિત એક બંગલો પણ સામેલ છે, જે શિલ્‍પા શેટ્ટીના નામે છે. તેમજ પુણેમાં એક બંગલો પણ સામેલ છે. આ સિવાય EDએ રાજ કુન્‍દ્રાના નામના કેટલાક શેર પણ જપ્ત કર્યા છે.

વાસ્‍તવમાં, તપાસ એજન્‍સી EDએ મહારાષ્ટ્રમાં નોંધાયેલી અલગ-અલગ એફઆઈઆરના આધારે પીએમએલએ એક્‍ટ હેઠળ તપાસ શરૂ કરી હતી. આરોપ એવો હતો કે મેસર્સ વેરિએબલ ટેક પ્રાઈવેટ લિમિટેડ, સ્‍વ.અમિત ભારદ્વાજ, અજય ભારદ્વાજ, વિવેક ભારદ્વાજ, સિમ્‍પી ભારદ્વાજ, મહેન્‍દ્ર ભારદ્વાજ અને અન્‍ય MLM એજન્‍ટોએ ખોટા વચનોના આધારે રોકાણકારો પાસેથી આશરે રૂ. ૬૬૦૦ કરોડના બિટકોઈન મેળવ્‍યા હતા. વર્ષ ૨૦૧૭, જે ૧૦ ટકા વળતર દ્વારા પુનઃપ્રાપ્ત કરવાની ખાતરી આપવામાં આવી હતી. અને બિટકોઈન માઈનિંગમાં અંગત હિતો માટે તેનો ઉપયોગ કર્યો. તે એક પ્રકારની પોન્‍ઝી સ્‍કીમ હતી.

EDનો આરોપ છે કે શિલ્‍પા શેટ્ટીના પતિ રાજ કુન્‍દ્રાએ આ કૌભાંડના માસ્‍ટરમાઇન્‍ડ પાસેથી ૨૮૫ બિટકોઇન્‍સ મેળવ્‍યા હતા. અમિત ભારદ્વાજે રોકાણકારોને છેતરીને આ બિટકોઈન મેળવ્‍યા હતા અને યુક્રેનમાં બિટકોઈન માઈનિંગમાં રોકાણ કર્યું હતું. રાજ કુન્‍દ્રાને આ કૌભાંડના ગુનાની આવકમાંથી ૨૮૫ બિટકોઇન્‍સ મળ્‍યા, જેની કિંમત આજની તારીખે રૂ. ૧૫૦ કરોડથી વધુ છે. આ કેસમાં ઇડીએ દરોડા પાડીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.

ગયા વર્ષે સિમ્‍પી ભારદ્વાજની ૧૭ ડિસેમ્‍બર ૨૦૨૩, નીતિન ગૌર ૨૯ ડિસેમ્‍બર ૨૦૨૩ અને અખિલ મહાજનની ૧૬ જાન્‍યુઆરી ૨૦૨૩ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. તે તમામ હાલ જેલમાં છે. આ કેસના મુખ્‍ય આરોપી અજય ભારદ્વાજ અને મહેન્‍દ્ર ભારદ્વાજ હજુ પણ ફરાર છે, જેમની તપાસ એજન્‍સી ED દ્વારા કરવામાં આવી રહી છે. આ કેસમાં એન્‍ફોર્સમેન્‍ટ ડિરેક્‍ટોરેટે ૬૯ કરોડ રૂપિયાની જંગમ અને જંગમ મિલકત જપ્ત કરી લીધી છે.

(3:38 pm IST)