Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

'2036ની ઓલિમ્પિક ગાંધીનગર સંસદીય વિસ્તારમાં યોજાશે' : જનસભામાં અમિતભાઇ શાહએ યાદ અપાવી મોદીની ગેરેન્ટી

મોદી સત્તામાં આવ્યા ત્યારે દેશનું અર્થતંત્ર 11માં ક્રમાંકે હતુ મોદીએ તેને પાંચમા ક્રમે લાવવાનું કામ કર્યું. મોદીની ગેરંટી છે, ત્રીજા કાર્યકાળમાં દેશનું અર્થતંત્ર દુનિયામાં ત્રીજા ક્રમે પહોંચશે.

અમદાવાદ :ગુજરાતમાં આગામી 7મી મેના રોજ લોકસભાની 26 બેઠકો પર એકસાથે જ મતદાન થવાનું છે,આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે અમદાવાદમાં ભવ્ય રોડ શૉ યોજ્યો હતો. જે બાદ તેમણે વેજલપુર વિસ્તારમાં જંગી જનમેદની સંબોધી હતી. જેમાં તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યાં હતા.

પોતાના સંબોધનમાં અમિતભાઈ  શાહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું કે, UPAના શાસનમાં દેશમાં આતંકવાદ હતો. જ્યારે મોદીના શાસનમાં દેશ સૌથી સુરક્ષિત છે. એક જમાના સોનિયા-મનમોહનની સરકારમાં રોજેરોજ પાકિસ્તાનથી ઘૂસણખોરો ઘૂસી જતા હતા અને હુમલા કરતા હતા. જો કે મોદી સરકાર આવ્યા બાદ પાકિસ્તાને ઉરી અને પઠાનકોટમાં હુમલો કર્યો. જેના જવાબમાં 10 જ દિવસમાં પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને સર્જિકલ અને એરસ્ટ્રાઈક કરી દીધી.

ગુજરાત અને દેશની જનતાએ નરેન્દ્રભાઈ  મોદીને 10 વર્ષ માટે શાસન કરવા માટે આપ્યા. મોદીના શાસન કાળમાં ત્રિપલ તલાક સમાપ્ત થયો, UCCલાવ્યા, રામ મંદિર બનાવ્યું, નક્સલવાદ નાબુદ કર્યો, CAA દ્વારા બૌદ્ધ, જૈન અને ખ્રિસ્તી શરણાર્થીઓને નાગરિક્તા આપી અને કોંગ્રેસને સાફ પણ કરી નાંખી.આટલું જ નહીં, 80 કરોડ ગરીબોને ઘરમાં ગેસ, શૌચાલય, લાઈટ, ગેસનું કનેક્શન, 5 લાખ સુધીનો વીમો, 5 કિલો અનાજ અને નળથી જળ આપવાનું કામ મોદી સરકારે કર્યું.

જ્યારે નરેન્દ્રભાઈ  મોદી સત્તામાં આવ્યા ત્યારે દેશનું અર્થતંત્ર 11માં ક્રમાંકે હતુ. જો કે નરેન્દ્રભાઈ મોદીએ તેને પાંચમા ક્રમે લાવવાનું કામ કર્યું. મોદીની ગેરંટી છે, ત્રીજા કાર્યકાળમાં દેશનું અર્થતંત્ર દુનિયામાં ત્રીજા ક્રમે પહોંચશે.

નરેન્દ્રભાઈ  મોદીએ દેશની જનતાને વચન આપ્યું છે કે, જ્યારે આઝાદીના 100 વર્ષ થાય ત્યારે 2047માં દરેક ક્ષેત્રમાં ભારત નંબર વન થાય. મોદીએ ગેરંટી આપી છે કે, 2036ની ઓલિમ્પિક ભારતમાં થશે. એમાં પણ ખાસ ગાંધીનગર સંસદીય વિસ્તારમાં થશે.

ભાજપ હાઈકમાન્ડ દ્વારા 2 માર્ચના રોજ ઉમેદવારનું પ્રથમ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતુ. જેમાં ગાંધીનગર લોકસભા બેઠક પર અમિતભાઈ  શાહને ટિકિટ આપવામાં આવી હતી.

ગાંધીનગર લોકસભા બેઠક ભાજપનો ગઢ ગણાય છે. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપના તત્કાલીન અધ્યક્ષ અમિતભાઈ  શાહ આ બેઠક પર 8.90 લાખ કરતાં વધુ વોટથી વિજેતા થયા હતા. જ્યારે તેમના હરીફ કોંગ્રેસ ઉમેદવાર સી.જે. ચાવડાને માત્ર 3 લાખ મત જ મળ્યા હતા. આમ આ બેઠક પર અમિતભાઈ  શાહે આ બેઠક પર 70 ટકા વોટ મેળવીને 5.50 લાખની જંગી બહુમતી સાથે વિજય થયો હતો.

ગાંધીનગર લોકસભા બેઠક પર અમિત ભાઈ  શાહ અગાઉ ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી 6 વખત જીતીને સંસદમાં પહોંચ્યા હતા. અડવાણીએ સૌ પ્રથમ 1991માં ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. જે બાદ સતત પાંચ ટર્મ સુધી તેઓ જીત મેળવતા રહ્યા હતા. 2019ની ચૂંટણીમાં અમિતભાઈ  શાહે 5 લાખથી વધુ મતથી આ બેઠક પર જીત મેળવીને અડવાણીના 4.83 લાખ મતથી જીતના રેકોર્ડને તોડી નાંખ્યો હતો

 

(10:01 pm IST)