Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

કેજરીવાલને જેલમાંથી સરકાર ચલાવવાની મંજૂરી આપવાની માગ: દિલ્હી હાઇકોર્ટમાં અરજી દાખલ

અરજીમાં દાવો કર્યો કે કેજરીવાલ રાજનીતિક દુર્ભાવનાના કારણે જેલમાં છે:સ્વાસ્થ્ય અને શિક્ષણ જેવા મામલામાં દિલ્હી સરકારે દેશમાં સૌથી સારું કામ કર્યું છે, તેથી જેલમાંથી સરકાર ચલાવવાની મંજૂરી આપવી જોઈએ

નવી દિલ્હી ; દિલ્હી હાઈકોર્ટમાં એક અરજી દાખલ થઈ છે. જેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જેલમાંથી જ સરકાર ચલાવવાની મંજૂરી આપવાની માગ કરવામાં આવી છે. હાઈકોર્ટમાં આ અરજી વકીલ શ્રીકાંત પ્રસાદે દાખલ કરી છે. તેમણે કોર્ટમાંથી તિહાર જેલના ડીજીને મુખ્યમંત્રી માટે જરુરી વ્યવસ્થા કરવાના નિર્દેશ આપવાની પણ માગ કરી છે. જો કે હજુ સુધી કોર્ટે નક્કી નથી કર્યું કે અરજી પર સુનાવણી કરવાની છે કે નહીં.

આ અરજીમાં વકીલ શ્રીકાંતા પ્રસાદે માગ કરી છે કે અદાલત જેલના ડીજીને નિર્દેશ આપે કે તેઓ જેલમાં જ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ માટે પર્યાપ્ત વ્યવસ્થા કરે, કે જેથી તેઓ દિલ્હીના ધારાસભ્યો અને મંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગથી વાત કરી શકે.

શ્રીકાંત પ્રસાદે પોતાની અરજીમાં તર્ક આપ્યો કે દિલ્હીમાં હાલ જે સ્થિતિ છે, તે બંધારણના અનુચ્છેદ 21, 14 અને 19 અંતર્ગત નાગરિકોને મળેલા મૌલિક અધિકારોનું ઉલ્લંઘન છે. તેમણે કહ્યું કે, દિલ્હીમાં છેલ્લા સાત વર્ષમાં હેલ્થ અને એજ્યુકેશનનો ટ્રેક રેકોર્ડ ઉમદા રહ્યો છે. અરજીમાં દલીલ કરવામાં આવી છે કે ન ભારતનું બંધારણ અને ન કોઈ કાયદો કોઈ મંત્રી, મુખ્યમંત્રી કે વડાપ્રધાનને સરકાર ચલાવવાથી રોકી શકે છે.

શ્રીકાંત પ્રસાદનું કહેવું છે કે તેઓ તે ગરીબો અને વંચિતો તરફથી કોર્ટનો દરવાજો ખટખટાવી રહ્યાં છે, જે દિલ્હી સરકારની યોજનાઓનો લાભ ઉઠાવે છે, પરંતુ પોતાના અધિકારો અંગે નથી જાણતા. તેમણે પોતાની અરજીમાં દાવો કર્યો કે કેજરીવાલ રાજનીતિક દુર્ભાવનાના કારણે જેલમાં છે. તેમણે કહ્યું કે સ્વાસ્થ્ય અને શિક્ષણ જેવા મામલામાં દિલ્હી સરકારે દેશમાં સૌથી સારું કામ કર્યું છે, તેથી જેલમાંથી સરકાર ચલાવવાની મંજૂરી આપવી જોઈએ. તેમણે પોતાની અરજી પર ઝડપથી સુનાવણી થાય તેવી પણ માગ કરી છે.

દિલ્હીના કથિત શરાબ કૌભાંડમાં EDએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની 21 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી. ત્યારેથી જ આમ આદમી પાર્ટી જેલથી જ સરકાર ચલાવવાનો દાવો કરી રહી છે. હવે પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ સંદીપ પાઠકે જણાવ્યું કે આગામી સપ્તાહથી કેજરીવાલ જેલમાંતી જ બે મંત્રીઓ સાથે મુલાકાત કરશે અને સરકારના કામકાજના લેખાં-જોખાં લેશે.

તિહાર જેલના અધિકારીઓએ જણાવ્યું કે દિલ્હી સરકારના મંત્રી આતિશી, કૈલાશ ગહેલોત અને સૌરભ ભારદ્વાજનું નામ વિઝિટર લિસ્ટમાં ઉમેરી દેવાયું છે. આ ત્રણેય સપ્તાહમાં બે વખત મુખ્યમંત્રી કેજરીવાલ સાથે મુલાકાત કરી શકે છે.

આ પહેલા દિલ્હી હાઈકોર્ટમાં અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી પદથી હટાવવાની માગ કરતી ત્રણ અરજીઓ ફગાવી દીધી છે. સુરજીત સિંહ યાદવ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને હાઈકોર્ટે ફગાવી દીધી હતી. તો વિષ્ણુ ગુપ્તા નામના એક વ્યક્તિની અરજી પર કોર્ટે સુનાવણીનો જ ઈનકાર કરી દીધો હતો. જ્યારે આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય સંદીપ કુમારની અરજી ન માત્ર ફગાવવમાં આવી પરંતુ કોર્ટે 50 હજાર રુપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 23 માર્ચ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં જ રહેશે. 15 એપ્રિલે તેમની કસ્ટડી ખતમ થઈ હતી જે બાદ રાઉજ એવન્યૂ કોર્ટે તેણે 23 એપ્રિલ સુધી વધારી દીધી હતી.

 

(10:12 pm IST)