Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

દુબઈમાં પૂરના પાણીમાં બિલાડી ફસાઈ : એક કારનો મળ્યો આશરો : બચાવ્યો જીવ

કારના દરવાજાના હેન્ડલમાં પંજા ફસાવીને ઊભી રહેલી બિલાડીની આ સ્થિતિએ સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેંચ્યું

દુબઈમાં છેલ્લાં 4 દિવસથી વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને પગલે શહેરના રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે. સ્થિતિને દર્શાવતા અનેક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યાં છે. ત્યારે એક વીડિયો હાલ ભારે ટ્રેન્ડિંગમાં છે.

  આ વીડિયોમાં શહેરની વચ્ચોવચ એક કાર પૂરના પાણીમાં ફસાયેલી જોવા મળી રહી છે. ત્યારે પૂરના પાણીમાં ફસાયેલી એક બિલાડી પણ દેખાઈ રહી છે, જે તરવા કે બચવા માટે અસમર્થ છે. આ મુંગા પશુને તે સમયે કોઈ આશરો નથી મળી રહ્યો, તેથી તે કારના દરવાજાના હેન્ડલમાં પોતાના પંજા ફસાવીને ઊભી છે. બિલાડીની આ સ્થિતિએ સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેંચ્યું છે.
વીડિયોમાં જોવા મળી રહેલા એક પોલીસવાળાએ બોટમાં આવીને તે બિલાડીને બચાવે છે. આ ઘટનાથી ખ્યાલ આવે છે કે દુબઈની હાલ શું સ્થિતિ છે. ભારે વરસાદને પગલે શહેર આખું પાણી પાણી થઈ ગયું છે. મુખ્ય રસ્તાઓ, ઘર અને શોપિંગ મોલમાં પણ પાણી ભરાઈ ગયા છે. 16 એપ્રિલે UAEમાં લગભગ 259.5 મિમી વરસાદ પડ્યો. 

 મળતી માહિતી મુજબ અહીં 75 વર્ષમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે. શહેરમાં અનેક જગ્યાએ કાર અને અન્ય વાહનો પાણીમાં ડૂબી ગયેલા જોવા મળે છે. દુનિયાના સૌથી વ્યસ્ત એરપોર્ટ દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પણ ભારે વરસાદના કારણે અફરાતફરી ફેલાઈ ગઈ છે.

  અનેક ફ્લાઈટ મોડી ચાલી રહી છે તો કેટલીક રદ કરી દેવાઈ છે. અન્યને ડાયવર્ટ કરી દેવાઈ છે. અધિકારીઓએ ચેતવણી આપી કે જ્યાં સુધી કોઈ ઈમરજન્સી સ્થિતિ ન હોય, એરપોર્ટ પર ના આવવું. એરપોર્ટ પરના એક પ્રતિનિધિએ કહ્યું કે કેટલીક ફ્લાઈટ મોડી ચાલી રહી છે અને કેટલીક ડાયવર્ટ કરી દેવાઈ છે. અમીરાત એરલાઇન્સે તમામ ચેક ઈન રદ કરી દીધા છે. રનવે માર્ગો પર પાણી ભરાઈ જવાથી ક્રૂ અને યાત્રિકોને મુશ્કેલી પડી રહી છે. આ ઉપરાંત સ્કૂલમાં આગામી સપ્તાહ સુધી રજા જાહેર કરી દેવાઈ છે. હોસ્પિટલની સામે ઘુંટણ સુધી પાણી છે જેના કારણે દર્દીને ચિકિત્સા સેવા મળવી પણ મુશ્કેલ થઈ રહી છે.

(12:26 am IST)