Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

પ્‍યાર કિયા તો ડરના ક્‍યા

શિષ્‍યાને ભગાડીને લઈ ગયા ગુરુજીઃ કેસ થયો તો મંદિરમાં લગ્ન કરી લીધા

જમુઈ,તા. ૧૯: પ્રેમ કોઈને પણ થઈ શકે છે, સાથે કામ કરનારા લોકો હોય, સાથે ભણનારા હોય કે પછી તમને ભણાવતા શિક્ષક. જયારે માણસ પ્રેમમાં પડી જાય છે તો તે દુનિયાના તમામ બંધનો તોડીને તેનાથી આઝાદ થઈ જાય છે. આવો જ એક કિસ્‍સો બિહારમાંથી સામે આવ્‍યો છે, જયાં પ્રોફેસર મટુકનાથે પોતાની વિદ્યાર્થિની જૂલી સાથે લગ્ન કરી લીધા હતા.

હવે ફરી એક કિસ્‍સો જમુઈમાંથી સામે આવ્‍યો છે. જયાં એક શિક્ષકે પોતાની શિષ્‍યા સાથે લગ્ન કરી લીધા છે. આ કિસ્‍સો જમુઈ જિલ્લાના બરહટ પોલીસ સ્‍ટેશન હદ વિસ્‍તારમાંથી સામે આવ્‍યો છે, જયાં એક કોચિંગમાં ભણાવતા શિક્ષકને તેની શિષ્‍યા સાથે પ્રેમ થઈ ગયો, તો બંનેએ ઘરેથી ભાગીને લગ્ન કરી લીધા. હવે બંનેએ એક સાથે જીવવા મરવાની કસમો ખાઈ લીધી છે.

હકીકતમાં જોઈએ તો, બરહટ પોલીસ સ્‍ટેશન વિસ્‍તારના ગુગુલડીહ ગામમાં ૩૩ વર્ષિય નિતેશ કુમાર સિન્‍હા નામના એક યુવક ગામમાં જ કોચિંગ ચલાવતો હતો. આ કોચિંગમાં ગામના કેટલાય બાળકો ભણવા આવતા હતા. ૨૨ વર્ષિય સંજના ભારતી પણ આ કોચિંગમાં ભણવા આવતી હતી.

ઈન્‍ટરમીડિયેટની પરીક્ષા પાસ કર્યા બાદ સંજના ત્‍યાં કોમ્‍પિટેટિવ એક્‍ઝામિનેશનની તૈયારી કરવા આવી હતી. આ દરમ્‍યાન નિતેશ અને સંજનાની આંખો મળી ગઈ. બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્‍યા. બંને ભવિષ્‍ય માટેના રંગીન સપના જોવા લાગ્‍યા. જો કે, આ બંનેના પ્રેમ વચ્‍ચે તેમનો પરિવાર વચ્‍ચે આવી રહ્યો હતો. બંને સાથે લગ્ન કરવા માગતા હતા. પણ તેમનો પરિવાર તેમના વિરુદ્ધ હતો.

ત્‍યાર બાદ તેમણે પરિવારની વિરુદ્ધ જઈને ઘરેથી ભાગી ગયાય. શિક્ષકને પોતાની શિષ્‍યાને લઈને ભાગવાનું મોંઘુ પડ્‍યું અને સંજનાના પરિવારે અપહરણની ફરિયાદ નોંધાવી દીધી.

અપહરણની ફરિયાદ નોંધાવ્‍યા બાદ પોલીસ દ્વારા આ મામલામાં તપાસ કરવા લાગ્‍યા અને જયારે પોલીસે બંનેની ધરપકડ કરી તો આખો કિસ્‍સો સમજાયો. પ્રેમી યુગલે જણાવ્‍યું કે, બંને એકબીજાને પ્રેમ કરે છે અને પોતાની મરજીથી ઘરેથી ભાગ્‍યા હતા.

બંને પુખ્‍તવયના છે. જે બાદ પોલીસે બંનેના લગ્ન કરાવવાનો નિર્ણય લીધો. ત્‍યાર બાદ પોલીસ સ્‍ટેશનમાં જ મંડપ લગાવ્‍યો અને મંદિરમાં બંનેના લગ્ન થયા. પોલીસના કર્મચારીઓ જાનૈયા બન્‍યા. મંદિરમાં બંનેએ એકબીજા સાથે જીવવા મરવાની કસમો ખાધી.

(9:45 am IST)