Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ચેરમેન મુકેશ અંબાણીનો આજે જન્મ દિવસ

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું સર્જનમાં મહત્વની ભૂમિકા:મુકેશ અંબાણી ભારત જ નહીં પણ એશિયાના સૌથી સમૃદ્ધ વ્યક્તિ: વર્ષ 2002માં પિતા ધીરુભાઈ અંબાણીના અવસાન બાદ મુકેશ અંબાણીએ રિલાયન્સનું સુકાન સંભાળ્યું:આજે આશરે 20 લાખ કરોડના માર્કેટ કેપિટલાઈઝેશન સાથે રિલાયન્સ ભારતની સૌથી મોટી કંપની

ભારતના સૌથી સમૃદ્ધ વ્યક્તિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ચેરમેન મુકેશ અંબાણીનો આજે જન્મ દિવસ છે. તેઓ આજે 67 વર્ષના થયા છે. તેમનો જન્મ યમનના અદન શહેરમાં થયો હતો. તેમના પિતા ધીરુભાઈ અંબાણી ભારત પરત ફર્યાં તો તેમની સાથે તેઓ દેશમાં પરત આવ્યા. ત્યારબાદ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું સર્જનમાં મહત્વની ભૂમિકા ભજવી. આજે મુકેશ અંબાણી ભારત જ નહીં પણ એશિયાના સૌથી સમૃદ્ધ વ્યક્તિ છે તથા વિશ્વના સૌથી સમૃદ્ધ વ્યક્તિની યાદીમાં 11માં સ્થાન પર છે.

વર્ષ 2002માં પિતા ધીરુભાઈ અંબાણીના અવસાન બાદ મુકેશ અંબાણીએ રિલાયન્સનું સુકાન સંભાળ્યું હતું. આજે આશરે 20 લાખ કરોડના માર્કેટ કેપિટલાઈઝેશન સાથે રિલાયન્સ ભારતની સૌથી મોટી કંપની છે. અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારે મુકેશ અંબાણીએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું સુકાન સંભાળ્યું ત્યારે તેનું કદ ફક્ત રૂપિયા 75,000 કરોડ હતું. આજે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પેટ્રોલિયમથી લઈ રિટેલ, ટેલિકોમ, ગ્રીન એનર્જી સહિત અનેક સેક્ટરમાં કામગીરી ધરાવે છે.

મુકેશ અંબાણી બોમ્બે યુનિવર્સિટીથી કેમિકલ એન્જીનિયરિંગમાં ગ્રેજ્યુએટ ડિગ્રી ધરાવે છે. ત્યારબાદ તેમણે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં એડમિશન લીધુ હતું. જોકે પિતાને સાથ આપવા આગળ અભ્યાસ કર્યો ન હતો. મુકેશ અંબાણીએ વર્ષ 1981માં તેમના પિતા ધીરુભાઈ અંબાણી સાથે મળી રિલાયન્સ ગ્રુપમાં એન્ટ્રી લીધી હતી. ત્યારબાદ વર્ષ 1985માં કંપનીનું નામ રિલાયન્સ ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડથી બદલીને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ કર્યું હતું.

ધીરુભાઈ અંબાણીના અવસાન બાદ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું સુકાન પોતાને હસ્તક લીધુ હતું. પિતાના અવસાન બાદ અંબાણી પરિવારમાં વિભાજન થવા લાગ્યું. મુકેશ અંબાણી અને અનિલ અંબાણી વચ્ચે સંપત્તિને લઈ વિવાદ શરૂ થયો અને આ વિવાદ વિભાજન સુધી પહોંચ્યો. રિલાયન્સ ઈન્ફોકોમ નાના ભાઈ અનિલ અંબાણી પાસે આવી તો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ મુકેશ અંબાણી પાસે આવી.

મુકેશ અંબાણીએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું સુકાન પોતાના હાથમાં લીધા બાદ પેટ્રોલિયમ ઉપરાંત રિટેલ, લાઈફ સાયન્સ, લોજીસ્ટીક્સ, ટેલિકોમ અને ઈન્ફ્રા સેક્ટરમાં વિસ્તરણ કર્યું. ભારતમાં સૌથી મોટા રિટેલ બિઝનેસ કંપની તરીકે કંપની સ્થાન ધરાવે છે. આ ઉપરાંત રિલાયન્સ જિયો કે જેને વર્ષ 2016માં રજૂ કરવામાં આવેલ તે આજે મોટી કંપની તરીકે ઉભરી રહી છે.

(8:16 pm IST)