Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

વાયરસ પછી હવે ચીનમાં ફેલાયો છે બેકટેરિયાનો કહેર

બાયોફાર્માસ્યુટિકલ ફેકટરીમાં લીક બાદ હજારો લોકો સંક્રમિત

બીજીંગ, તા.૧૯: ચીનમાં ફેલાય કોરોના વાયરસના કારણે વિશ્વભરમાં મહામારી ફેલાઈ ગઈ છે ત્યાં હવે બેકટેરિયાના કારણે પણ હજારો લોકો સંક્રમિત થઇ રહ્યા છે. વાયરસ બાદ હવે બેકટેરિયાનો કહેર ચીનમાં શરુ થયો છે. જેણે લોકોની ચિંતામા વધારો કર્યો છે.

ઉત્તર પૂર્વી ચીનમાં હજારો લોકો બેકટેરિયાના સંક્રમણથી પીડિત થઈ ગયા છે. અધિકારીઓ અનુસાર ગયા વર્ષે બાયોફાર્માસ્યુટિકલ કંપનીમાંથી લીક થવાનાં કારણે આ બીમારી ફેલાઈ રહી છે. ગાન્સુની રાજધાનીમાં અત્યાર સુધી ૩,૨૪૫ આ Brucellosis બીમારીની ચપેટમાં આવી ગયા છે.

આ બીમારી બૃસેલા નામના બેકટેરિયાના કારણે થાય છે. સામાન્ય રીતે તે પશુઓમાં જોવા મળે છે. આ એવા પશુઓમાં જોવા મળે છે જે કૃષિ સંબધિત કાર્યમાં ઉપયોગમાં આવે છે અને એવા પશુ જેમને ભોજન અથવા રેસા કાઢવા માટે પાળવામાં આવી રહ્યાં છે. સ્વાસ્થ્ય આયોગના અનુસાર, ગયા વર્ષે જુલાઈ અને ઓગસ્ટમાં એક બાયોલોજીકલ ફાર્માસ્યુટિકલ ફેકટરીમાં આ બીમારીની શરૂઆત થઇ હતી.  અત્યાર સુધી ૧૧,૦૦૦થી વધારે લોકો તેમાં સંક્રમિત થયા છે. આ બેકટેરિયાની બીમારી માટે અત્યાર સુધી ૨૧,૦૦૦ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને જે શહેરમાં બીમારી થઈ છે તેની વસ્તી ૩૦ લાખની આસપાસ છે. આ બીમારીનું નામ માલ્ટા ફિવર છે. અને તેના લક્ષણોમાં તાવ, માથું દુખવું, સ્નાયુઓ દુખવા, નબળાઈ આવી છે. અને આ બીમારી ગંભીર રૂપ પણ લઈ શકે છે. જોકે અમેરિકાની ડિસીઝ એન્ડ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર આ બીમારીનું સંક્રમણ મનુષ્યોના સંપર્કમાં આવવાથી નથી થતું પણ સંક્રમિત ભોજન, પાણી અથવા શ્વાસના કારણે ફેલાય છે. જાનવરો માટે બૃસેલા રસી વિકસિત કરવાની પ્રક્રિયામાં એકસ્પાયર સેનિટાઈઝરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

(10:05 am IST)