Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

સ્કૂલ ખૂલતાં જ બાળકોમાં ફેલાયો કોરોનાઃ હરિયાણામાં ૮૦ વિદ્યાર્થીઓ પોઝિટિવ

રેવાડીના ૧૨ સ્કૂલમાં એક સર્વે કરવામાં આવ્યો આ દરમિયાન ૭૨ બાળકો કોરોના પોઝિટિવ મળી આવ્યા

રેવાડી,તા. ૧૯: કોરોના મહામારી વચ્ચે તમામ પ્રકારનું ધ્યાન રાખતા અને સાવધાની વચ્ચે અલગ-અલગ રાજયોમાં સ્કૂલો ખોલવામાં આવી રહી છે. આ દરમિયાન હરિયાણાથી જે અહેવાલ સામે આવી રહ્યાં છે તે ચિંતા વધારનારા છે. હકીકતમાં, રેવાડીના ૧૨ સ્કૂલમાં એક સર્વે કરવામાં આવ્યો આ દરમિયાન ૭૨ બાળકો કોરોના પોઝિટિવ મળી આવ્યાં છે.

આટલું જ નહીં, જીંદમાં પણ મંગળવારે ૬૬ લોકો (જેમાં ૮ શિક્ષક અને ૧૧ સ્કૂલના બાળકો)નો સમાવેશ થાય છે. તે લોકોને પણ કોરોના વાયરસનું સંક્રમણ ફેલાયેલું જોવા મળ્યુ હતું. નોડલ અધિકારી વિજય પ્રકાશે જણાવ્યું કે,'તહેવારની સીઝનમાં લોકોનું હરવું ફરવું ખૂબ જ થઈ રહ્યું છે. આ કારણોસર અમે ૧૨ સ્કૂલોમાં ૮૩૭ બાળકો પર સર્વે કરવામાં આવ્યો છે. જેમાં ૭૨ બાળકો પોઝિટિવ મળી આવ્યા છે.'

હરિયાણા સરકારના શિક્ષણમંત્રી કંવરપાલ ગુર્જરે કહ્યું કે, 'જે શાળાઓમાં કોરોના કેસ નોંધાયા હતાં તે શાળાઓને બે અઠવાડિયા માટે બંધ કરવામાં આવી છે. માસ્કનો ઉપયોગ અને સોશિયલ ડિસ્ટનસનું પાલન સુનિશ્ચિત કરવામાં આવશે. કોરોના વાયરસને કારણે આખી સિસ્ટમ બંધ ન કરી શકાય.'

હરિયાણા સરકારના ગૃહમંત્રી અનિલ વિજે કહ્યું, 'અમે તમામ સિવિલ ડોકટર્સને કોરોના ટેસ્ટિંગમાં વધારો કરવા સૂચના આપી છે. જવાબદાર અધિકારીઓને શાળાઓનું નિરીક્ષણ કરવાનું કહેવામાં આવ્યું છે કે કયાં કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરવામાં આવી રહ્યું છે અને કયાં નિયમો અવગણવામાં આવી રહ્યાં છે. જયાં નિયમોનું પાલન થતું નથી ત્યાં તેમની સામે કડક કાર્યવાહી થવી જોઇએ.

આરોગ્ય વિભાગના અધિકારીએ કહ્યું, 'જીંદમાં મંગળવારે ૬૬ લોકોમાં (જેમાં ૮ શિક્ષકો અને ૧૧ શાળાના બાળકો) કોરોના વાયરસના સંક્રમણની પુષ્ટિ થઈ છે. અમારી આરોગ્ય ટીમો દરરોજ શાળાએ જઈ રહી છે અને ટેસ્ટિંગ કરી રહી છે. અમે ટૂંક સમયમાં અહીં રહેલી તમામ શાળાઓના કોરોના ટેસ્ટિંગ પૂર્ણ કરીશું.

(9:33 am IST)