Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

રેલવે મુસાફરી મોંઘી થવાના એંધાણ

ટુંક સમયમાં પ્રસ્તાવ કેબિનેટમાં મોકલાશે

નવી દિલ્હી તા. ૧૯ : આગામી દિવસોમાં રેલવેના ભાડામાં વધારા માટે તૈયાર થઈ જજો.. ટૂંક સમયમાં સરકાર દ્વારા રેલવેના ભાડામાં વધારાને મંજૂરી આપવામાં આવી શકે છે. જેથી આગામી દિવસોમાં રેલવેની ટિકિટમાં ૩૫ રૂપિયા જેટલો વધારો થઈ શકે છે. રેલવેના ભાડાના વધારાને સરકાર આગામી દિવસમાં મંજૂરી આપશે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ રેલવે સ્ટેશનોના પુનૅંવિકાસ માટે રેલવે મુસાફરોએ ૧૦ રૂપિયાથી ૩૫ રૂપિયા જેટલું ભાડું વધારે ચૂકવવું પડશે. રેલવેના આ ભાડા વધારાના પ્રસ્તાવને આગામી દિવસોમાં મંજૂરી માટે કેબિનેટમાં મોકલવામાં આવશે. કેબિનેટની મંજૂરી બાદ રેલવેના ભાડામાં અંદાજીત ૩૫ રૂપિયા જેટલો વધારો જોવા મળી શકે છે.

એક અંદાજ મુજબ રેલવે ભાડું યૂઝર ચાર્જના હિસાબે વધી રહ્યું છે. રેલવે વિભાગે અગાઉ સ્પષ્ટતા કરી હતી કે, યૂઝર ચાર્જ માત્ર એ જ સ્ટેશનો પર લેવામાં આવશે જેનો પુનઃવિકાસ કરવાનો હોય અને જે રેલવે સ્ટેશનો પર પ્રવાસીઓની સંખ્યા વધારે રહેતી હોય. જેથી રેલવે વિભાગે માહિતી આપી છે કે દેશભરના ૭ હજાર રેલવે સ્ટેશનમાંથી ૭૦૦ થી ૧ હજાર રેલેવે સ્ટેશન યૂઝર ચાર્જની શ્રેણીમાં આવે છે. યૂઝર ચાર્જ સુવિધાની અવેજીમાં લગાવવામાં આવે છે. હાલ આ યૂઝર ચાર્જ એરપોર્ટ પર લગાવવામાં આવે છે. એરપોર્ટ પર લાગતા આ યૂઝર ચાર્જનો એર ટિકિટમાં સમાવેશ કરવામાં આવે છે. એટલે કે હવાઈ મુસાફરી માટે પ્રવાસીઓ જે ટિકિટ ખરીદે છે તેમા યૂઝર ચાર્જનો સમાવેશ થઈ જાય છે. પરંતુ હવે રેલવે ટિકિટમાં પણ યૂઝર ચાર્જ લગાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જેથી હવે તમે રેલેવેની ટિકિટ ખરીદશો તેમાં ૩૫ રૂપિયા વધારે ચૂકવવા માટે તૈયાર થઈ જજો. જો કે હજુ કેબિનેટની મંજૂરી બાદ આ વધારાનો અમલીકરણ કરવામાં આવશે.

(11:00 am IST)