Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

ભારતીય નાગરિકોને સંયુક્ત આરબ અમીરાતની બિનજરૂરી યાત્રા ટાળવાની સલાહ: ઇમર્જન્સી હેલ્પલાઇન નંબર જાહેર

UAEમાં ભારતીય એમ્બેસીએ જાહેર કરી: એડવાઇઝરી દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટથી યાત્રા કરનાર ભારતીયોએ બીનજરુરી યાત્રાને પુનર્નિધારિત કરવા પર સલાહ અપાઈ

નવી દિલ્હી :ભારતીય એમ્બેસીએ એડવાઇઝરી જાહેર કરી પોતાના નાગરિકોને સંયુક્ત આરબ અમીરાતની બિનજરૂરી યાત્રા ટાળવાની સલાહ આપી છે. એમ્બેસીએ એક સપ્તાહ સુધી પડેલા ભારે વરસાદ બાદ સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટથી યાત્રા કરનાર ભારતીયોએ બીનજરુરી યાત્રાને પુનર્નિધારિત કરવા પર સલાહ આપી છે. 

  UAEમાં આ સપ્તાહે ભારે વરસાદ પડ્યો. આ ખાડી દેશ તેમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યો છે. મુશળધાર વરસાદને કારણે દુબઈ અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. અહીં સ્થિતિ હજુ સામાન્ય થઈ નથી. દૂતાવાસે કહ્યું કે યુએઈના અધિકારીઓ પરિસ્થિતિને સામાન્ય બનાવવા માટે ચોવીસ કલાક કામ કરી રહ્યા છે. એરપોર્ટ સત્તાવાળાઓએ સલાહ આપી છે કે ફ્લાઇટની ડિપાર્ચર ડેટ અને ટાઇમિંગ અંગે સંબંધિત એરલાઇન્સ પાસેથી કન્ફર્મ માહિતી મેળવ્યા પછી જ મુસાફરો એરપોર્ટ પરથી મુસાફરી કરી શકે છે.

   એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે UAEમાં પ્રતિકૂળ હવામાનને કારણે દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઈટ્સની સંખ્યા અસ્થાયી રૂપે મર્યાદિત કરવામાં આવી છે. દુબઈ એરપોર્ટ પરથી મુસાફરી કરતા ભારતીય મુસાફરોને સલાહ આપવામાં આવે છે કે જ્યાં સુધી કામગીરી સામાન્ય ન થાય ત્યાં સુધી બિનજરૂરી મુસાફરીને ફરીથી શેડ્યૂલ કરવાની સલાહ આપવામાં આવે છે, એમ એમ્બેસીએ એડવાઈઝરીમાં જણાવ્યું હતું. ભારતીય નાગરિકોને મદદ કરવા માટે, દુબઈમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે 17 એપ્રિલથી ઇમરજન્સી હેલ્પલાઇન નંબર શરૂ કર્યો છે.

    વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટ પૈકીના એક દુબઈ એરપોર્ટની ફ્લાઈટ્સ હજુ સામાન્ય થઈ શકી નથી. અહીં આવનારી ફ્લાઈટ્સની સંખ્યા મર્યાદિત કરવામાં આવી છે. દુબઈ એરપોર્ટના અધિકારીઓએ મુસાફરોને તેમની ફ્લાઇટ કન્ફર્મ ન થાય ત્યાં સુધી અહીં ન આવવા વિનંતી કરી છે. ઉપરાંત, મુસાફરો નિર્ધારિત પ્રસ્થાનના સમયના માત્ર બે કલાક પહેલા એરપોર્ટ પહોંચે. આ દરમિયાન નજીકના અબુ ધાબી એરપોર્ટ પરથી ફ્લાઈટ કામગીરી સામાન્ય થઈ ગઈ છે. આ એરપોર્ટ પણ પાણીમાં ડૂબી ગયું હતું.

(12:16 am IST)