Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

૪૮ દિવસ સ્થિર રહ્યા બાદ પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા

પેટ્રોલના ભાવમાં સરેરાશ ૨૦ પૈસા અને ડીઝલના ભાવમાં સરેરાશ ૨૫ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે

નવી દિલ્હી,તા.૨૦ :  ઈન્ટરનેશનલ માર્કેટમાં કાચા તેલા ભાવમાં સુસ્તી જોવા મળી રહી છે. તેનાથી ઉલટું ડોમેસ્ટિક માર્કેટમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ૪૮ દિવસ બાદ આગ લાગી ગઈ. સરકારી ઓઇલ કંપનીઓએ આજે પેટ્રોલ અને ડીઝલ મોંઘા કરી દીધા છે. પેટ્રોલના ભાવમાં સરેરાશ ૨૦ પૈસા અને ડીઝલના ભાવમાં સરેરાશ ૨૫ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલ ૧૭ પૈસા અને ડીઝલ ૨૨ પૈસા મોંદ્યું થઈ ગયું છે.

 

 આ પહેલા પેટ્રોલના ભાવમાં છેલ્લીવાર ૨૨ સપ્ટેમ્બરે ૭થી ૮ પૈસા પ્રતિ લીટરનો ઘટાડો થયો હતો. ૧ સપ્ટેમ્બરથી ૨ ઓકટોબર સુધી ડીઝલનો ભાવ ૩ રૂપિયા પ્રતિ લીટથી વધુ ઓછો થયો છે. જોકે પેટ્રોલના ભાવ પર કોઈ અસર નહોતી થઈ. ઓકટોબર મહિનામાં પેટ્રોલ અને ડીઝલ ની કિંમતમાં કોઈ ફેરફાર નહોતો થયો.

 દિલ્હી- પેટ્રોલ ૮૧.૨૩ રૂપિયા અને ડીઝલો ૭૦.૬૮ રૂપિયા પ્રતિ લીટર છે.

મુંબઈ- પેટ્રોલ ૮૭.૯૨ રૂપિયા અને ડીઝલો ૭૭.૧૧ રૂપિયા પ્રતિ લીટર છે.

કોલકાતા- પેટ્રોલ ૮૨.૭૯ રૂપિયા અને ડીઝલો ૭૪.૨૪ રૂપિયા પ્રતિ લીટર છે

ચેન્નઈ- પેટ્રોલ ૮૪.૩૧ રૂપિયા અને ડીઝલો ૭૬.૧૭ રૂપિયા પ્રતિ લીટર છે.

વિદેશી કરન્સી દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ શું છે, તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એકસાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજો જોડ્યા બાદ આ ભાવ લગભગ બે ગણા થઈ જાય છે. નોંધનીય છે કે રોજ સવારે ૬ વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે ૬ વાગ્યાથી જ નવા દર લાગુ થઈ જાય છે.

(10:01 am IST)