Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

રત્ન અને આભૂષણોની નિકાસ ચાલુ વર્ષે 20થી 25 ટકા ઘટશે : GJEPC

વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાને કારણે હાલ માંગ પણ તળિયે બેસી ગઇ

મુંબઇઃ ચાલુ નાણાંકીય વર્ષે દેશમાં રત્ન અને આભૂષણોની નિકાસ 20થી 25 ટકા ઘટવાની દહેશત છે એવું જણાવતા જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (GJEPC) એ કહ્યુ કે, કોરોના મહામારીને રોકવા લાગુ કરાયેલા લોકડાઉનથી પગલે નિકાસ કામકાજ અટકી ગયા અને વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાને કારણે હાલ માંગ પણ તળિયે બેસી ગઇ છે.

GJEPCના આંકડા મુજબ નાણાંકીય વર્ષ 2019-20 દરમિયાન દેશમાં રૂ. 2,52,249 કરોડના મૂલ્યની જેમ્સ- જ્વેલરની નિકાસ કરવામાં આવી હતી.

GJEPCના ચેરમેન કોલિન શાહે કહ્યુ કે, પાછલા વર્ષની સરખામણીએ વર્ષ 2020-21 દરમિયાન દેશમાથી રત્ન અને આભુષણોની નિકાસ 20થી 25 ટકા જેટલી ઘટવાનો અંદાજ છે. માંગમાં ધીમે ધીમે સુધારો થવાની સાથે અમે આગામી વર્ષે પોતાના 2019-20ના સ્તરે પહોંચી જશું. વૃદ્ધિ તો માત્ર વર્ષ 2021-22માં જ જોવા મળશે.

ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં સોનાના ભાવ પણ અતિશય વધી જવાના લીધે વૈશ્વિક બજારમાં દાગીનાની માંગ નોંધપાત્ર ઘટી છે. તેની સીધી અસર નિકાસ અને સ્થાનિક સ્તરે દાગીના મેન્યુફેક્ચરિંગ ઉપર પણ દેખાઇ રહી છે.

કોરોના મહામારીના કારણે દેશ અને દુનિયામાં તમામ જ્વેલરી એક્ઝિબિશન રદ કરવા પડ્યા છે. ઉલ્લેખનિય છે કે, અમેરિકા, યુરોપિયન દેશો અને મધ્યપૂર્વના આરબ દેશો ભારતમાં બનેલા સોના અને હીરાના દાગીનાના મોટા નિકાસ બજાર છે.

(6:45 pm IST)