Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2024

પરિવારમાં એક પણ સુપરસ્‍ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ!

સંપત્તિ શાહરૂખ ખાન, આમિર ખાન અને સલમાન ખાનની સંયુક્‍ત નેટવર્થ કરતાં વધુ છે

નવી દિલ્‍હી,તા. ૨૨: ભારતના સૌથી ધનિક વ્‍યક્‍તિઓની યાદીમાં ફિલ્‍મ નિર્માતાઓ અને સ્‍ટુડિયોના માલિકોના નામ જોવા મળશે. ભારતના સૌથી ધનિક લોકોની યાદીમાં રોની સ્‍ક્રુવાલા અને કલાનિધિ મારન જેવા ફિલ્‍મ નિર્માતાઓના નામ સામેલ છે. તે ફિલ્‍મો અને અન્‍ય વ્‍યવસાયોમાંથી ઘણી કમાણી કરે છે. સિનેમાની દુનિયામાં ફેમિલી બિઝનેસિ આનાથી પણ મોટો હોઈ શકે છે, જેની પુષ્ટિ બોલિવૂડના સૌથી ધનિક પરિવારે કરી છે.

આ અમીર પરિવારની સંપત્તિની સરખામણીમાં બોલિવૂડના સુપરસ્‍ટાર્સની સંપત્તિ પણ વામન લાગે છે. તેમની નેટવર્થ ઘણા ફિલ્‍મી પરિવારો કરતાં વધુ છે. બોલિવૂડનો કુમાર પરિવાર, જે T-Series ગ્રુપ ઓફ કંપનીઓનો માલિક છે, તે ભારતનો સૌથી ધનિક પરિવાર છે. ‘હુરૂન ઈન્‍ડિયા રિચ લિસ્‍ટ ઓફ ૨૦૨૨'માં ભૂષણ કુમાર અને તેમના પરિવારની કુલ સંપત્તિ લગભગ ૧૦ હજાર કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

T-Series કંપનીના સ્‍થાપક ગુલશન કુમારના પુત્ર ભૂષણ કુમાર હવે પરિવારના વડા છે. ભૂષણ કુમારના કાકા અને અભિનેતા કૃષ્‍ણ કુમાર તેમને બિઝનેસ મેનેજ કરવામાં મદદ કરે છે.

ભૂષણ કુમારની બહેન ખુશાલી એક અભિનેત્રી છે, જયારે તેની બીજી બહેન તુલસી પ્રખ્‍યાત ગાયિકા છે. બે બહેનો ઉપરાંત તેમની પત્‍ની દિવ્‍યા ખોસલા કુમાર પણ બિઝનેસમાં હિસ્‍સો ધરાવે છે. ૧૦ હજાર કરોડની સંપત્તિ તેમને બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર બનાવે છે. યશરાજ ફિલ્‍મ્‍સના માલિક ચોપરા પરિવારની સંપત્તિ ૭૦૦૦ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે, જેનું નેતૃત્‍વ આદિત્‍ય ચોપરા છે.

‘ધર્મ પ્રોડક્‍શન'ના માલિક કરણ જોહર અને તેમના પરિવારની સંપત્તિ ૨૦૦૦ કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. બોલિવૂડનો પહેલો પરિવાર કહેવાતા કપૂર પરિવારે બોલિવૂડને ઘણા સુપરસ્‍ટાર આપ્‍યા છે, પરંતુ તેમની કુલ સંપત્તિ ૩૦૦૦ કરોડ રૂપિયાની આસપાસ છે.

કુમાર પરિવારની સંપત્તિ વિશે એક રસપ્રદ તથ્‍ય એ છે કે તે બોલિવૂડના સૌથી મોટા સુપરસ્‍ટાર શાહરૂખ ખાન, સલમાન ખાન અને આમિર ખાનની સંયુક્‍ત નેટવર્થ કરતાં વધુ છે. મીડિયા રિપોર્ટ્‍સ અનુસાર, શાહરૂખ ખાન સૌથી અમીર ભારતીય અભિનેતા છે, જેની કુલ સંપત્તિ ૫૦૦૦ કરોડ રૂપિયા છે. તેની પાછળ સલમાન ખાન છે, જેની કુલ સંપત્તિ ૨૯૦૦ કરોડ રૂપિયા છે, જયારે આમિર ખાનની નેટવર્થ ૧૮૦૦ કરોડ રૂપિયા છે. ત્રણેયની કુલ સંપત્તિ ૯૭૦૦ કરોડ રૂપિયા છે, જે ભૂષણ કુમારના પરિવારની સંપત્તિ કરતાં થોડી ઓછી છે.

(10:08 am IST)