Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2024

કેનેડામાં ભણવાનું પૂરૂં કર્યા બાદ કોને નહીં મળે વર્ક પરમિટ? ગુજરાતી સ્‍ટૂડન્‍ટ્‍સ પર શું અસર થશે?

કેનેડામાં નિયમો કડક બનતાં ચાલુ વર્ષમાં જ કેનેડા જતાં ગુજરાતી સ્‍ટૂડન્‍ટ્‍સની સંખ્‍યામાં :૫૦ ટકા જેટલો જંગી ઘટાડો થવાની શક્‍યતા : ભણ્‍યા પછી હવે નોકરી કરવી પણ મુશ્‍કેલ બનશે

અમદાવાદ તા. ૨૨ : કેનેડા ભણવા જનારા હજારો ગુજરાતી સ્‍ટૂડન્‍ટ્‍સ હવે મોટી મુસીબતમાં મૂકાય તેવી સ્‍થિતિ સર્જાઈ છે કારણકે ૧૫ મે ૨૦૨૪થી કેનેડાની પ્રાઈવેટ કોલેજોમાં એડમિશન લેનારા ઈન્‍ટરનેશનલ સ્‍ટૂડન્‍ટ્‍સ પોસ્‍ટ ગ્રેજયુએશન વર્ક પરમિટ મેળવવાને પાત્ર નહીં રહે. ભણવાનું પૂરૂં થયા બાદ જોબ કરવા માટે કેનેડામાં રોકાતા સ્‍ટૂડન્‍ટ્‍સની સંખ્‍યા ઘટાડવા માટે હાલ જે પગલાં લેવાઈ રહ્યા છે તેનાથી એક અંદાજ અનુસાર દસ હજાર જેટલા ગુજરાતી સ્‍ટૂડન્‍ટ્‍સ પર સીધી અસર પડે તેવી શક્‍યતા છે.

છેલ્લા ત્રણ-ચાર વર્ષથી બારમું ધોરણ પાસ કર્યા બાદ કેનેડા જતાં સ્‍ટૂડન્‍ટ્‍સની સંખ્‍યામાં મોટો ઉછાળો આવ્‍યો છે, આ સ્‍ટૂડન્‍ટ્‍સ ભણવાની સાથે-સાથે પાર્ટ ટાઈમ કે ફુલટાઈમ જોબ કરવા ઉપરાંત ભણવાનું પૂરું થયા બાદ તેમને જે વર્ક પરમિટ મળતી હોય છે તેના દ્વારા ન માત્ર કેનેડામાં ભણવા માટે કરેલા ખર્ચને કાઢવા તેમજ તેની સાથે કેનેડાના પીઆર મળી શકે તે માટે મહેનત કરતા હોય છે. જોકે, હવે આ બધું બંધ થવાની તૈયારીમાં છે. તેમ ટાઇમ્‍સ ઓફ ઇન્‍ડિયા જણાવે છે.

૨૦૨૪માં જ IRCCએ કેનેડાના વિઝા મેળવવા માગતા સ્‍ટૂડન્‍ટ્‍સ માટે પ્રોવિન્‍શિયલ એટેસ્‍ટેશન લેટર મતલબ કે PAL પણ ફરજિયાત બનાવવામાં આવ્‍યો છે. ઓન્‍ટારિયો જેવા કેનેડાના સૌથી વધુ વસ્‍તી ધરાવતા પ્રોવિન્‍સની જ જો વાત કરીએ તો અહીં મોટાભાગનાં PAL પબ્‍લિક યુનિવર્સિટીને ફાળવવામાં આવ્‍યા છે, મતલબ કે ઓન્‍ટારિયોની કોઈ પ્રાઈવેટ કોલેજ કે યુનિવર્સિટીમાં એડમિશન લેનારા સ્‍ટૂડન્‍ટ્‍સને વિઝા મળવાના ચાન્‍સ લગભગ ના બરાબર છે. કેનેડાએ હાલ અલગ-અલગ પ્રોવિન્‍સ અનુસાર વર્ક પરમિટ માટે જે ક્‍વોટા જાહેર કર્યો છે તેમાં પોસ્‍ટ ગ્રેજયુએશન વર્ક પરમિટ માટે એલિજિબલ થતી કોલેજોનું લિસ્‍ટ પણ જાહેર કરવામાં આવ્‍યું છે.

સપ્‍ટેમ્‍બર ઈનટેકમાં કેનેડા ૩.૬૪ લાખ સ્‍ટડી પરમિટ ઈશ્‍યૂ કરવાનું છે, જેના કારણે ચાલુ વર્ષમાં ઈન્‍ડિયાનાં માત્ર ૧.૪૫ લાખ સ્‍ટૂડન્‍ટ્‍સને જ કેનેડા જવાનો ચાન્‍સ મળશે તેમ મનાઈ રહ્યું છે. કેનેડામાં ભણવા આવતા કુલ ઈન્‍ટરનેશનલ સ્‍ટૂડન્‍ટ્‍સમાં ૪૦ ટકા પ્રમાણ ભારતીયોનું હોય છે, જેમાં ૧૫ ટકા સ્‍ટૂડન્‍ટ્‍સ ગુજરાતી હોય છે. કેનેડાએ ૨૦૨૪માં ઈશ્‍યૂ થનારી સ્‍ટડી પરમિટનો જે આંકડો જાહેર કર્યો છે તે અનુસાર ૨૦૨૪માં ગુજરાતથી ૨૨ હજાર જેટલા સ્‍ટૂડન્‍ટ્‍સને કેનેડા જવાનો ચાન્‍સ મળશે તેવી શક્‍યતા છે.

ઉલ્લેખનીય છે કે ૨૦૨૩ સુધી ગુજરાતથી ૩૫-૪૦ હજાર સ્‍ટૂડન્‍ટ્‍સ દર વર્ષે કેનેડા જતાં હતાં, પરંતુ ૨૦૨૪માં આ આંકડો ૫૦ ટકા જેટલો ઓછો રહેશે. કેનેડા સ્‍થિત ઈમિગ્રેશન લોયર ઉપેન્‍દર સિંઘ બેદીએ અમારા સાથી અખબાર ટાઈમ્‍સ ઓફ ઈન્‍ડિયા સાથે વાત કરતા જણાવ્‍યું હતું કે કેનેડા ઈન્‍ટરનેશનલ સ્‍ટૂડન્‍ટ્‍સની સંખ્‍યા ઘટાડવા માટે આકરાં પગલાં લઈ રહ્યું છે, જેની પાછળનો ઉદ્દેશ સ્‍કીલ્‍ડ વર્ક ફોર્સ અને હાઈ વેલ્‍યૂ ધરાવતા એજયુકેશનલ કોર્સમાં એડમિશન લેતા સ્‍ટૂડન્‍ટ્‍સને આકર્ષવાનો છે.

બેદીના જણાવ્‍યા અનુસાર, સાયન્‍સ, ટેક્‍નોલોજી, એન્‍જિનિયરિંગ, મેથ્‍સ અને મેડિકલના સ્‍ટૂડન્‍ટ્‍સને કેનેડાના વિઝા મળવાના ચાન્‍સ વધારે રહેશે. સામાન્‍ય રીતે કેનેડાના સ્‍ટૂડન્‍ટ વિઝા માટે જેટલા લોકો એપ્‍લાય કરતા હોય છે તેમાંથી ૬૦ ટકા લોકોને ચાન્‍સ મળી જતો હોય છે, પરંતુ ૨૦૨૪માં સક્‍સેસ રેટ તેનાથી નીચો રહે તેવી પૂરી શક્‍યતા છે.

કેનેડામાં છેલ્લા દોઢેક વર્ષથી સ્‍થિતિ એટલી ઝડપથી બદલાઈ રહી છે કે તેના કારણે નવા-નવા કેનેડા ગયેલા ગુજરાતી સ્‍ટૂડન્‍ટ્‍સને એડજસ્‍ટ થવામાં ખૂબ જ પરેશાની થઈ રહી છે. ૩૪ વર્ષની ઉંમરે MBA કરવા ગયેલી એક ગુજરાતી યુવતીએ ટાઈમ્‍સ ઓફ ઈન્‍ડિયા સાથે વાત કરતા જણાવ્‍યું હતું કે કેનેડા જતાં ઘણા ગુજરાતી સ્‍ટૂડન્‍ટ્‍સને ઈંગ્‍લિશમાં વાત કરવામાં તકલીફ પડે છે, જેના કારણે તેમને જોબ પણ સરળતાથી નથી મળતી અને એક વેકેન્‍સી માટે ૫૦ લોકો લાઈનમાં ઉભા હોય છે. જોબની તંગી હોવાાથી ગુજરાતી સ્‍ટૂડન્‍ટ્‍સને શોષણના ભોગ પણ બનવું પડે છે.

કેનેડાના ખર્ચા ના પોસાતા હોવાથી ઘણા સ્‍ટૂડન્‍ટ્‍સ ઈન્‍ડિયા પાછા પણ આવી રહ્યા છે. અધૂરામાં પૂરૂં કેનેડામાં હાલ જોબની સાથે-સાથે હાઉસિંગ ક્રાઈસિસ પણ ચાલી રહી છે, અને રહેવા-જમવાના ખર્ચામાં થયેલો જંગી વધારો પણ સ્‍ટૂડન્‍ટ્‍સની મુશ્‍કેલીમાં વધારો કરી રહ્યો છે. સ્‍ટૂડન્‍ટ્‍સ કેનેડામાં એક તરફ ભારે હાડમારી ભોગવીને ગમે તેમ કરી ટકી રહેવા પ્રયાસ કરે છે, પરંતુ ભણવાનું પૂરૂં થયા બાદ હવે PR મળવાની શક્‍યતા પણ ધૂંધળી બનતાં સ્‍ટૂડન્‍ટ્‍સ નાસીપાસ થઈ રહ્યા છે.

કેનેડાના ન્‍યૂ બ્રુન્‍સવિકમાં પ્રેક્‍ટિસ કરતાં ગુજરાતી ઈમિગ્રેશન કાઉન્‍સિલર કિર્તન જાનીનું કહેવું છે કે ગુજરાતી સ્‍ટૂડન્‍ટ્‍સ મોન્‍ટેરિયલ, ટોરેન્‍ટો તેમજ વાનકુંવરને પ્રાયોરિટી આપતાં હોય છે, કારણકે ત્‍યાં તેમને ઘણા ગુજરાતીઓ તેમજ ઈન્‍ડિયન ફુડ સરળતાથી મળી રહે છે. જોકે, હવે પ્રોવિન્‍સ અનુસાર ઈન્‍ટરનેશનલ સ્‍ટૂડન્‍ટ્‍સનો ક્‍વોટા પણ ફિક્‍સ કરી દેવાતા કેનેડામાં પોતાને ગમતા પ્રોવિન્‍સમાં ભણવા જવું મુશ્‍કેલ બનશે. આ સ્‍થિતિમાં ૨૦૨૪માં એટલાન્‍ટિક કેનેડા અથવા ન્‍યૂ બ્રુન્‍સવીક, ન્‍યૂફાઉન્‍ડલેન્‍ડ, લેબ્રાડોર અને નોવા સ્‍કોચિયા જેવા પ્રોવિન્‍સમાં જનારા સ્‍ટૂડન્‍ટ્‍સની સંખ્‍યા વધશે.

અત્‍યાર સુધી કેનેડા જતાં સ્‍ટૂડન્‍ટ્‍સ કન્‍સલ્‍ટન્‍ટ કહે તે અનુસાર ગમે તે કોલેજ કે યુનિવર્સિટીમાં એડમિશન લેવા ફોર્મ ભરી દેતા હતા, પરંતુ આમ કરવાને બદલે પૂરતું રિસર્ચ કર્યા બાદ જ એડમિશન લેવું જોઈએ તેવું પણ એક્‍સપર્ટ્‍સનું કહેવું છે. કારણકે લાખો રૂપિયાનો ખર્ચો કરી કેનેડામાં જયાં એડમિશન મળે ત્‍યાં ભણવાને બદલે ભણવાનું પૂરૂં થયા બાદ ત્‍યાં સારી જોબ મળવાની કેટલી શક્‍યતા છે તેમજ PR થવાના શું ચાન્‍સ છે તેની પૂરતી જાણકારી મેળવ્‍યા વિના કોઈ પગલું ભરવાનું ગંભીર પરિણામ આવી શકે છે

(2:50 pm IST)