Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2024

મલેશિયામાં હવામાં ૨ સૈન્‍ય હેલિકોપ્‍ટર અથડાયા : ૧૦ લોકોના મોત

મલેશિયાની રોયલ મલેશિયન નેવીના વાર્ષિક કાર્યક્રમના રિહર્સલ દરમિયાન બંને સૈન્‍ય હેલિકોપ્‍ટર અથડાયા હતા

નવી દિલ્‍હી તા. ૨૩ : મલેશિયામાં નેવીના બે હેલિકોપ્‍ટર અથડાયા. આ અકસ્‍માતમાં દસ લોકોના મોત થયા છે. મલેશિયાની રોયલ મલેશિયન નેવીના વાર્ષિક કાર્યક્રમના રિહર્સલ દરમિયાન બંને સૈન્‍ય હેલિકોપ્‍ટર અથડાયા હતા.

નેવીનું આ રિહર્સલ મંગળવારે લુમુતના રોયલ મલેશિયન નેવી સ્‍ટેડિયમમાં થઈ રહ્યું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક હેલિકોપ્‍ટર બીજા હેલિકોપ્‍ટર સાથે અથડાતું જોઈ શકાય છે. આ બે હેલિકોપ્‍ટર Fennec M502-6 અને HOM M503-3 હતા. પહેલું હેલિકોપ્‍ટર ક્રેશ થયું અને સ્‍ટેડિયમની સીડીઓ પર પડ્‍યું જયારે બીજું સ્‍વિમિંગ પુલમાં પડ્‍યું.

નેવીએ આ ઘટનામાં દસ લોકોના મોતની પુષ્ટિ કરી છે. અકસ્‍માતમાં માર્યા ગયેલા તમામ લોકો હેલિકોપ્‍ટરના ક્રૂ મેમ્‍બર હતા. આ ઘટના સ્‍થાનિક સમય અનુસાર મંગળવારે સવારે ૯.૩૨ વાગ્‍યે બની હતી.

ગયા વર્ષે મલેશિયામાં ઈમરજન્‍સી લેન્‍ડિંગ દરમિયાન હેલિકોપ્‍ટર ક્રેશ થયું હતું. પરંતુ આ ઘટનામાં હેલિકોપ્‍ટરમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો

(10:41 am IST)