Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી જીતશે: ચૂંટણી પછી હિંસા પણ થશે: ટ્રમ્પને મારવા બે વખત કોશિશ પણ થશે: આવતા પાંચ વર્ષ પછી એક ધૂમકેતુ ધરતી સાથે ટકરાશે અને પૃથ્વી ખતમ થઇ જશે: મતદાન પૂર્વે ચાર કરોડથી વધુ અમેરિકનોએ અર્લી વોટિંગ અને પોસ્ટલ વોટિંગથી મત આપી દીધા: અમેરિકાના જાણીતા ક્રિશ્ચિયન ટીવી ભવિષ્યવેત્તા પેટ રોબર્ટસનની ખતરનાક આગાહીઓ

 ૩જી નવેમ્બરે અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ જીત હાંસલ કરી લેશે એટલું જ નહીં ચૂંટણી પછી હિંસા પણ થશે અને ટ્રમ્પને મારવા માટે બે વખત પ્રયાસો પણ કરવામાં આવશે તેમ ૯૦ વર્ષના અમેરિકાના જાણીતા ટીવી ભવિષ્યવેત્તા પેટ રોબર્ટ્સને કહ્યું છે. 

તેમનું કહેવું એવું પણ છે કે પાંચ વર્ષ પછી એક એસ્ટરોઇડ પૃથ્વી સાથે ટકરાશે અને પૃથ્વી પરના જીવનનો અંત આવશે. તેમણે કહ્યું કે  રિપબ્લિકન ઉમેદવાર ટ્રમ્પ ચૂંટણી જીતવાના છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. આમ છતાં લોકોએ ઘરમાંથી બહાર નીકળી વોટ નાખવા જવું જ જોઈએ. 

તેમનો દાવો અત્યાર સુધીના ઓપિનિયન પોલ કરતા તદ્દન જુદો છે. હાલના ઓપિનિયન પોલમાં ડેમોક્રેટિક ઉમેદવાર જો બાયડન ટ્રમ્પથી આગળ નીકળતા દેખાઈ રહ્યા છે. 

તેમણે કહેલ કે માનવી કોઈ પરમાણુ યુદ્ધ થી પૃથ્વીનો નાશ કરી શકશે નહીં પરંતુ એક ધૂમકેતુ ધરતી સાથે ટકરાશે અને દુનિયા ખતમ થઇ જશે. 

આ જ પેટ રોબર્ટસન અગાઉ ત્રણ વખત દુનિયાના વિનાશની વાતો કરી ચુક્યા છે. 

દરમિયાન ૩જી નવેમ્બરે અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી પહેલા ૪ કરોડ ૨૧ લાખથી વધુ લોકોએ મત આપી દીધા છે, જે આંકડો છેલ્લી ચૂંટણીથી બમણો વધારે છે. 

અમેરિકાના નાગરિકોએ અર્લી વોટીંગ અને પોસ્ટલ બેલેટ દ્વારા રેકોર્ડબ્રેક મતદાન કર્યું છે. લગભગ ૨૪ કરોડ અમેરિકનો 3 નવેમ્બરે  પ્રમુખપદની ચુંટણી માટે મત આપશે, તે જોતા ૧૬ ટકા અમેરિકનો અગાઉથી જ પોતાનો મત આપી ચૂક્યા છે.

(11:04 pm IST)