Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

તમે મત આપો કે ન આપો, મારા અંતિમ સંસ્‍કારમાં જરૂર આવજો

મલ્લિકાર્જુન ખડગેએ અફઝલપુર રેલીમાં ભાવનાત્‍મક અપીલ કરી

નવી દિલ્‍હી તા. ૨૫ : કોંગ્રેસના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બુધવારે તેમના ગૃહ જિલ્લા કલબુર્ગીમાં એક સભાને સંબોધિત કરી. આ સમય દરમિયાન, તેમના દ્વારા કરવામાં આવેલી ભાવનાત્‍મક અપીલ ઘણી ચર્ચાનો વિષય બની રહી છે.

તમે ભલે કોંગ્રેસને મત ન આપવા માંગતા હો, પરંતુ જો તમને એમ લાગે કે મેં તમારા માટે કામ કર્યું છે તો તમે કમ સે કમ મારા અંતિમ સંસ્‍કારમાં જરૂર સામેલ થશો.

કોંગ્રેસ અધ્‍યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જનતાને સંબોધતા કહ્યું કે જો તમે આ વખતે કોંગ્રેસને વોટ નહીં આપો તો હું વિચારીશ કે અહીં મારા માટે કોઈ સ્‍થાન નથી અને હું તમારું દિલ જીતી શક્‍યો નથી. ખડગે ૨૦૦૯ અને ૨૦૧૪માં અહીં જીત્‍યા હતા પરંતુ ૨૦૧૯માં હારી ગયા હતા.

કોંગ્રેસ અધ્‍યક્ષે કહ્યું કે તેઓ ભાજપ અને આરએસએસની વિચારધારાને હરાવવા માટે તેમના છેલ્લા શ્વાસ સુધી રાજકારણમાં રહેશે. ખડગેએ કહ્યું, ‘મારો જન્‍મ રાજકારણ માટે થયો છે. હું ચૂંટણી લડું કે ન લડું, હું આ દેશના બંધારણ અને લોકશાહીને બચાવવા માટે મારા છેલ્લા શ્વાસ સુધી પ્રયત્‍નશીલ રહીશ. હું રાજકારણમાંથી નિવૃત્તિ નહીં લઈશ.' તેમણે વધુમાં કહ્યું હતું કે, પદ પરથી નિવૃત્તિ છે પરંતુ પોતાના સિદ્ધાંતોથી નિવૃત્તિ ન લેવી જોઈએ. ખડગેએ કહ્યું, ‘હું બીજેપી અને આરએસએસની વિચારધારાને હરાવવા માટે જન્‍મ્‍યો છું, તેમની સમક્ષ આત્‍મસમર્પણ કરવા માટે નથી.'

તેમણે કર્ણાટકના મુખ્‍ય પ્રધાન સિદ્ધારમૈયા, જેમણે તેમની સાથે સ્‍ટેજ શેર કર્યું હતું, તેમને તેમના સિદ્ધાંતોનું પાલન કરવાની સલાહ પણ આપી હતી અને કહ્યું હતું કે, ‘હું વારંવાર સિદ્ધારમૈયાને કહું છું કે તમે સીએમ અથવા ધારાસભ્‍ય તરીકે નિવૃત્ત થઈ શકો છો, પરંતુ જયાં સુધી તમે ભાજપ અને આરએસએસના.વિચારધારાને હરાવો નહીં ત્‍યાં સુધી તમે રાજકારણમાંથી નિવૃત્ત થઈ શકતા નથી.

(2:59 pm IST)