Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

રાહુલ માટે આ વખતે વાયનાડથી જીત એટલી સરળ નથી ?

સ્‍થાનિક મુદ્દા રાહુલ માટે પરેશાનીનું કારણ

નવી દિલ્‍હી તા. ૨૫ : કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી કેરળની વાયનાડ બેઠકથી ચૂંટણી લડી રહ્યા છે. અહીં ૨૬ એપ્રિલના રોજ મતદાન થવાનું છે. આ વખતે રાહુલ ગાંધી માટે વાયનાડનો મુકાબલો એટલો સરળ નથી જેટલો ૨૦૧૯માં જોવા મળ્‍યો હતો. કારણ માત્ર સીપીએમ નેતા એની રાજાની ઉમેદવારી જ નથી પરંતુ વાયનાડના સ્‍થાનિક મુદ્દા પણ રાહુલ ગાંધી માટે પરેશાનીનું કારણ બન્‍યા છે.

સૌથી મોટો મુદ્દો લોકસભા મતવિસ્‍તારમાં આવતા જંગલનો છે. આંકડા મુજબ વાયનાડ જિલ્લાનો લગભગ ૩૬ ટકા ભાગ જંગલમાં પડે છે. જંગલી જાનવરોના હુમલાથી સ્‍થાનિક લોકોએ ખુબ મુશ્‍કેલીઓ ભોગવવી પડે છે. વાયનાડ લોકસભા વિસ્‍તારના સુલ્‍તાન બાથરી શહેર પાસે વડક્કનાડ ગામ તરફથી જતા રસ્‍તા પર લોકો ૬ વાગે જ પોતાની દુકાનો બંધ કરી લે છે. સ્‍થાનિકોના જણાવ્‍યાં મુજબ સાંજ પડ્‍યા બાદ લોકો આ રસ્‍તેથી જતા ડરે છે. વાયનાડમાં જંગલી જાનવરોનો ખતરો સતત વધી રહ્યો છે. ત્રણ વર્ષથી લોકો જલદી પોતાના ઘરોમાં સૂવા જતા રહે છે.

સ્‍થાનિકોમાં આ મુદ્દે નારાજગી પણ છે. મીડિયા રિપોર્ટ મુજબ એક ખેડૂતે રાહુલ ગાંધી પ્રત્‍યે પોતાની નારાજગી વ્‍યક્‍ત કરતા કહ્યું કે દરેક પૂછી રહ્યા છે કે અમારા સાંસદ રાહુલ ગાંધીએ વાડનાડમાં વન્‍યજીવોના હુમલાને રોકવા માટે શું કર્યું છે. શું તેમણે ક્‍યારેય આ મુદ્દો સંસદમાં ઉઠાવ્‍યો, તેઓ ફરીથી જીતી શકે છે પરંતુ તેઓ આ મુદ્દા પર અમને કોઈ  ખાતરી આપી રહ્યા નથી.

કેરળના અનેક મતવિસ્‍તારોમાં આ એક પ્રમુખ ચૂંટણી મુદ્દો ગણાય છે. પરંતુ વાયનાડમાં સ્‍થિતિ ગંભીર જોવા મળી રહી છે. જયાં આ વર્ષે અત્‍યાર સુધીમાં જંગલી હાથીઓએ ત્રણ લોકોને કચડીને મારી નાખ્‍યા છે. એલડીએફ, કોંગ્રેસ અને ભાજપ આ ગંભીર સંકટ માટે એક બીજા પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે. આ  કારણસર અનેક ખેડૂત પરિવારોને વન ક્ષેત્રો નજીકની તેમની જમીનથી વિસ્‍થાપિત કરી દીધા છે.

(11:13 am IST)