Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

આચારસંહિતાના ઉલ્લંઘન બદલ મોદી - રાહુલને નોટિસ

ચૂંટણી પ્રવચન મામલે ચૂંટણી પંચ એકશન મોડમાં : ભાજપ - કોંગ્રેસ બંનેને નોટિસ ફટકારી : ૨૯મી સુધીમાં માંગ્‍યો જવાબ : મોદી - રાહુલના પ્રવચનો વિરૂધ્‍ધ થયેલી ફરિયાદ બાદ નોટિસ ફટકારાઇ : ફરિયાદ હતી કે નેતાઓ ધર્મ- જાતિ - સમુદાય - ભાષાના આધારે લોકોમાં નફરત ફેલાવવા અને તેઓમાં ભાગલા પડાવવાનું કામ કરે છે

નવી દિલ્‍હી તા. ૨૫: ચૂંટણી પંચે વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા આચારસંહિતા ભંગની નોંધ લીધી છે. ભાજપ અને કોંગ્રેસ બંનેએ પાર્ટી પર ધર્મ, જાતિ, સમુદાય અથવા ભાષાના આધારે નફરત અને વિભાજન કરવાનો આરોપ લગાવ્‍યો. ECIએ ૨૯ એપ્રિલે સવારે ૧૧ વાગ્‍યા સુધીમાં જવાબ માંગ્‍યો છે.

ચૂંટણી પંચે જનપ્રતિનિધિત્‍વ અધિનિયમની કલમ ૭૭ લાગુ કરી હતી અને કહ્યું હતું કે પક્ષ પ્રમુખોને સ્‍ટાર પ્રચારકોના વર્તન માટે જવાબદાર ઠેરવવા જોઈએ. ચૂંટણી પંચે ભાજપના અધ્‍યક્ષ જેપી નડ્ડા અને કોંગ્રેસ અધ્‍યક્ષ મલ્લિકાર્જુન ખડગેને ૨૯ એપ્રિલના રોજ સવારે ૧૧ વાગ્‍યા સુધીમાં વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી અને રાહુલ ગાંધી પર MCCના કાયદાના ઉલ્લંઘનના આરોપોનો જવાબ આપવા જણાવ્‍યું છે. પંચે કહ્યું કે ઉચ્‍ચ હોદ્દા પર રહેલા લોકોના ચૂંટણી ભાષણોની અસર વધુ ગંભીર છે.

પીએમ મોદીએ ૨૧ એપ્રિલે રાજસ્‍થાનના બાંસવાડામાં કહ્યું હતું કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો તે લોકોની સંપત્તિ વધુ બાળકો ધરાવતા લોકોમાં વહેંચશે. સાથે જ પીએમ મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં લખેલું છે કે સરકાર બન્‍યા બાદ અમે માતા-બહેનોના સોનાની ગણતરી કરીશું અને તેની માહિતી મેળવીશું. એટલું જ નહીં, પીએમએ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની ટિપ્‍પણીનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે દેશના સંસાધનો પર લઘુમતીઓનો પ્રથમ અધિકાર છે. પીએમ મોદીની આ ટિપ્‍પણી અંગે કોંગ્રેસે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. કોંગ્રેસે વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી પર આચારસંહિતા ભંગનો આરોપ લગાવ્‍યો હતો.

ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરૂદ્ધ તેમની રેલીઓમાં ભાષા અને શબ્‍દોનો ઉપયોગ કરવા બદલ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી. ભાજપે આરોપ લગાવ્‍યો હતો કે રાહુલ ગાંધીએ ભાષાના આધારે તમિલનાડુમાં લોકોમાં ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ દાવો કર્યો હતો કે રાહુલ ગાંધી તેમના ભાષણોમાં ભાષાના આધારે ઉત્તર અને દક્ષિણ ભારતને વિભાજિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ તેની લેખિત ફરિયાદમાં રાહુલ ગાંધી સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.

(3:30 pm IST)