Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

લેબનોનમાં હિઝબુલ્લાહના ૪૦ સ્થળો પર ઈઝરાયેલનો હુમલો

૫૦ ટકા કમાન્ડરો માર્યા ગયાનો દાવોઃઈઝરાયેલા સંરક્ષણ મંત્રી યોવ ગેલેન્ટે કહ્યુ હતુ કે,' અમે લેબેનોન સાથેની સરહદ પર સેંકડો સૈનિકો તૈનાત કર્યા છે

હમાસ, તા.૨૫

ઈઝરાયેલે પાડોશી દેશ લેબેનોનમાં સક્રિય સંગઠન હિઝબુલ્લાહ પર અલગ અલગ જગ્યાએ ૪૦ હુમલા કર્યા છે. ઈઝરાયેલા સંરક્ષણ મંત્રી યોવ ગેલેન્ટે કહ્યુ હતુ કે,' અમે લેબેનોન સાથેની સરહદ પર સેંકડો સૈનિકો તૈનાત કર્યા છે અને દક્ષિણ લેબેનોનમાં અમારી સેના આક્રમક કાર્યવાહી કરી રહી છે. હિઝબુલ્લાહના ૫૦ ટકા કમાન્ડરોનો અમારી કાર્યવાહીમાં ખાતમો થઈ ગયો છે.'

જોકે તેમણે માર્યા ગયેલા કમાન્ડરોની સંખ્યાનો ઉલ્લેખ કર્યો નહોતો પણ આગળ કહ્યુ હતુ કે, 'બચી ગયેલા કમાન્ડરો કોઈ જગ્યાએ છુપાઈ ગયા છે અથવા તો મેદાન છોડીને ભાગી ગયા છે.'

ઈઝરાયેલની સેનાએ પણ સંરક્ષણ મંત્રીના નિવેદનના સમર્થનમાં કહ્યુ હતુ કે, 'હિઝબુલ્લાના ૪૦ સ્થળો પર હુમલો કરવામાં આવ્યો છે. આ માટે ઈઝરાયેલે પોતાના લડાકુ વિમાનો તેમજ તોપોનો પણ ઉપયોગ કર્યો છે. આ હુમલામાં હિઝુબલ્લાહના હથિયારોના સ્ટોરેજ પણ તબાહ થયા છે. હિઝબુલ્લાહે ઈઝરાયેલ પર હુમલો કરવા માટે બોર્ડર નજીક કેટલીક સુવિધાઓ ઉભી કરી હતી. જેને અમારી સેનાએ ટાર્ગેટ કરી છે.'લેબનોનની સરકારી ન્યૂઝ એજન્સીએ પણ કહ્યુ છે કે, 'બોર્ડર નજીકના કેટલાક ગામડાઓ પર ઈઝરાયેલે સંખ્યાબંધ હવાઈ હુમલા કર્યા છે.'ઈઝરાયેલના હમાસ સાથેના યુધ્ધમાં હિઝબુલ્લાહ પહેલા દિવસથી હમાસની પડખે રહ્યુ છે. હિઝબુલ્લાહના સભ્યો સમયાંતરે ઈઝરાયેલ પર રોકેટ મારો કરતા રહે છે. ઈઝરાયેલના વળતા જવાબમાં લેબનોનમાં હિઝબુલ્લાહના સભ્યો અને આમ નાગરિકો સહિત ૩૮૦ના મોત થયા છે.

(8:44 pm IST)