Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

આંખ ઉઘાડનારો કિસ્સો : રમતાં-રમતાં સ્ક્રેપ કારમાં બંધ થઈ ગયા ભાઈ-બહેન: શ્વાસ રુંધાતા બંનેના મોત

મુંબઈના એન્ટોપહિલમાં બપોરે ગાયબ થયેલા ભાઈ-બહેન એક સ્ક્રેપ કારમાંથી બેભાન અવસ્થામાં મળ્યા

મુંબઈના એન્ટોપહિલમાં ગાયબ થયેલા ભાઈ-બહેન એક સ્ક્રેપ કારમાંથી બેભાન અવસ્થામાં મળ્યા. જ્યારે તેમણે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા તો ડોકટરે બંનેના શ્વાસ રુંધાવાને કારણે મોત થયા હોવાનું જણાવ્યું. મળતી માહિતી મુજબ બંને બપોરે રમતાં-રમતાં અચાનક ગાયબ થઈ ગયા. રાત્રે જ્યારે પોલીસ બંનેને શોધવામાં લાગી તો એક સ્ક્રેપ કારમાંથી બંને મળી આવ્યા.

મળતી માહિતી મુજબ મુંબઈના એન્ટોપહિલ વિસ્તારમાં સાજિદ અને મુસ્કાન નામના બે ભાઈ-બહેન રમતાં રમતાં અચાનક જ ગાયબ થઈ ગયા. ઘણી શોધખોળ કર્યા બાદ પરિવારને કોઈ ભાળ ન મળી તો અંતે પોલીસને જાણ કરી. સાજિદ 7 વર્ષનો જ્યારે મુસ્કાન 5 વર્ષની હતી. પોલીસે ઘણી શોધખોળ કર્યા બાદ બંને ભાઈ-બહેન મળ્યાં ન હતા. જે બાદ વિસ્તારના CCTV તપાસવામાં આવ્યા પરંતુ બંને બાળકોની કોઈ જ ભાળ ન મળી.

બાળકોની શોધખોળ કરવા સમયે એક મહિલા અધિકારીની નજર ઘરની પાસે ઊભેલી એક સ્ક્રેપ કાર પર પડી. કારનો દરવાજો બંધ હતો અને રાત પણ ઘણી થઈ ગઈ હતી તેથી અંદર કંઈ દેખાતું ન હતું. તેથી મહિલા પોલીસ અધિકારીએ મોબાઈલ ફ્લેશથી કાચમાં જોયું. કારની અંદર બંને બાળકો બેભાન અવસ્થામાં જોવા મળ્યા. જે બાદ તાત્કાલિક બંને બાળકોને નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા જ્યાં સારવાર મળે તે પહેલાં જ બંને બાળકોના શ્વાસ રુંધાવાને કારણે મોત થઈ ગયા હતા. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.

એન્ટોપહિલ પોલીસ આ મામલે ADR નોંધી આગળની કાર્યવાહી કરી રહી છે. બાળકોના પિતા રહમત અલીએ જણાવ્યું કે સાજિદ અને મુસ્કાન બપોરે દોઢ વાગ્યે ઘરની પાસે જ રમી રહ્યાં હતા. થોડીવાર પછી જ્યારે બંનેને જમવા માટે બોલાવવામાં આવ્યા તો બંનેએ કોઈ રિસ્પોન્સ ન આપ્યો. જે બાદ બહાર આવીને જોયું તો બંને બાળકો ગુમ હતા.

 

(10:16 pm IST)