Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

4 જૂને મત ગણતરી થશે ત્યારે VVPAT સ્લિપ EVM મતો સાથે મેળ ખાશે કે નહીં:કાલે સુપ્રીમકોર્ટ આપશે મોટો ચુકાદો

જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની સુપ્રીમ કોર્ટની બેંચ આ મોટો ચુકાદો અપાશે

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024 ના બીજા તબક્કાના મતદાન દરમિયાન એટલે કે શુક્રવારે, સુપ્રીમ કોર્ટ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) દ્વારા પડેલા મતો સાથે મતદાર-વેરીફાઈબલ પેપર ઓડિટ ટ્રેલ (VVPAT) સ્લિપના મેચિંગ અંગેની અરજી પર પોતાનો નિર્ણય આપશે. સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય જ નક્કી કરશે કે, 4 જૂને લોકસભા ચૂંટણીની ગણતરી થશે ત્યારે VVPAT સ્લિપ EVM મતો સાથે મેળ ખાશે કે નહીં. જણાવી દઈએ કે, ઘણી સંસ્થાઓએ આ અરજી દાખલ કરીને EVM અને VVPAT સ્લિપને મેચ કરવાની માંગ કરી હતી. 

   સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેંચ શુક્રવારે આ મામલામાં ચુકાદો આપશે. આ પહેલા 24 એપ્રિલે આ બેન્ચે તમામ પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. ચૂંટણી પંચ સમક્ષ ઉઠાવવામાં આવેલા પ્રશ્નોના જવાબો ધ્યાનમાં લીધા બાદ કોર્ટે નિર્ણય અનામત રાખ્યો હતો. અરજદારોએ માંગ કરી છે કે, EVM પર મતદારોનો વિશ્વાસ જાળવી રાખવા માટે VVPAT સ્લિપની 100 ટકા ગણતરી થવી જોઈએ. જ્યારે ચૂંટણી પંચે ઈવીએમને સંપૂર્ણ રીતે સુરક્ષિત જાહેર કર્યું અને કહ્યું કે, VVPAT સ્લિપ ખૂબ જ નાની અને પાતળી હોય છે, ત્યારે કોર્ટે સુનાવણી દરમિયાન એવી ટિપ્પણી પણ કરી હતી કે, દરેક બાબતમાં અવિશ્વાસ વ્યક્ત કરી શકાય નહીં 

   જસ્ટિસ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની બેન્ચે ચૂંટણી પંચના અધિકારીને ઈવીએમની કામગીરી અંગે પાંચ પ્રશ્નો પૂછ્યા હતા, જેમાં ઈવીએમમાં સ્થાપિત ‘માઈક્રો કંટ્રોલર’ રિપ્રોગ્રામ થઈ શકે છે કે નહીં. કોર્ટમાં હાજર થયેલા વરિષ્ઠ નાયબ ચૂંટણી કમિશનર નીતિશ કુમાર વ્યાસે અગાઉ ઈવીએમની કામગીરી અંગે કોર્ટમાં રજૂઆત કરી હતી. ખંડપીઠે તેમને બપોરે 2 વાગ્યે પ્રશ્નોના જવાબ આપવા માટે બોલાવ્યા હતા

(10:32 pm IST)