Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

ક્યારે શરૂ થશે બુલેટ ટ્રેન?: રેલમંત્રીએ શેર કર્યો વીડિયો : બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને એક મહત્વની જાણકારી આપી

મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ કોરિડોર પર બુલેટ ટ્રેન માટે દેશમાં પહેલી વખતે એક વિશેષ ટ્રેક સિસ્ટમ J-SLAB BALLASTLESS TRACK SYSTEM પ્રયોગ

નવી દિલ્હી : દેશભરમાં મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને લોકોમાં ભારે ઉત્સુકતા છે. ત્યારે રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને એક મહત્વની જાણકારી આપી છે. મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ કોરિડોર પર બુલેટ ટ્રેન માટે દેશમાં પહેલી વખતે એક વિશેષ ટ્રેક સિસ્ટમ J-SLAB BALLASTLESS TRACK SYSTEM પ્રયોગમાં લાવવામાં આવી રહ્યો છે.

રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને આ વખતે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો શેર કર્યો છે કે વર્ષ 2026 સુધી દેશમાં બુલેટ ટ્રેનનું એક સેક્શન શરુ થઈ જશે.

બુલેટ ટ્રેનના કોરિડોરનું નિર્માણ કરી રહેલા નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL)એ હાલમાં જ એક RTIના જવાબમાં જણાવ્યું કે, 508 કિલોમીટર લાંબા સંપૂર્ણ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પૂરો થવાની તારીખનું આંકલન તમામ કામોની ફાળવણી બાદ જ થઈ શકે છે.

રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે હાલમાં જ બુલેટ ટ્રેનને લગતો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો તેમણે પોતાના X હેન્ડલ પર શેર કર્યો છે. વીડિયો થકી તેમણે ટ્રેકની ખાસિયત જણાવી છે. તેમણે જણાવ્યું કે, બુલેટ ટ્રેન માટે બેલાસ્ટલેસ ટ્રેક તૈયાર કરાયો છે. આ ટ્રેક ગુજરાત-મુંબઈ વચ્ચે બનાવવામાં આવી રહ્યો છે.

બેલાસ્ટલેસ ટ્રેકમાં ફુલ સ્પીડ ટ્રેનના ભારને સહન કરવા માટે પાટા પર પથ્થર અને કોંક્રીટના સ્લેબની જરુર નથી રહેતી. રેલ મંત્રીએ જણાવ્યું કે આ ટ્રેક પર ટ્રેનની સ્પીડ 320 કિલોમીટર પ્રતિકલાક સુધીની હશે. જેમાં 153 કિલોમીટર વાયાડક્ટ અને 295.5 કિલોમીટરમાં પિયર વર્કનું કામ પુરું થઈ ગયું છે. તેમણે વધુમાં કહ્યું કે, 290 કિલોમીટરથી વધુનું કામ પૂર્ણ થઈ ગયું છે. આ કડીમાં 8 નદીઓ પર પુલ બનાવવામાં આવ્યા છે. હાલ 12 સ્ટેશનો પર કામ ચાલી રહ્યું છે. આ સ્ટેશન પણ તે સ્તરે આવી ગયા છે જ્યાં કામ પૂર્ણ થવાની લગભગ નજીક છે.

અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે બુલેટ ટ્રેનને લઈને 2 ડિપોમાં કામ ચાલી રહ્યું છે. તેમણે કહ્યું- 2026માં તેનો પહેલો પાર્ટ ખોલવાનું લક્ષ્ય છે. જે વાતને ધ્યાનમાં રાખીને કામ એકમદ સ્પીડથી આગળ વધી રહ્યું છે. બુલેટ ટ્રેન એકદમ જટિલ પ્રોજેક્ટ છે. જેના પર વર્ષ 2017માં કામ શરુ થયું અને ડિઝાઈન પુરી કરવામાં લગભગ અઢી વર્ષ લાગી ગયા. કેન્દ્રીય મંત્રીએ કહ્યું, બુલેટ ટ્રેનની ડિઝાઈન જટિલ છે કેમકે જે ગતિથી ટ્રેનને ચલાવવાની છે, તેમાં કંપની ઘણું જ વધું હોય છે, ત્યારે તે કંપનને કઈ રીતે રોકવામાં આવે તે અંગે દરેક મુદ્દાને ઘણી જ સાવધાનીથી જોવું જરૂરી છે.

(11:29 pm IST)