Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

રાજસ્‍થાનથી માઉન્‍ટ એવરેસ્‍ટ સુધી ૬૦ હજાર કી.મી.ની યાત્રાએ નિકળેલા પપ્‍પુરામ ચૌધરી રાજકોટમાં

પર્યાવરણ જાગૃતીનો સંદેશ દેશભરમાં ફેલાવવા રાજસ્‍થાનનો યુવાન ૮ રાજયો ફરી કચ્‍છ થઇ રાજકોટથી જામનગર, દ્વારકા તરફ જઇ રહયો છે : દેશની સૌથી લાંબી સાયકલ યાત્રા પુરી કરી ગિનેશ બુકમાં સ્‍થાન મેળવવાનો નિર્ધાર : ત્‍યાર બાદ પર્વતારોહણની તાલીમ લઇ એવરેસ્‍ટ સર કરવાનો ઇરાદો ધરાવે છે

રાજકોટ, તા., રપઃ ભારતભરમાં પર્યાવરણ જાગૃતીના સંદેશ સાથે રાજસ્‍થાનથી માઉન્‍ટ એવરેસ્‍ટની ૬૦ હજાર કિલોમીટરની સાયકલ યાત્રાએ નિકળેલા સાહસીક યુવાન પપ્‍પુરામ કુંભારામ ચૌધરીનું રાજકોટમાં આગમન થયું છે. આ યુવાન રોટેરીયન હોવાથી વિવિધ રોટરી કલબ દ્વારા તેનું સન્‍માન થઇ રહયું છે.  ૬૦ હજાર કિલોમીટરની યાત્રા ર૦ર૬ સુધીમાં પુરી કરી ગિનેશ બુક ઓફ રેકોર્ડમાં સ્‍થાન મેળવવાનો તેનો નિર્ધાર છે.

ર૩ વર્ષીય રાજસ્‍થાનના આ યુવાન પપ્‍પુરામ ચૌધરીએ એપ્રિલ-ર૦ર૩ થી સાયકલ યાત્રા શરૂ કરી છે. તેમનો ઇરાદો એવરેસ્‍ટ શિખર સર કરવાનો પણ છે. સાયકલ યાત્રાનો વિશ્વ વિક્રમ સ્‍થાપ્‍યા બાદ પર્વતારોહણની તાલીમ લઇ એવરેસ્‍ટ સર કરવાનો ઇરાદો ધરાવતો આ સાયકલવીર ૮ રાજયો ફરી રાજસ્‍થાનથી બનાસકાંઠા અને કચ્‍છથી રાજકોટ સુધીમાં ર૦ હજારથી વધુ કિલોમીટરની યાત્રા પુરી કરી ચુકયો છે. ર વર્ષમાં કુલ ૬૦ હજાર કી.મી.ની સાયકલ યાત્રા પુરી થશે. યાત્રા સાથે પર્યાવરણનો સંદેશ આપે છે અને વૃક્ષારોપણ પણ પપ્‍પુ ચૌધરી કરે છે. થાર જીલ્લામાં પ૦ ડીગ્રી  જેટલી ગરમીમાં સાયકલ ચલાવી ચુકયો છે અને લડાખમાં માઇનસ રપ ડીગ્રીમાં પણ સાયકલીંગ કરી ચુકયો છે.

પપ્‍પુ ચૌધરીએ જણાવ્‍યું કે, અત્‍યાર સુધીમાં લોકસહયોગથી ૪૦૦૦ રોપાનું વિતરણ કરી ચુકયો છું. યાત્રા દરમિયાન ૧ લાખ વૃક્ષોનું વાવેતર કરવાનો ટાર્ગેટ છે. દરરોજ સરેરાશ ૮૦ કી.મી. સાયકલ ચલાવી રહેલો પપ્‍પુ ચૌધરી પોતાની સાથે તંબુ, દવાઓ, કપડા, સોય-દોરા સહીતની જરૂરી ચીજવસ્‍તુઓ રાખે છે.  આવતીકાલે સવારે જામનગર તરફ તેની યાત્રા આગળ વધશે.

(4:24 pm IST)