Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

જાણીતા યુટ્યુબર મનીષ કશ્યપ ભાજપમાં જોડાયા : નહીં લડે ચૂંટણી : બિહારમાં NDA માટે પ્રચાર કરશે

મનીષ કશ્યપને દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટર ખાતે સાંસદ મનોજ તિવારી દ્વારા પાર્ટીનું સભ્યપદ મળ્યું

બિહારના પ્રખ્યાત યુટ્યુબર મનીષ કશ્યપ ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા છે. દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટર ખાતે સાંસદ મનોજ તિવારીએ મનીષ કશ્યપને પાર્ટીની સદસ્યતા આપી હતી. અગાઉ, તેમણે જાહેરાત કરી હતી કે તેઓ પશ્ચિમ ચંપારણ બેઠક પરથી લોકસભા ચૂંટણી લડશે. જોકે હવે તેણે ચૂંટણી નહીં લડવાનો નિર્ણય લીધો છે.

    પોતાને બિહારનો પુત્ર ગણાવતા મનીષ કશ્યપે પશ્ચિમ ચંપારણ બેઠક પરથી ચૂંટણી પ્રચાર પણ શરૂ કર્યો હતો. તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા માંગતા હતા, પરંતુ તે પહેલા તેમણે એક મોટું પગલું ભરીને ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. અગાઉ વર્ષ 2020 માં, તેમણે બિહારની ચાણપટિયા વિધાનસભા બેઠક પરથી સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી પણ લડી હતી. આમાં તેનો પરાજય થયો હતો.

   બેતિયા જિલ્લાનો રહેવાસી મનીષ કશ્યપ ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે નકલી વાયરલ વીડિયો કેસમાં પોલીસે તેની ધરપકડ કરી. મનીષને લગભગ નવ મહિના જેલમાં વિતાવવા પડ્યા હતા. આ સિવાય મનીષ એક સફળ યુટ્યુબર તરીકે ઓળખાય છે. યુટ્યુબ પર તેના લગભગ 8.75 મિલિયન સબસ્ક્રાઇબર્સ છે. બિહાર સાથે જોડાયેલા અનેક સામાજિક મુદ્દાઓ પર તે વર્ષોથી વીડિયો બનાવી રહ્યો છે. તેના વીડિયોને માત્ર બિહારમાં જ નહીં પરંતુ હિન્દી ભાષી બેલ્ટમાં પણ ખૂબ પસંદ કરવામાં આવે છે.

  વાસ્તવમાં, દક્ષિણના રાજ્ય તમિલનાડુમાં બિહારના કામદારો પર હુમલાનો કથિત વીડિયો મનીષ કશ્યપે તેની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પરથી શેર કર્યો હતો, જે ઘણો વાયરલ થયો હતો. આ વીડિયો બનાવીને તે કાયદાની જાળમાં ખરાબ રીતે ફસાઈ ગયો. આ વીડિયો વાયરલ થયા બાદ તમિલનાડુ પોલીસે તેને ભ્રામક ગણાવ્યો હતો. પોલીસે આ મામલે એફઆઈઆર પણ નોંધી હતી. આ સિવાય બિહાર પોલીસના ઈકોનોમિક ઓફેન્સ યુનિટ (EOU) એ પણ આ જ મામલે મનીષ કશ્યપ વિરુદ્ધ રિપોર્ટ દાખલ કર્યો હતો.

(9:38 pm IST)