Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

કોવિડ-19 પેકેજ હેઠળ ગુજરાતને 171 કરોડની કેન્દ્રે સહાય ચૂકવી : હજુ 85 કરોડની રકમ બાકી

સાંસદ પરિમલ નથવાણીના સવાલનો કેન્દ્રીય આરોગ્ય અને કલ્યાણ મંત્રીએ આપ્યો જવાબ

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે કોવિડ-19 પેકેજ હેઠળ ગુજરાતને અત્યાર સુધીમાં 171 કરોડની સહાય ચૂકવી છે અને 85 કરોડની રકમ હજી બાકી છે. રાજ્યસભામાં સાંસદ પરિમલભાઈ  નથવાણી દ્વારા પૂછવામાં આવેલા સવાલના જવાબમાં કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી અશ્વિનીકુમાર ચૌબે દ્વારા આ  માહિતી આપવામાં આવી હતી.

ગુજરાતને પ્રથમ તબક્કામાં 85.79 કરોડ અને બીજા તબક્કામાં 170 કરોડની સહાય ફાળવાઈ હતી. તેમાથી પ્રથમ તબક્કાની રકમ ચૂકવી દેવાઈ છે. જ્યારે બીજા તબક્કામાં 85 કરોડની રકમ ચૂકવાઈ છે. આમ બીજા તબક્કાની 85 કરોડની રકમ બાકી છે.

રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ  નથવાણી કેન્દ્ર સરકાર દ્વારા કોવિડ-19 રોગચાળા દરમિયાન લેવામાં આવેલા પગલાં અને વિવિધ રાજ્યો અને તેમા પણ ખાસ કરીને ગુજરાતને કરવામાં આવેલી નાણાકીય તેમજ અન્ય સહાય અંગે જાણવા માંગતા હતા

 

આ સિવાય કેન્દ્ર સરકારે લગભગ ચાર કરોડની કિંમતના મશીન પૂરા પાડ્યા હતા. તેમા 89,20,800ની કિંમતના છ સી.એફ.એક્સ મશીન પૂરા પડાયા હતા. તેની જોડે 15,22,500નું એક સી.એફ.એક્સ. 96 આઇ. વી.ડી. રિયલ ટાઇમ પીસીઆર સિસ્ટમ અને 2,95,29,500ની કિંમતના સાત ઓટોમેટેડ આર.એન.એ. એક્સ્ટ્રેક્ટેડ મશીનનો સમાવેશ થાય છે.

કેન્દ્ર સરકારે 11 સપ્ટેમ્બર 2020ના રોજ ગુજરાતને 3,88,23,901ના ખર્ચે 3,49,016 આર.એન.એ. કિટ, 4,82,88,388ના ખર્ચના 4 લાખ વી.ટી.એમ અને 40,90,47,887ના ખર્ચે 7,12,676 આર.ટી.-પી.સી.આર કિટ પણ આપવામાં આવી હતી. કેન્દ્રએ 18 સપ્ટેમ્બર 2020 સુધીમાં ગુજરાતમાં 9.78 લાખ પીપીઇ કિટ, 28.5 લાખ એચ.સી.ક્યુ ગોળીઓ અને 2,500 વેન્ટિલેટરનું વિતરણ પણ કર્યુ હતુ. કેન્દ્રએ આ પહેલા 22 એપ્રિલ 2020ના રોજ 15,000 કરોડનું કોવિડ-19 ઇમરજન્સી રિસ્પોન્સ એન્ડ હેલ્થ સિસ્ટમ પ્રીપેર્ડનેસ પેકેજ મંજૂર કર્યુ હતુ.

કેન્દ્ર સરકારે આ સિવાય કોવિડ-19ના સંદર્ભમાં રાજ્યોને સહાય કરવા માટે અને ભવિષ્યની તૈયારી માટે શ્રેણીબદ્ધ પગલાં લીધા છે. કોવિડ-19ના ભયને રોકવા, તેની ઓળખ કરવા અને તેને પ્રતિક્રિયા આપવા તથા જાહેર આરોગ્યની તૈયારીને વધારે મજબૂત બનાવવાના હેતુથી 22 એપ્રિલના રોજ સર્વાંગી પેકેજ આપ્યું હતું.

(6:04 pm IST)