Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

આજી ડેમ પાસેથી અકસ્માતગ્રસ્ત બોલેરોમાંથી મળેલ દારૂના ગુનામાં આરોપીના જામીન મંજુર

રાજકોટ તા. ૮: આજીડેમ પુલ પર અકસ્માતના બનાવમાં બોલેરો પીકઅપ ગાડીમાંથી મળેલ પ૦૦ લીટર દેશી દારૂના ગુનામાં કોર્ટે આરોપીના જામીન મંજુર કરવા હુકમ કરેલ છે.

આ અંગેની વિગત એવી છે કે, રાજકોટમાં આજીડેમ વિસ્તારમાં આજીડેમ પોલીસ સ્ટેશનની પી.સી.આર. વાહન પેટ્રોલીંગમાં હતી ત્યારે પોલીસને એક વર્ધી મળેલ કે આજીડેમ પુલ ઉપર અકસ્માત બનેલ છે જેથી ફરીયાદી ત્યાં જઇ તપાસતા એક બોલેરો ગાડી તથા છકડો રીક્ષા વચ્ચે અકસ્માત થયેલ હતો આ બોલેરો ગાડીમાં પ્લાસ્ટીકનું બાચકુ પડેલ હોય જેમાં જોતા દારૂ ભરેલ હોય જેથી ફરીયાદી ઉપરી અમલદારને જાણ કરેલ ત્યારબાદ પી.એસ.આઇ. શ્રી તથા સ્ટાફના માણસો આવીને તપાસ કરેલ જેમાં ર૦ પ્લાસ્ટીકના બાચકા જોવામાં આવેલ અને કુલ પ૦૦/- લીટર રૂ. ૧૦,૦૦૦/-ની કિંમતનો દેશી દારૂ જથ્થો મળી આવેલ જેથી પોલીસે તમામ જથ્થો કબજે કરેલ.ત્યારબાદ આરોપીની આ ગુનામાં પોલીસે ધરપકડ કરેલ આરોપીએ સેસન્સ અદાલતમાં જામીન અરજી ગુજારેલ જેમાં આરોપી તરફે એવી રજુઆત કરવામાં આવેલ કે આરોપી નિર્દોષ છે, આરોપીનો કોઇ ગુનાહીત ઇતિહાસ નથી, કોઇ રીકવરી કરવાની બાકી નથી તમામ રજુઆતો સેસન્સ અદાલતે ગ્રાહય રાખી આરોપીને રાજકોટના સેસન્સ જજ શ્રી બી. બી. જાદવે રૂ. ર૦,૦૦૦/-ના શરતી જામીન ઉપર મુકત કરવાનો હુકમ ફરમાવેલ છે.આ કામમાં આરોપી તરફે રાજકોટ ધારાશાસ્ત્રી યોગેશ એ. ઉદાણી, નરેન્દ્રસિંહ એમ. જાડેજા, પરેશ એન. કુકાવા તથા મુકેશ બી. પંડયા રોકાયેલા હતા.

(3:00 pm IST)