Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

પૂ. મહંત સ્વામીનો ૮૭મો જન્મજયંતિ મહોત્સવઃ ઓનલાઇન કાર્યક્રમો

અંગ્રેજી તારીખ મુજબ ૧૩મી સપ્ટેમ્બરે સ્વામી મહારાજનો પ્રાગટયદિન : પાંચ દિવસીય ઓનલાઇન કાર્યક્રમોઃ રવિવારે સાંજે ૫ થી ૮ વેબકાસ્ટ ઉપર જન્મજયંતિની મુખ્યસભાઃ પૂ. સ્વામીના વિશીષ્ટ દર્શન-મંત્ર પુષ્પાંજલી સાથે સમુહઆરતી

રાજકોટઃ હિંદુ શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે, 'સંપ્રદાયો ગુરૂ ક્રમઃ' કહેતા કે, સાચા સંપ્રદાયની ઓળખ એ તેના ગુરુઓની પરંપરા છે. પૂર્ણ પુરૂષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ આજથી લગભગ સવા બસ્સો વર્ષ પૂર્વે આ ધરા પર અવતરી સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી. ભગવાન સ્વામિનારાયણે ૪૯ વર્ષની ઉમરે જીવનલીલા સંકેલી અંતર્ધાન થઈ અનંત મુમુક્ષુઓના આત્યંતિક કલ્યાણ માટેનો માર્ગ હંમેશને માટે ખુલ્લો રાખવા અક્ષરબ્રહ્મ મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીની પોતાના અનુગામી તરીકે પસંદગી કરી. આ પરંપરા આજે પણ અવિરત ચાલુ છે. ભગવાન સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક વારસદાર એટલે પ્રગટ બ્રહ્મસ્વરૂપ પરમ પૂજય મહંતસ્વામી મહારાજ. તેઓ વિશ્વવ્યાપી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા(પ્રમુખ) તેમજ લાખો ભકતોના ગુરૂદેવ છે.

તેઓશ્રીનો જન્મ મધ્યપ્રદેશમાં આવેલા જબલપુર શહેરમાં ૧૩ સપ્ટેમ્બર ભાદરવા સુદ નોમના દિને ૧૯૩૩માં થયો હતો. તા.૧૧ના રોજ તેઓના ૮૭મી જન્મજયંતી ઉત્સવની વિવિધ કાર્યક્રમો દ્વારા ભવ્ય ઓનલાઈન ઉજવણી કરવામાં આવશે. જેમાં તા.૧૨ સપ્ટેમ્બર, શનિવાર સુધી દરરોજ રાત્રે ૯ થી ૧૦ દરમ્યાન ઓનલાઈન વિશિષ્ટ સભાનો લાભ પ્રાપ્ત થશે. રવિવાર, ૧૩ સપ્ટેમ્બરના રોજ અંગ્રેજી તારીખ પ્રમાણે પ્રગટ બ્રહ્મસ્વરૂપ ગુરૂહરિ પરમ પૂજય મહંતસ્વામી મહારાજનો ૮૭મો પ્રાકટ્ય દિન છે. જન્મ જયંતી સમારોહની વિશિષ્ટ રવિસભા સાંજે ૫ થી ૮ ઓનલાઈન યોજાશે જેમાં પરમ પૂજય મહંતસ્વામી મહારાજનાં વિશિષ્ટ દર્શન-આશીર્વાદનો તેમજ મંત્ર પુષ્પાંજલિ સાથે સમૂહ આરતીના કાર્યક્રમનો લાભ પ્રાપ્ત થશે. તમામ ભકતો sabha.baps.org અથવા GTPL કથા ચેનલ, ચેનલ નંબર ૫૫૫ પર સમગ્ર ઓનલાઈન કાર્યક્રમો માણી શકાશે.

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોકટર રાધાકૃષ્ણ લખે છે કે,'Today we live in the society not because of scientific invention but because of the Saints who live in the society.'અર્થાત્ આજે આપણે સમાજમાં સુખ શાંતિ પૂર્વક જીવીએ છીએ એનું કારણ વૈજ્ઞાનિક આવિષ્કારો નથી. પરંતુ એવા સંતો જ છે જેઓ આપણી વચ્ચે વિચરે છે.

ભારત સાધુઓની ભૂમિ છે. ભકત કવિઓના કાવ્યો ભજનોના શબ્દે-શબ્દે જે સાચા સાધુની ગરિમા ટપકે છે, અહીં એવી સાધુતાની અને સાધુતાના શિખર સમાન મહાપુરુષોની વાત છે. આ સાધુતા કોઈ સાધનાની ફલશ્રુતિ નહીં. પરંતુ ગુરુકૃપા અને જન્મજાત બ્રાહ્મી સ્થિતિની પરિચાયક છે. 'નામ છે સ્વામી કેશવજીવનદાસ છે પરંતુ સૌના હૈયે ચઢેલું નામ એટલે 'મહંત સ્વામી મહારાજ'. જેમની આંખોમાં, જેમના સાનિધ્યમાં, સમગ્ર વ્યકિતત્વમાં રોમરોમમાં સાધુતા નીતરે છે. સાદુ સરળ અને બિલકુલ સહજ-સ્વાભાવિક વ્યકિતત્વ. કોઇને આંજી દેવાની કે કોઈપણ પ્રભાવ પાડી દેવાની વૃત્તિ માત્ર નહીં. કોઈ ફરિયાદ માંગણી કે અપેક્ષા નહીં. કોઈના પ્રત્યે રાગ દ્વેષ નહીં. સૌના પ્રત્યે આદર. અને સૌ પ્રત્યે નિસ્વાર્થ પ્રેમ. એ એમની કાયમની ભાષા. સાદી પરંતુ ઊંડી ચિંતનસભર અને તર્કબદ્ઘ તેમની વાતો. ધીમો એમનો સ્વર. પરંતુ તેમાં એમનું ઊંડું મનન તેમની અનોખી દ્રષ્ટિ અને સાક્ષાત અનુભવની સુવાસ હૈયાને સ્પર્શી જાય.

પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણની ગુણાતીત ગુરુપરંપરાના તેઓ છઠ્ઠા આધ્યાત્મિક વારસદાર અને વિશ્વવ્યાપી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના વર્તમાન ગુરૂદેવ. વિશ્વભરમાં આધ્યાત્મિક આંદોલન પ્રસરાવનાર મહાન સંત વિભૂતિ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના અનુગામી.

૧૮મી સદીના ઘોર સામાજિક અને નૈતિક અંધકારના સમયમાં વિના શસ્ત્રે જેમણે ક્રાંતિકારીને સદાચારના અજવાળા પાથર્યા હતા એવા પરબ્રહ્મ પુરૂષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણની પરંપરાના તેઓ વાહક છે.

અક્ષરપુરૂષોત્તમ દર્શનના વૈદિક તત્વજ્ઞાન અને મૂલ્યોની સ્થાપના કરીને અનંત મુમુક્ષુઓ માટે યુગો સુધી મોક્ષ દ્વાર ખુલ્લું મૂકનાર પૂર્ણ પુરૂષોતમ ભગવાન સ્વામિનારાયણ હતા. અને આવનારા અનેક યુગો સુધી લોક શ્રેય ની ગંગાધારા વહેતી રહે તે માટે ભગવાન સ્વામિનારાયણે એવા ગુણાતીત સત્પુરુષ ની ચિરંજીવી પરંપરાની ભેટ આપી. એ ગુણાતીત સંત પરંપરા એમના અવતાર કાર્યનો અજોડ પુરાવો બની રહ્યો.

ભગવાન સ્વામિનારાયણના પ્રથમ આધ્યાત્મિક અનુગામી હતા અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી

ભગવાન સ્વામિનારાયણના પ્રથમ આધ્યાત્મિક અનુગામી હતા અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી જેમણે ભગવાન સ્વામિનારાયણની શુદ્ઘ ઉપાસના અને લોકશ્રેયના કાર્યને દિપાવ્યું. અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીએ સુકાન સોંપ્યું બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજને. વિશ્વ સમક્ષ એક આદર્શ સાધક અને સાધનાનું બેનમૂન ઉદાહરણ પૂરૂ પાડનાર બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજે, શાસ્ત્રીજી મહારાજ, સ્વામીશ્રી યજ્ઞપુરૂષદાસજી જેવા સિંહ સમા સંતને શ્રી હરિના કલ્યાણ માર્ગના સુકાની બનાવ્યા. બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે ભગવાન સ્વામિનારાયણ દ્વારા પ્રબોધિત અક્ષરપુરૂષોત્તમ દર્શનના પ્રવર્તન માટે બોચાસણવાસી શ્રી અક્ષરપુરૂષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા બીએપીએસની સ્થાપના કરી અનેક કષ્ટોની કાંટાળી કેડી પર ચાલીને તેઓએ ઉપાસનાના ગગનચુંબી મંદિરોના નિર્માણ કર્યા. બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે બે મહાપુરુષોની ભેટ આપી બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ અને બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ.

પ્રમુખસ્વામી મહારાજે મહંત સ્વામી મહારાજની પોતાના આધ્યાત્મિક અનુગામી તરીકે સ્થાપીને ભગવાન શ્રીસ્વામિનારાય મહંત સ્વામી મહારાજના દિવ્ય જીવનનો સ્પર્શ પામતા એમની સાધુતાની સહજ સુવાસ અનુભવાય છે. એમનામાંથી સ્ફૂરતી પ્રમુખસ્વામી મહારાજની અજોડ સાધુતાની સહજ અનુભૂતિથીહૃદય ભીંજાય છે. પોતાની સાધુતા દ્વારા અસંખ્ય લોકોને સુખ અને શાંતિનો સાચો રાહ ચીંધતા મહંતસ્વામી મહારાજ ખરેખર સાધુતાના શિરમોર શિખરે બિરાજમાન છે.

એક વખત પૂજય મહંતસ્વામી મહારાજ અન્ય સંતો સાથે નીકળેલા. તેઓ ટ્રેન દ્વારા મોડી રાત્રે પાટણ સ્ટેશને પહોંચ્યા. સામાન્ય રીતે અગાઉથી પત્ર લખ્યો હોવાને કારણે સામાન્ય રીતે હરિભકતો સામે લેવા આવી જ જાય. ગેરસમજને કારણે અભાવ આવવાથી પત્ર મળવા છતાં તે હરિભકત સ્ટેશન પર લેવા આવ્યા નહોતા. કોઈ લેવા ન આવ્યું, હવે કયાં જવું? આથી, સ્ટેશન ઉપર મહંત સ્વામીને બાંકડા પર સુવાડ્યા અને સાથેના સંતો નીચે સુઈ ગયા. તે વખતે ઉંદર પણ બહુ હતા. તે એક ઉંદર મહંત સ્વામીને બચકું ભરી ગયો. પરંતુ મહંત સ્વામીના મોં ઉપર કોઈ અકળામણ નહીં કે કોઈ રોષ નહીં. તેઓ ખૂબ જ સ્વસ્થ રહ્યા. સવારે હરિભકતના ઘરે સામેથી ગયા અને પછી મહંત સ્વામી ત્યાં બે દિવસ શાંતિથી રોકાયા. તેમના આ બે દિવસના રોકાણ દરમિયાન એમની સાધુતા અને સરળતા જોઈને પેલા હરિભકતને ગેરસમજ દૂર થઈ, પશ્ચાતાપ થયો. અને ખૂબ ભાવ થયો.

સન ૨૦૦૦માં યુ.એસ.એ.થી બાળકો-કિશોરો ભારતયાત્રાએ આવ્યા હતા. બોચાસણમાં મહંતસ્વામી મહારાજ ભોજન કરી રહ્યા હતા ત્યારે દર્શન કરતાં બાળકોએ પૂછયું, શ્નઆપ શું જમો છો?પોતાના ભોજનપાત્ર(પત્તર)ની બાજુમાં પડેલા થાળ તરફ નિર્દેશ કરીને મહંતસ્વામી મહારાજે પૂછ્યું, 'ચાખવું છે?'બાળકો રાજી થઈ ગયા. મહંતસ્વામી મહારાજે થાળમાંથી પરવળનું શાક થોડું લઈને ચમચી દ્વારા બાળકોને આપ્યું. રાજી થઈને હોંશે હોંશે મોઢામાં મુકતા જ એ બાળકે થું થું કરી મોઢામાંથી કાઢી નાખ્યું કારણ કે તેમાં કોઇ સ્વાદ જ નહોતો.બાળકે પૂછ્યું, 'આપને આવું સાવ સ્વાદ વિનાનું મોળુ કેવી રીતે ભાવે છે?' મહંતસ્વામી મહારાજે ટટ્ટાર થઈને કહ્યું, 'યોગીબાપા અને પ્રમુખસ્વામી મહારાજ મળ્યા છે એનો કેફ છે એટલે બીજા સ્વાદની જરૂર નથી.'સ્વામીશ્રીના નિસ્વાર્થ ધર્મ અને પ્રાપ્તિના કેફનો પ્રભાવ બાળકો પર છવાઈ રહ્યો.

તેઓના ૮૭મા જન્મજયંતી મહોત્સવે સમગ્ર દિવસ દરમ્યાન ભારત અને વિશ્વભરના તમામ હરિભકતો દ્યેર રહી વિશેષ માળા, પ્રદક્ષિણા, દંડવત, સહજાનંદ નામાવલીનું પઠન જેવા ભકિતસભર આયોજનોમાં જોડાશે. ૮૭ વર્ષની જૈફ વયે સૌમ્ય મુખારવિંદવાળા, અમીપૂર્ણનેણવાળા, મૃદુવાણીવાળા, હરિને અખંડધારતા, યોગીજીમહારાજ અને પ્રમુખસ્વામી મહારાજના રાજીપાવાળા કલ્યાણકારી સંત મહંતસ્વામી મહારાજના જન્મદિને તેઓના ચરણોમાં શત શત વંદન.

(3:36 pm IST)