Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

એઇમ્સની દિવાલ બનતા ખંઢેરી-પરાપીપળીયાના ૮ સર્વે નંબરના રસ્તાનો પ્રશ્ન ઉકેલાયોઃ રૂરલ પ્રાંત દોડી ગયા

ખંઢેરીના પ સર્વેના લોકોને કેનાલની બાજુમાં ૪૦૦ મીટરનો રસ્તો કરી અપાશે : પરાપીપળીયાના લોકોને અલગથી રસ્તો અપાશેઃ કાલે લોધીકામાં વિધવા-વૃધ્ધ સહાય અંગે ખાસ કેમ્પ

રાજકોટ તા. ૧૧: રાજકોટથી ર૦ કિ.મી. દૂર ખંઢેરી નજીક ૭ માળની એઇમ્સ હોસ્પીટલ બની રહી છે, હાલ ધમધોકાર કામ ચાલુ છે, કમ્પાઉન્ડ વોલનું કામ પુરૃં થયું છે, પરંતુ એઇમ્સના આ કામ દરમિયાન ખંઢેરી-પરાપીપળીયાના ૭ સર્વે નંબરના લોકો-રાહદારીઓ-વાહન ચાલકોનો રસ્તાનો પ્રશ્ન ઉભો થતા દેકારો બોલી ગયો હતો, કમ્પાઉન્ડ વોલ બની જતા કુલ ૭ સર્વે નંબર ખંઢેરીના પ૦, પ૮, પ૭, ૬૦, ૪૭, ૪૮ તથા પરાપીપળીયા સર્વે નં. ૧૭૦-૧૭૧ નો ચાલવાનો પ્રશ્ન ઉભો થયો હતો.

ઉપરોકત સર્વે નંબરનો હલણ પ્રશ્ન ઉદ્દભવતા રૂરલ પ્રાંત શ્રી દેસાઇ ગઇકાલે રૂબરૂ દોડી ગયા હતા, અને સ્થળ ઉપર જ અધીકારીઓ-ગ્રામજનોની મીટીંગ યોજી રસ્તા અંગે સોલ્યુશન કર્યું હતું.

પ્રાંત અધીકારી શ્રી દેસાઇએ પત્રકારોને જણાવ્યું હતું કે, ખંઢેરીના ૬ સર્વેનો પ્રશ્ન ઉકેલાયો છે, તેમાં એઇમ્સની કમ્પાઉન્ડ વોલ, પાછળ કેનાલ જાય છે, ત્યાં ૪૦૦ મીટરનો હાલ રસ્તો કરી દેવાશે, અને તેમાં ફુલઝર નદી પરનું એક નાલુ-બીસ્માર હાલતમાં છે, તે રીપેરીંગ કરવા સિંચાઇ વિભાગે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી છે.

શ્રી દેસાઇએ ઉમેર્યું હતું કે, પરાપીપળીયાના બે સર્વેના લોકોને કે તે લોકો સરકારી ખરાબામાંથી ચાલતા હતા, તેમને અલગથી રસ્તો બનાવી અપાશે, અને જયાં સુધી આ રસ્તો ન બને ત્યાં સુધી હલણ-વાહન ચાલકો માટે એઇમ્સમાંથી રસ્તો અપાશે.

(3:07 pm IST)