Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

પેટા ચૂંટણીની ભવ્ય જીતમાં વિજયભાઇ બન્યા મેન ઓફ ધ મેચ : રાજુભાઇ ધ્રુવ

આઠેય બેઠકોના ઉમેદવારો, કાર્યકરોને અભિનંદન પાઠવતા ભાજપ અગ્રણી

રાજકોટ તા. ૧૧ : ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અસરકારક અને નિર્ણાયક કામગીરીથી વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપનો અભૂતપૂર્વ ઇતિહાસિક વિજય થયો છે તેમ ભાજપ અગ્રણી રાજુભાઈ ધ્રુવે યાદીમાં જણાવ્યું હતું.

વિજયભાઈએ ગુજરાતની કમાન સંભાળી છે ત્યારથી લઈ આજ સુધી પંચાયતથી લઈ પાર્લામેન્ટની નાની-મોટી ચૂંટણીઓમાં મતદારો માત્રને માત્ર ભાજપનાં ઉમેદવારોને વિજયી બનાવી રહ્યા છે જે પાછળ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની કુશળ કામગીરી અને સંગઠન શકિત જવાબદાર છે. છેલ્લા કેટલાંક મહિનાઓમાં કરેલી ભાજપ સરકારની કામગીરીને પોતાના પ્રચારમાં વિજયભાઈ રૂપાણી મતદારો સુધી લઈ જવામાં સફળ રહ્યા છે. તેથી મુખ્યમંત્રી રૂપાણી પેટાચૂંટણી જંગમાં ભાજપની જીતનાં મેન ઓફ ધી મેચ એમ કહેવામાં જરા પણ અતિશ્યોકિત નહીં લાગે.

હાલમાં કોરોનાકાળ દરમિયાન ગરીબ, સામાન્ય વર્ગથી લઈ છેવાડાનાં માનવીને શ્રેષ્ઠ આરોગ્ય સેવા આપવાની હોય કે પછી કુદરતી આફતો સમયે જગતનાં તાતથી લઈ આમ જનતાને સરકારી સહાય આપી સંકટમાંથી મુકત કરવાના હોય.. કે પછી ગુજરાતનાં સર્વાંગી વિકાસ માટે દરરોજ અવનવી યોજનાઓ અને નિર્ણયો જાહેર કરવાના હોય.. ગુજરાતીઓનાં સંકટમોચક મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી બન્યા છે અને એટલે જ આ પેટાચૂંટણીમાં પણ મતદારોએ વિજયભાઈ રૂપાણીની પ્રજાહિતલક્ષી અસરકારક અમલીકરણ દ્વારા

'ભાજપ આઠેય બેઠકો પર જીતશે.' પેટાચૂંટણીમાં આઠેય બેઠકો પર ભાજપની જીત થશે એવો વિજયભાઈ રૂપાણીનો વિશ્વાસ વાસ્તવિક બન્યો છે. તેઓના નેતૃત્વમાં વિધાનસભાની આઠેય બેઠકો અબડાસા, મોરબી, ધારી, ગઢડા, લીંબડી, કરજણ, કપરાડા અને ડાંગ પર ભાજપનો ભવ્ય વિજય થયો છે. ભાજપની આ જીત પાછળ મુખ્યમંત્રીશ્રીની પ્રજાવત્સલ સ્વચ્છ પ્રતિભા અને થાકયા વગરની અવિરત સંવેદનશીલ કામગીરી તો જવાબદાર છે જ ઉપરાંત હજારો કાર્યકર્તા, સરકારની કામગીરીની પણ મતદારો પર અસર થઈ છે.

કેન્દ્રમાંથી નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ અને રાજયમાંથી વિજયભાઈ રૂપાણીની ગુજરાતીઓ પ્રત્યેની પ્રજાહિતલક્ષી કામગીરીનું પ્રતિબિંબ એટલે વિધાનસભાની આઠ પેટાચૂંટણીનું પરિણામ. આ પેટાચૂંટણીનાં પરિણામ સ્પષ્ટ સાબિત કરે છે કે, ગુજરાતનાં શાણા-સમજુ મતદારો સંવેદનશીલ સરકાર તરફથી આપવામાં આવી રહેલી માળખાકીય સુખ-સુવિધાઓથી સંપૂર્ણ ખુશ છે. કોંગ્રેસ મતદાન અગાઉથી જ હારેલી-હતાશ હતી, મતદારો કોંગ્રેસનાં પરિવારવાદ, જૂથવાદ અને કોરોનાકાળમાં કરેલા વિવાદો-નિવેદનોથી કંટાળી ગયા હતા. આમ, પેટાચૂંટણીમાં કોંગ્રેસના અહમ, અભિમાન, અસત્યોની હાર અને ભાજપનાં કાર્યો, યોજનાઓ, સહાયોનો વિજય થયો છે.

(3:09 pm IST)