Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

હત્યાની કોશિષ-અપહરણ-લૂંટના ગુનામાં સગીર આરોપીના હાઈકોર્ટમાં જામીન મંજુર

રાજકોટ, તા. ૧૧ :. હાઈકોર્ટ દ્વારા અપહરણ, લૂંટ તથા હત્યાની કોશિષ કરવાના નોંધાયેલ ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરને ચાર્જશીટ બાદ રેગ્યુલર જામીન પર મુકત કરવાનો હુકમ કરેલ હતો.

આ કેસની વિગત એવી છે કે આ કામના કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર વિરૂદ્ધ જામનગર શહેરના એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં આઈ.પી.સી. કલમ ૩૦૭, ૩૬૫, ૩૯૪ અને ૪૨૭ વિ. મુજબનો એટલે કે અપહરણ, લૂંટ તથા હત્યાની કોશિષ કરવાનો ગુનો દાખલ થયેલ હતો ત્યાર બાદ તેઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ હતી ત્યાર બાદ નામદાર કોર્ટ જુવેનાઈલ જસ્ટીસ બોર્ડ દ્વારા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરને ઓબ્ઝર્વેશન હોમ રાજકોટ ખાતે મોકલવામાં આવેલ ત્યાર બાદ તેઓના એડવોકેટ મારફતે જુવેનાઈલ જસ્ટીસ બોર્ડ જામનગર દ્વારા રેગ્યુલર જામીન અરજી દાખલ કરવામાં આવેલ જે બોર્ડ દ્વારા નામંજુર કરવામાં આવેલ.

ત્યાર બાદ પોલીસ દ્વારા તપાસના અંતે ચાર્જશીટ ફાઈલ કરતા નામદાર ચિલ્ડ્રન કોર્ટમાં બાળકિશોરના પિતા દ્વારા જામીન અરજી દાખલ કરવામાં આવી હતી જે પણ ચિલ્ડ્રન કોર્ટ દ્વારા નામંજુર કરવામાં આવેલ હતી. જેથી હાઈકોર્ટમાં તેઓના પિતાશ્રી મારફત એડવોકેટ દ્વારા ફોજદારી રિવીઝન અરજી દાખલ કરવામાં આવેલ હતી. જેમાં મુખ્યત્વે દલીલ કરવામાં આવેલ હતી કે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરની ઉંમર સત્તર વર્ષની છે અને તેઓ તા. ૨૩-૧-૨૦૨૦થી જેલમા છે. તપાસ પૂર્ણ થયેલ હોય ચાર્જશીટ પોલીસ દ્વારા ફાઈલ કરવામાં આવી ગયેલ છે તેમજ ઈજા પામનાર ઘણા સમયથી હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ થઈ ગયેલ છે. તેમજ તેઓ વિરૂદ્ધ આ સિવાય અન્ય કોઈ ગુના નોંધાયેલ નથી, વિ. મુજબની દલીલો થયેલ હતી. જે દલીલો ગ્રાહ્ય રાખી નામદાર હાઈકોર્ટના જસ્ટીસ વિ.એમ. પંચોલી સાહેબ દ્વારા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરને શરતોને આધિન રેગ્યુલર જામીન પર મુકત કરવાનો હુકમ કરેલ હતો.

ઉપરોકત કેસમાં કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર વતી રાજકોટના એડવોકેટ મેઘાવી જે. ગજ્જર રોકાયેલ હતા.

(3:12 pm IST)