Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

રાજકોટ પોસ્ટલ તંત્ર દ્વારા લોકો માટે હવે એકી સાથે ૭૩ સેવા આપશે

રાજકોટ રીજીયનમાં રાજકોટ સહિત ૧૭ સ્થળે CSC સેન્ટરોમાં હાલ ૧૪ પ્રકારની સેવા અપાઇ રહી છે : કોરોનાને કારણે ૧૭ પોસ્ટ ઓફિસમાં કામ અટકી ગયું હતું : સ્પીડ પોસ્ટ સેવામાં ૪૦ ટકાનો ઘટાડો : અનેક બેંક ખાતા બંધ થયા : નવા ખાતા ખોલી ન શકાયા : પત્રકાર પરિષદમાં વિગતો આપતા રાજકોટના પોસ્ટ માસ્તર જનરલ રાકેશકુમાર

રાજકોટ પોસ્ટ માસ્તર જનરલ શ્રી રાકેશકુમારે પત્રકાર પરિષદમાં વિગતો આપી તે નજરે પડે છે.

રાજકોટ તા. ૧૫ : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિન સંદર્ભે દેશભરમાં પોસ્ટલ તંત્ર લોકો માટે એકી સાથે ૭૦થી વધુ સેવા શરૂ કરી રહ્યું છે.

રાજકોટ પોસ્ટલ તંત્રના ચીફ પોસ્ટ માસ્તર જનરલ શ્રી રાકેશકુમારે આજે પત્રકાર પરિષદમાં જાહેરાત કરતા જણાવ્યું હતું કે, પોસ્ટ ઓફિસ મારફત કોમન સર્વિસ સેન્ટર શરૂ કરાયું છે, જેમાં ડિલીવરી પોઇન્ટ પણ રહેશે, જે સરકારી, સામાજીક અને ખાનગી સેકટર માટે ૭૩થી વધુ સેવાઓ લોકો માટે ભવિષ્યમાં પ્રોવાઇડ કરશે.

આ સેવાઓમાં એગ્રીકલ્ચર, હેલ્થ, એજ્યુકેશન, મનોરંજન, એફએમસીજી પ્રોડકટસ, બેંકીંગ અને ફાયનાન્સીયલ સર્વિસના સમાવેશ થાય છે.

પોસ્ટ માસ્તર જનરલ શ્રી રાકેશકુમારે પત્રકારોને જણાવ્યું હતું કે, આધારકાર્ડ સર્વિસ, પાનકાર્ડ, પાસપોર્ટ, જીવન પ્રમાણ, ઇલેકશન મતદાતા કાર્ડ, લેબર સર્વિસ, પેન્શન, એમ્પ્લોયમેન્ટ સર્વિસ, સારથી સેવા, ડ્રાઇવીંગ લાયસન્સ, ઇ-વાહન વ્હીકલ રજીસ્ટ્રેશન સર્વિસ, ઇ-સ્ટેમ્પ કે જેમાં નોન જયુડીશયલ સ્ટેમ્પ ડયુટી ફોર સરકાર, ઇલેકટ્રીક ટ્રાફિક ચલણ, ફલાઇટ ટીકીટ, બસ ટીકીટ, ફાસ્ટ ટેગ, આઇટીઆઇ રજીસ્ટ્રેશન, હેડ રજીસ્ટ્રી ઝોન, સ્કોલરશીપનો સમાવેશ થાય છે.

શ્રી રાકેશકુમારે જણાવેલ કે, ફાયનાન્સીયલ સર્વિસીઝમાં બેન્ક ડિપાર્ટમેન્ટ કેશ વિડ્રોલ, રીકરીંગ એકાઉન્ટ, બેલેન્સ ઇન્કવાયરી, મોબાઇલ - આધારકાર્ડ સીડીંગ, લાઇફ ઇન્સ્યુરન્સ ઉપરાંત ભારત બીલ પેમેન્ટ, મોબાઇલ રીચાર્જ, ડીટીએચ, લેન્ડ લાઇન બીલ, ઇલેકટ્રીસીટી, બ્રોડ બેન્ડ, ગેસ, વોટર સપ્લાય, જીએસટી રીટર્ન, ટીડીએસ રીટર્ન વિગેરેનો સમાવેશ થાય છે.

તેમણે જણાવેલ કે, પાયલોટ પ્રોજેકટમાં પાલીતાણા, ભચાઉ અને જેતપુર પોસ્ટ ઓફિસમાં સીએસસી સર્વિસ શરૂ કરી દેવાઇ છે. હાલ ૧૪ પ્રકારની સેવા ચાલુ છે.

આ ઉપરાંત રાજકોટ હેડ પોસ્ટ ઓફિસ, ભકિતનગર, બેડીપરા અને મોરબી ડીવીઝનમાં પણ સેવાઓ કાર્યરત કરી દેવાઇ છે.

આ ઉપરાંત શ્રી રાકેશકુમારે ડાક જીવન વીમો, સુકન્યા સમૃધ્ધિ યોજના, પોસ્ટ ઓફિસના વ્યાજદર સહિતની પણ વિગતો આપી હતી.

પત્રકાર પરિષદમાં આસી. ડાયરેકટર શ્રી વિષ્ણુદાસ ખ્રિસ્તી, પોસ્ટલ સિનિયર, પોસ્ટલ કર્મચારી - યુનિયન આગેવાન શ્રી ચુડાસમા તથા અન્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

શ્રી રાકેશકુમારે જણાવેલ કે લોકડાઉનને કારણે સૌરાષ્ટ્રની ૧૭ જેટલી પોસ્ટ ઓફિસમાં કામ અટકેલુ હતું, પણ હવે ૨૨-૮-૨૦૨૦થી કામ શરૂ થઇ ગયું છે, અને ૮ પ્રકારની સેવા અપાઇ રહી છે.

કોરોનાની ઇફેકટ અંગે તેમણે જણાવેલ કે, સ્પીડ પોસ્ટ સેવામાં ૩૫ થી ૪૦ ટકાનો ઘટાડો થયો છે, તો અનેક સેવિંગ્ઝ બેન્ક ખાતા કલોઝ થયા છે, નવા ખાતા ખુલ્યા નથી, આ લોસ થયો છે.

(3:04 pm IST)