Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

ચૌધરી હાઇસ્કૂલનો કન્ટ્રોલ રૂમ...કોરોના દર્દીઓ અને સગા માટે બને છે વરદાનરૂપ

અધિક કલેકટર એ.વી. વાઢેરની રાહબરીમાં ઇન્ચાર્જ માનસી પિરૈયાની ટીમ સતત કાર્યરત

રાજકોટ, તા. ૧પ : કોરોના વાયરસથી સંક્રમિત તમારા  સ્નેહીજન, પરિવારના સભ્ય કે અન્ય કોઈ સગા સંબંધી ખબરઅંતર પૂછવા કે જીવન જરૂરિયાત વસ્તુઓ પહોંચાડવી હોય, દર્દી કે તેમની સારવારમાં રોકાયેલા ડોકટર, આરોગ્ય કર્મી સાથે વર્ચ્યુઅલ મુલાકાત કરવી હોય કે, કોરોના વાયરસ સંલગ્ન કોઈપણ બાબતની જાણકારી-માર્ગદર્શન મેળવવું હોય તો, જરા પણ મુંઝાવાની જરૂર નથી.  આ બધી સગવડ અને સેવાઓ સરળતાથી મેળવવાનું એક માત્ર સરનામું છે શહેરની ચૌધરી હાઇસ્કુલ ખાતે કાર્યરત કરાયેલ કંટ્રોલ રૂમ.

 કોરોના સંક્રમિત દર્દીઓના સગા અને પરિજનો માટે ઉપરોકત તમામ સેવાઓ આપવા રાજકોટ જિલ્લા પ્રશાસન દ્વારા આ વિશેષ કંટ્રોલરૂમ કાર્યરત કરાયો છે. કંટ્રોલ રૂમ ખાતે સેવારત અધિક કલેકટર શ્રી એ.વી.વાઢેર કહે કે, આ કંટ્રોલ રૂમ કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓ અને તેમના સગા સંબંધીને જોડવાનું માધ્યમ બન્યો છે. આ માટે પૂરતો સ્ટાફ અને સાધન-સગવડતા ઉપલબ્ધ છે. તેમ તેમણે ઉમેર્યુ હતુ. 

આ સેવાનો લાભ મેળવનાર મનીષભાઈ લીંબાસિયા કહે છે કે, રાજકોટ જિલ્લા પ્રશાસન દ્વારા ખૂબ ઉમદા સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.  દર્દી –ડોકટર સાથે વીડિયો કોલિંગથી વાત કરવી હોય અથવા કોઈ પણ જીવન જરૂરિયાતની વસ્તુ પહોંચાડવી હોય તે તમામ સેવાઓ અહિયા ઉપલબ્ધ કરાવવામા આવે છે. જે ખરેખર, દર્દીઓના સ્નેહીજનો માટે વરદાનરૂપ છે.

કન્ટ્રોલ રૂમના ઇન્ચાર્જ તરીકે કાર્યરત માનસી પિરૈયા કહે  છે કે, કોરોના સંક્રમિત દર્દીઓની તેમના સગા સંબંધીઓને તેમની ખબરઅંતર પૂછવા કે,  તેમની સારવાર માટેની જાણકારી મેળવવા માટે હેલ્પ લાઈન કાર્યરત છે. ઉપરાંત પાર્સલ સેવા પણ શરૂ કરવામાં આવેલ છે. દર્દીઓને કપડા, ફ્રુટ, મેડિસિન વગેરે  વ્યવસ્થિત રીતે પહોંચાડવા માટે સવારે ૧૦ થી ૧૨ અને સાંજે ૪ થી ૬ દરમિયાન આ તમામ વસ્તુ-સામાન કલેકશન સેન્ટર ખાતે જમા કરાવી શકે છે.  આ સેવાથી કોરોના સંક્રમિત દર્દીઓ અને તેમના સગા-સંબંધી ખૂબ મોટી રાહત અનુભવી રહ્યા છે.

(3:37 pm IST)