Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

રાજકોટમાં રાહતના સમાચાર

કોરોનાનો રિકવરી રેટ ૧૦ થી ૧૫ ટકા વધ્યો

ડોર ટુ ડોર સર્વેનો ચોથો રાઉન્ડ શરૂ : મોટાભાગના સંક્રમિત વિસ્તારોમાં વ્યકિતગત ટેસ્ટીંગ : કન્ટેન્ટમેન્ટ ઝોન - સંજીવની રથ - કોરન્ટાઇનની કામગીરી અસરકાર રહી છે : હજુ આવતા દિવસોમાં રિકવરી રેટ વધશે : મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા વિગતો જાહેર

રાજકોટ તા. ૧૫ : શહેરમાં કોરોનાની કડી તોડવા મ્યુ. કોર્પોરેશન દ્વારા તન-તોડ પ્રયાસો થઇ રહ્યા છે. તેના કારણે કોરોનામાં આંશિક રાહત જોવા મળી છે. કેમકે પોઝિટિવ રેટ ઘટયો છે અને રિકવરી રેટમાં ૧૦ થી ૧૫ ટકા જેટલો વધારો નોંધાયો છે.

આ અંગે મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, શહેરમાં કોરોના સર્વેલન્શ અને ટેસ્ટીંગ માટે જોરશોરથી ઝુંબેશ શરૂ કરાઇ છે. પરિણામ સ્વરૂપે સંક્રમિત લોકો મળવા લાગતા માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન, કોરન્ટાઇન અને સતત સર્વેની કામગીરી ઝુંબેશાત્મક રીતે ચાલુ છે.

સંજીવની રથ દ્વારા ઉકાળા વિતરણ, મેડીકલ ચેક અપ પણ ચાલુ છે.

હવે કોરોના સર્વેલન્સનો ચોથો રાઉન્ડ શરૂ થયો છે. આમ હવે મોટાભાગની હવે મોટા ભાગની વસ્તીમાં વ્યકિતગત કોરોના ટેસ્ટના સ્ટેજ સુધી તંત્ર પહોંચી ગયું છે. તંત્ર દ્વારા થઇ રહેલી આ તમામ કામગીરીને સફળતા મળી રહી છે. કેમકે બે-ત્રણ દિવસ અગાઉ રિકવરી રેટ ૪૯ થી ૫૩ ટકા સુધીનો હતો જે આજે વધીને ૬૩ ટકા સુધી પહોંચી ગયો છે.

આ બાબત કોરોના સંક્રમણમાં થોડી રાહત મળ્યાનું દર્શાવે છે ત્યારે આવતા દિવસોમાં રાજકોટમાં સંક્રમણ વધતુ અટકશે તેવી આશા મ્યુ. કમિશનરશ્રીએ વ્યકત કરી હતી.

(3:42 pm IST)