Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

હીરાસર એરપોર્ટની કામગીરીમાં બ્લાસ્ટથી ગાયનું મૃત્યુ : મકાનોમાં તિરાડો

ગ્રામજનોમાં જબરો ઉહાપોહ : સીટી પ્રાંત-૨ ચરણસિંહ ગોહિલ દોડી ગયા : કોન્ટ્રાકટર દિલીપ બિલ્ડકોનને બ્લાસ્ટ કરતા અગાઉ સાયરન વગાડવા અને માઇકથી જાણ કરવા તાકિદ કરાઇ : બ્લાસ્ટની ડેન્સીટી ઘટાડવા આદેશ

રાજકોટ તા. ૧૫ : શહેરની ભાગોળે અમદાવાદ હાઇવે ઉપર બનાવવામાં આવી રહેલ હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટના કામ દરમિયાન બલાસ્ટ કરવામાં આવી રહ્યા છે ત્યારે આ બ્લાસ્ટને કારણે ગઇકાલે ૧ ગાયનું મૃત્યુ તથા હીરાસર ગામના સંખ્યાબંધ મકાનોમાં તિરાડો પડી જતાં ગ્રામજનોમાં જબરો ઉહાપોહ મચી જતા હીરાસર એરપોર્ટનો હવાલો સંભાળતા સીટી પ્રાંત-૨ ચરણસિંહ ગોહિલ હીરાસર દોડી ગયા હતા અને આ બાબતે કોન્ટ્રાકટર દિલીપ બિલ્ડકોનને ગ્રામજનોની સુરક્ષા માટે જરૂરી પગલા લેવા તાકિદ કરી હતી.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ હીરાસર એરપોર્ટના રનવે વગેરે માટે ખોદકામ શરૂ કરાયું છે. આથી ખડકાળ વિસ્તારમાં બ્લાસ્ટ કરી ખોદકામ કરવામાં આવે છે.

દરમિયાન ગઇકાલે બ્લાસ્ટને કારણે એક ગાયનું મોત થયેલ અને ભયંકર બ્લાસ્ટને કારણે હીરાસર ગામના સંખ્યાબંધ મકાનોમાં તિરાડો પડી આથી આ બાબતે ગ્રામજનોમાં જબરો દેકારો બોલી ગયેલ. કામ રોકવાની ઉગ્ર માંગ ઉઠાવી સીટી પ્રાંત-૨ના અધિકારી ચરણસિંહ ગોહિલને ફરિયાદ કરી હતી.

આથી શ્રી ગોહિલ ગઇકાલે જ હીરાસર દોડી ગયા હતા અને કોન્ટ્રાકટ દિલીપ બિલ્ડકોનના સાઇટ મેનેજરને બ્લાસ્ટની ડેન્સીટી ઘટાડવા આદેશ કર્યો હતો. ઉપરાંત બ્લાસ્ટ કરતા અગાઉ સાયરન વગાડવા અને ગામમાં પણ માઇક ફેરવી જાહેરાત કરી સૌને સાવચેત કર્યા બાદ જ બ્લાસ્ટ કરવા સુચનાઓ આપી હતી.

(3:42 pm IST)