Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

બે લાખ ૩૩ હજારના ચેક રિટર્ન કેસમાં વોરંટ નીકળતા વેપારીએ રકમ ભરી દીધી

મુંબઇના વેપારીએ માલની ખરીદી કરી આપેલ

રાજકોટ તા. ૧૮: અત્રે રૃા. ર.૩૩ લાખના ચેક રીટર્ન કેસમાં વોરંટ નીકળતાં મુંબઇના વેપારીએ રકમ ચુકવી દીધી હતી.

આ કેસની વિગત એવી છે કે, રાજકોટના લોઠડા ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં પ્રિતેશભાઇ જયસુખભાઇ બાબરીયા 'મહાદેવ કાસ્ટીંગ'ના નામથી પાર્ટનર દરજજે ફાયર સેફટી ઇકવીપમેન્ટની સાધનો બનાવવાનો ધંધો કરે છે જયારે આ કામના આરોપી દિલીપ શાહ સરનામું: રૃશીલ ફાયર પ્રોટેકશન સીસ્ટમ્સ, મુલુંદ વેસ્ટ, મુંબઇ ખાતે 'રૃશીલ ફાયર પ્રોટેકશન સીસ્ટમ્સ'ના નામથી ધંધો કરતા હોય ફરીયાદી પાસેથી દિલીપ શાહે ફાયરસેફટી ઇકવીપમેન્ટના માલની ખરીદી કરેલી જે માલનું પેમેન્ટ રૃા. ર,૩૩,૬૪૦/- અંકે રૃપિયા બે લાખ ત્રેવીસ હજાર છસ્સો ચાલીસ ચુકવવા માટે તેઓએ તેમની પેઢીના ખાતા વાળી બેંકનો ચેક મોકલાવેલ હતો જે ચેક જમાં કરાવવા જતા ફન્ડ્સ ઇન્સફીસીયન્ટના શેરા સાથે બિન ચુકતે પરત ફરેલ હતો.

ઉપરોકત રકમનો ચેક બિન ચુકતે પરત ફરતા નોટીસ મોકલાવેલી આમ છતાં રકમ ન ચુકવતા પ્રિતેશભાઇ બાબરીયાએ તેમના વકીલ મારફત ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ હેઠળ સ્પેશીયલ નેગોશીયેબલ કોર્ટમાં ફરીયાદ દાખલ કરેલી જેમાં મુંબઇના વેપારી દિલીપ શાહેને રાજકોટની સ્પેશીયલ નેગોશીયેબલ કોર્ટમાં હાજર થવા અંગેનું વોરંટ કાઢતા જ ચેક મુજબની રકમની બેંક મારફત ચુકવણી કરી આપેલી હતી. આ કેસમાં ફરીયાદી તરફે રાજકોટના વકીલ શ્રી અતુલ સી. ફળદુ, અજય કે. જાધવ, ચાર્મી કે. પંડયા રોકાયેલ હતા.

(3:19 pm IST)