Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

ધોમધખતા તાપમાં ચક્કર આવ્યા બાદ બેભાનઃ વેલનાથપરાના વૃધ્ધે દમ તોડ્યો

૬૦ વર્ષના અમરશીભાઇ સિતાપરા છ દિવસ પહેલા બેડી ચોકડી પાસે ઢળી પડ્યા હતાં: સારવારમાં મૃત્યુ

રાજકોટ તા. ૧૮: મોરબી રોડ પર બેડી ચોકડી અને સોખડા ચોકડી વચ્ચે વેલનાથપરાના વૃધ્ધ છ દિવસ પહેલા બપોરે ધોમધખતા તાપમાં એકાએક બેભાન થઇ ઢળી પડતાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં. તેમનું મૃત્યુ નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

જાણવા મળ્યા મુજબ વેલનાથપરા-૧૯માં ગોકુલ રસની બાજુમાં રહેતાં અમરશીભાઇ કાનજીભાઇ સિતાપરા (ઉ.વ.૬૦) નામના વૃધ્ધ છુટક સિકયુરીટી કામ કરતાં હોઇ ગત તા. ૧૨ના બપોરે દોઢેક વાગ્યે બેડી ચોકડીથી સોખડા ચોકડી વચ્ચેના રસ્તે રાણીમા રૃડીમા મંદિર પાછળના રસ્તે હતાં ત્યારે બેભાન થઇ જતાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં. દરમિયાન તેમણે દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી.

હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૃ, કેતનભાઇ નિકોલા, ધર્મેન્દ્રભાઇ હુદડે જાણ કરતાં કુવાડવા રોડ પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર અમરશીભાઇ છ ભાઇ અને બે બહેનમાં મોટા હતાં. સંતાનમાં ત્રણ પુત્રી અને બે પુત્ર છે. પરિવારજનોના કહેવા મુજબ અમરશીભાઇ અલગ અલગ સ્થળે સિકયુરીટીનું કામ કરતાં હતાં. ૧૨મીએ બપોરે બેડી ચોકડીથી સોખડા ચોકડી વચ્ચે હતાં ત્યારે તડકો હોઇ ચક્કર આવતાં  બેભાન થઇ પડી ગયા બાદ ભાનમાં જ આવ્યા નહોતો અને હવે મૃત્યુ થયું હતું.

(4:17 pm IST)