Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

૪૮ કલાકમાં પ્રચંડ ગરમીથી ૭૨ને તાકિદની સારવાર અપાઇ : તકેદારી રાખવા આરોગ્‍ય વિભાગની અપીલ

લોકોને ગરમી - લૂથી પેટમાં દુખાવો - ઝાડા - ઉલ્‍ટી - હાઇ ફીવર થઇ ગયા : ડોકટરોને દોડધામ :પુષ્‍કળ પ્રમાણમાં પાણી - લીંબુ - નાળિયેર પાણી - ઓઆરએસ ગટગટાવો : જરૂર વિના બહાર ન નીકળો

રાજકોટ તા. ૧૮ : હાલ આકરી ગરમી શરૂ થઈ ગઈ છે ત્‍યારે રાજકોટના આરોગ્‍ય વિભાગે લોકોને સાવધાની રાખવા અપીલ સાથે માર્ગદર્શિકા જારી કરી છે. આ સાથે છેલ્લા ૪૮ કલાકમાં ગરમી-લુના કારણે ૭૨ લોકોને આરોગ્‍ય સંબંધી તકલીફો જોવા મળી હતી. જે તમામનેન તાત્‍કાલિક સારવાર આપવામાં આવી હતી.

ગરમી તથા લૂના કારણે રાજકોટમાં ૧૬મી એપ્રિલે કુલ મળીને ૪૮ લોકોને પેટમાં દુખાવો, વોમિટિંગ, ડાયેરિયા, હાઈ ફીવર સહિતની અસરો થતાં તેમને તાત્‍કાલિક સારવાર અપાઈ હતી. જયારે ૧૭મી એપ્રિલે ૨૪ લોકોને ગરમીથી તબિયત ખરાબ થતાં જરૂરી તમામ સારવાર અપાઈ હતી.

આ સાથે આઈ.ડી.પી.એસ.- આરોગ્‍ય શાખા દ્વારા ગરમી-લૂ સામે સાવધાની રાખવા અપીલ સાથે માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે, વધુ પડતી ગરમીના કારણે લુ લાગવાના કેસો ખાસ કરીને નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃદ્ધો, અશક્‍ત બીમાર દર્દીઓ, શ્રમિકો અને ખેત મજૂરોમાં બનવા પામે છે. જે ઘણીવાર જીવલેણ પણ બની શકે છે. આથી તેની સામે સાવધાની રાખવી જરૂરી છે.

લુ લાગવાના લક્ષણો

-  શરીર અને માથાનો દુઃખાવો થવો. -  શરીરનું તાપમાન વધી જવું. -  ખૂબ જ તરસ લાગવી. -  ગરમ, લાલાશ અને શુષ્‍ક ત્‍વચા. -  ઉલ્‍ટી, ઉબકા થવા. -  આંખે અંધારા આવવા, ચક્કર આવવા. -  શ્વાસોશ્વાસ અને હૃદયના ધબકારા વધી જવા. -  અતિ ગંભીર કિસ્‍સામાં ખેંચ આવવી, બેભાન થઈ જવું.

લુ લાગવાથી બચવાના ઉપાયો

-  ગરમીમાં શક્‍ય હોય ત્‍યાં સુધી બહાર નીકળવાનું ટાળવું. - આખું શરીર અને માથું ઢંકાય તે રીતે સફેદ સુતરાઉ કપડા પહેરવા. - ટોપી,ચશ્‍માં છત્રીનો ઉપયોગ કરવો. - ભીના કપડાથી માથું ઢાંકી રાખવું અને જરૂર જણાયે અવાર-નવાર ભીના કપડાથી શરીર લુછવું. - સીધા સૂર્ય પ્રકાશથી બચવું અને દિવસ દરમ્‍યાન ઝાડ નીચે, ઠંડક અને છાયામાં રહેવું. - દિવસ દરમ્‍યાન પુષ્‍કળ પ્રમાણમાં પાણી, લીંબુ શરબત, નાળીયેરનું પાણી, ઓ.આર.એસ.વગેરે પીવા. - નાના બાળકો, સગર્ભા માતા,વૃધ્‍ધો અને અશકત-બીમાર વ્‍યક્‍તિઓ એ તડકામાં વિશેષ કાળજી રાખવી. -   ગરમીમાં બજારમાં મળતો ખુલ્લો, વાસી ખોરાક ખાવો નહિ. -  સામાજિક પ્રસંગે દૂધ માવામાં બનાવેલ ખાદ્યપદાર્થો ખુલ્લા કે વધુ સમય પડતર રહેલ હોય તે ખાવા નહિ. - ગરમીની ઋતુમાં બને ત્‍યાં સુધી ભૂખ્‍યા ન રહેવું. - ચા - કોફી, તમાકુ - સિગરેટ, દારૂના સેવનથી લુ લાગવાની શક્‍યતા વધે છે, તેથી તેનું સેવન ટાળવું.

હિટવેવ લાગેલી વ્‍યક્‍તિ

મળે તો શું કરવું?

- જો શરીરનું તાપમાન વધી જાય અથવા બેભાન, મુંઝવણ અથવા પરસેવો બંધ થઈ ગયો હોય તેવી વ્‍યક્‍તિ મળે તો તાત્‍કાલિક ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સને જાણ કરવા જણાવાયું છે.

- એમ્‍બ્‍યુલન્‍સ આવે ત્‍યાં સુધી કે સારવાર મળે ત્‍યાં સુધીમાં આવી વ્‍યક્‍તિને ઠંડી કરવા માટે શક્‍ય હોય ત્‍યાં ઠંડી જગ્‍યાએ-છાંયામાં ખસેડવી. ત્‍વચાના મોટાભાગોમાં અથવા કપડા પર ઠંડુ પાણી લગાવવું. આવી વ્‍યક્‍તિને શક્‍ય તેટલો પવન નાંખવો.

-  માથાનો દુઃખાવો, બેચેની, ચક્કર આવવા, ઉબકા કે તાવ આવે તો તરત જ નજીકના આયુષમાન આરોગ્‍ય મંદિર/પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર/દવાખાનાનો સંપર્ક કરવા મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી અને એપેડેમીક મેડિકલ ઓફિસર દ્વારા રાજકોટ જિલ્લાની જનતાને અપીલ કરવામાં આવી છે.

(3:50 pm IST)