Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

શકિત પ્રદર્શન સાથે પરેશ ધાનાણીની ઉમેદવારી

જબરદસ્‍ત સ્‍વાભિમાન સભા યોજાઇ : પરેશભાઇના ટેકેદારોમાં અતુલ રાજાણી - ગાયત્રીબા વાઘેલા - વશરામ સાગઠીયા - ભોળાભાઇએ ફોર્મ રજૂ કર્યા : પ્રદેશ પ્રમુખ શકિતસિંહજી ગોહિલ સહિતના અગ્રણીઓની ઉપસ્‍થિતિ : ડમી તરીકે ડો. હેમાંગ વસાવડાએ ફોર્મ રજૂ કર્યુઃ સભા બાદ ૧૨:૪૫ વાગ્‍યે કોંગ્રેસનું ફોર્મ રજૂ : કલેકટર સાથે ઓબ્‍ઝર્વર દેથા પણ હાજર

રાજકોટ તા. ૧૯ : રાજકોટ લોકસભા બેઠક ઉપર આજે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે શકિત પ્રદર્શન સાથે કોંગ્રેસના અને અમરેલીના વતની શ્રી પરેશભાઇ ધીરજલાલ ધાનાણીએ રાજકોટ કલેકટર શ્રી પ્રભવ જોશી સમક્ષ બપોરે ૧૨:૪૫ વાગ્‍યે પોતાનું ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું હતું, આ સમયે રાજકોટ બેઠકના જનરલ ઓબ્‍ઝર્વર શ્રી દેથા, એડી. કલેકટર શ્રી ચેતન ગાંધી, ચૂંટણીના એડી. કલેકટર શ્રી નારણ મૂછાર પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

શ્રી પરેશભાઇ ધાનાણીના ટેકામાં આગેવાનો શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી અતુલ રાજાણી, પ્રદેશ મહિલા કોંગ્રેસ અગ્રણી શ્રી ગાયત્રીબા વાઘેલા, શ્રી વશરામ સાગઠીયા, શ્રી ભોળાભાઇ ગોહીલે ફોર્મ રજૂ કર્યા હતા. શ્રી પરેશભાઇ ધાનાણીએ ફોર્મ રજૂ કર્યું ત્‍યારે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી શકિતસિંહજી ગોહીલ તથા અન્‍ય અગ્રણીઓ ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા.

ઉમેદવાર શ્રી પરેશભાઇ ધાનાણીના ટેકામાં ડમી તરીકે ડો. હેમાંગ વસાવડાએ ફોર્મ રજૂ કર્યું હતું, તેમના ટેકેદારોમાં સંજય લાખાણી, ભાર્ગવ પઢીયાર, મહેશ રાજપૂત તથા રાજદિપસિંહ જાડેજાએ ફોર્મ રજૂ કર્યા હતા.

કોંગ્રેસ તરફથી ઉમેદવારી નોંધાઇ તે પહેલા બહુમાળી ચોક ખાતે વિશાળ સ્‍વાભિમાન સભા યોજાઇ હતી, જેમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી શકિતસિંહજી ગોહીલ, જગદીશભાઇ ઠાકોર, સિધ્‍ધાર્થ પટેલ, આપના ઇશુદાનભાઇ ગઢવી, પરેશભાઇ ધાનાણી, લલીતભાઇ કગથરા, અતુલ રાજાણી, ગાયત્રીબા વાઘેલા, અશોકસિંહ વાઘેલા, ઇન્‍દ્રનીલભાઇ રાજયગુરૂ, ડો. હેમાંગ વસાવડા, અશોકભાઇ ડાંગર, મહેશ રાજપૂત, હિતેશભાઇ વોરા, નિદત્તભાઇ બારોટ, ભાનુબેન સોરાણી, રણજીતભાઇ મુંધવા વિગેરે સેંકડો આગેવાનો - કાર્યકરો હાજર રહ્યા હતા અને સભા બાદ શકિત પ્રદર્શન સાથે કલેકટર કચેરી ખાતે વાજતે- ગાજતે ફોર્મ રજૂ કર્યું હતું.

(10:53 am IST)