Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

ઓર્ગેનિક ખેડૂત હાટની સોળ આની સફળતા

ઓર્ગેનિક મોલ અને ગૌ આધારિત ઉત્‍પાદનોનું આકર્ષણ : ૩ દિ'માં અડધો લાખ લોકો ઉમટયા

 

ગ્લોબલ ફેડરેશન ઓફ કાઉ બેઇઝડ ઇન્ડસ્ટ્રીઝ, યોગીધામ અને નવરંગ નેચર કલબના ઉપક્રમે યોજાઇ ગયેલ ઓર્ગેનિક ખેડૂત હાટની તસ્વીરી ઝલક.

રાજકોટ તા. ૧૯ : રાજકોટના આંગણે ૧૨,૧૩ અને ૧૪ એપ્રિલના ચૈત્રી નવરાત્રીના પવિત્ર દિવસોમાં ઓર્ગેનિક ખેડૂત હાટ' મહોત્‍સવ કાલાવડ રોડ સ્‍થિત યોગીધામ - આત્‍મીય યુનિવર્સિટી કેમ્‍પસ સંપન્ન થયો. જી.સી.સી.આઈ. (ગ્‍લોબલ કન્‍ફેડરેશન ઓફ કાઉ બેઇઝડ ઈન્‍ડસ્‍ટ્રી) યોગીધામ - આત્‍મીય યુનિવર્સિટી અને નવરંગ નેચર ક્‍લબના સંયુક્‍ત ઉપક્રમે ગુજરાતમાં પ્રથમવાર આટલો સુઆયોજીત ઓર્ગેનિક ખેત પેદાશોના મહોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

જી.સી.સી.આઈ ના સ્‍થાપક ચેરમેન, ભારત સરકારના પૂર્વ મંત્રી ડો.વલ્લભભાઈ કથીરિયા ના સીધા માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્રના કેપીટલ એવા રાજકોટ શહેરમાં યોજાયેલા મેળામાં ફક્‍ત અને ફક્‍ત શુદ્ધ અને સાત્‍વિક પ્રાકૃતિક ખેતી કરતા હોય તેવા ૮૫ જેટલા ખેડૂતોએ ભાગ લઈ રાજકોટના શહેરીજનોને ઓર્ગેનિક ઉત્‍પાદનોનો સ્‍વાદ ચખાડયો.

વર્ષોથી પ્રાકૃતિક ગૌ આધારિત કૃષિ કરતાં અને ઓર્ગેનિક કૃષિ માટે લોક શિક્ષણનું કાર્ય કરતા બગસરા નજીકના સુડાવડ ગામના પ્રતિષ્ઠિત ખેડૂત આગેવાન અને સમર્પિત કૃષિ સેવક  પ્રવીણભાઈ આસોદરિયાએ જવાબદારી લઈ ૮૦૦ જેટલા ખેડૂતોમાંથી ૮૫ જેટલા ખેડૂતોને પૂરેપૂરા ચકાસી આ ઓર્ગેનિક ખેડૂત હાટ' માં ભાગીદાર બનાવ્‍યા હતા.

આત્‍મીય યુનિવર્સિટી યોગીધામ કેમ્‍પસના ચાન્‍સેલર પરમ પૂ. સ્‍વામી શ્રી ત્‍યાગવલ્લભ સ્‍વામીએ વિશાળ કેમ્‍પસમાં બે મોટા હોલ અને અન્‍ય બધી જ સુવિધાઓ પૂરી પાડી હતી. શ્રી જીગ્નેશભાઈ રાઠોડ અને અતુલભાઇ પટેલે ત્રણેય દિવસ વ્‍યવસ્‍થામાં પૂર્ણ સહકાર આપી ઓર્ગેનિક ખેડૂત હાટ'ને સફળ બનાવવામાં તનતોડ મહેનત કરી હતી. નવરંગ નેચર ક્‍લબના વી.ડી.બાલા હોલ અને સ્‍ટોલ્‍સની સંપૂર્ણ વ્‍યવસ્‍થા માટે વહેલી સવારથી મોડી રાત્રે સુધી ખડે પગે રહ્યા હતા. વિશાલભાઈ ચાવડાએ સ્‍ટોલ પસંદગી અને તેમને પડતી નાની મોટી મુશ્‍કેલીઓ દૂર કરવામાં સતત મહેનત કરી હતી.

આ મેળામાં લોક શિક્ષણ અર્થે પૌષ્ટિક આહાર, ઓર્ગેનિક ખેતીની પદ્ધતિઓ, વિશિષ્ટ ગુણધર્મો વાળી વનસ્‍પતિનું પ્રદર્શન લોકોએ નિહાળ્‍યું હતું. ઓર્ગેનિક ખેતીના ફાયદા જાણ્‍યા હતા. હિમાંશુભાઈ લીંબાસીયા ની ટીમે રોજ મૂલ્‍ય વર્ધન,  પેકિંગ,  ગ્રેડીંગ, માર્કેટીંગ, સ્‍ટાન્‍ડર્ડાઈઝેશન, ઓર્ગેનિક સર્ટીફીકેશન તથા કિચન અને ટેરેસ ગાર્ડન અંગે વિસ્‍તૃત માહિતી આપી હતી.

વિશાળ હોલની બહારના ભાગે શેરડીનો રસ, અહર્મ યુવા સેવા ગ્રુપ દ્વારા શેતુરભાઈ દેસાઇની ટિમ દ્વારા નિઃશુલ્‍ક છાસ અને લચ્‍છી વિતરણથી ઉનાળાની ગરમીમાં લોકોએ રાહત અનુભવી હતી. કિચન ગાર્ડન માટેનું નિદર્શન, કલમી રીંગણ, ટમેટા, મરચીના રોપા, નર્સરીના રોપાનું વિતરણ તેમજ વિશ્વ નિડમના જીતુભાઈ દ્વારા નિઃશુલ્‍ક પુસ્‍તક વિતરણનો લોકોએ બહોળી સંખ્‍યામાં લાભ લીધો હતો.

ઓર્ગેનિક ખેડૂત હાટ'માં સોનામોતી ઘઉં, બાબરકોટનો બાજરો, ભાલના ચણા અને ઘઉં, દેશી જુવાર, મગ, અડદ, વાલ, ડાંગ પ્રદેશની રાગી, સેલમની ઓર્ગેનિક હળદર, જીરૂં, તલ જેવા મરી - મસાલાના છૂટક તેમજ એર-પ્રૂફ પેકેટસ સાથે વેલ્‍યુ એડીશન વાળી અનેક ખેત પેદાશો,વિવિધ બાયોફર્ટીલાઈઝર, શહેરીજનોએ હોંસે હોંસે ખરીદી કરી હતી.

ગીરની શૃધ્‍ધ ઓર્ગેનિક કેસર કેરી, લીલા કેળા, ગુલકંદ, ખજૂર ની ચટણી, કાશ્‍મીરી મરચાની ચટણી, એલોવેરા સ્‍કીન ફેસવોશ, શેમ્‍પુ, મશરૂમનો પાવડર, મેથીની કોફી, ઓર્ગેનિક ગોળ, મગફળી અને તેનું તેલ, બીટ, ગાજર, તરબૂચ, દેશી બીજ, પેશન ફ્રુટ અને અંજીર નો જયુસ અને અનેક પ્રકારની જંગલની જડીબુટ્ટીઓ એ મહોત્‍સવમાં આકર્ષણ જમાવ્‍યું હતું.

ગાયના ગોબરમાંથી બનાવેલા દેવી - દેવતાઓની મૂર્તિઓ, આકર્ષક વર્લી પેઇન્‍ટીંગ સાથેની ગોબર થાળી, દિવા, માળા તેમજ ગૌમુત્રમાંથી બનાવેલ અર્ક, સાબુ, શેમ્‍પૂ, બોડી લોશન, ઇમ્‍યુનીટી બુસ્‍ટર જેવી પંચગવ્‍ય પ્રોડક્‍ટસની ખરીદી માટે ધસારો જોવા મળ્‍યો હતો.   

ઓર્ગેનિક ખેડૂત હાટ'માં સુરત, ડાંગ થી લઇ પાટણ,  જામનગર,  જૂનાગઢ,  ભાવનગર, સુરેન્‍દ્રનાગર રાજકોટના ખેડૂતો અને ઉદ્યોગ સાહસિકોએ ઉમળકા ભેર ભાગ લીધો હતો. વિના વિઘ્‍ને ત્રણ દિવસનો મહોત્‍સવ પૂર્ણ થયો હતો. બધા જ સ્‍ટોલ હોલ્‍ડર્સને સર્ટીફિકેટ આપવામાં આવ્‍યા હતા.

ભારતનાં જાણીતા એક્‍સપોર્ટર હરીશભાઈ લાખાણી, ભરતભાઈ પેલીકન, જયોતીન્‍દ્રભાઈ મહેતા, હિરેનભાઈ હાપલીયા,ભરતભાઈ મહેતા, ભરતભાઈ પરસાણા, રાજાભાઈ - વાવડી, પરસોત્તમભાઈ કામાણી, દિનેશભાઇ પટોડિયા, બાવનજીભાઈ મેતલિયા, ચંદુભાઈ હુંબલ, વિજયભાઈ ડોબરિયા,  અલ્‍કેશભાઇ ચાવડા, અરવિંદભાઈ પટેલ, અમિતભાઈ શિયાણી ગણેશ મંડપ સર્વિસના દિપકભાઈ પટેલ, પાયલ ડેકોરેશનના જગદીશભાઈ પટેલ,સહિતનાં અગ્રણીઓનો ઓર્ગેનિક ખેડૂત હાટ'ને સફળ બનાવવા સતત સહકાર મળ્‍યો હતો.

(2:55 pm IST)