Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

ઓબ્ઝર્વેશન હોમના ૨૦ બાળકો સઘન સારવાર બાદ કોરોના મુકત બન્યા

૪૩ બાળકો અને સ્ટાફનો ટેસ્ટ કરાયો હતો : તેમાંથી ૨૦ પોઝિટિવ આવતાં કોવિડ કેર સેન્ટરમાં સારવાર અપાઇ હતી

રાજકોટ તા. ૧૯ :જુવેનાઈલ જસ્ટીસ એકટ ૨૦૧૬ હેઠળ કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકોને સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના ૧૧ જિલ્લાઓમાંથી પ્રિન્સિપલ મેજિસ્ટ્રેટ જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ દ્વારા ઝોનલ ઓબ્ઝર્વેશન હોમ રાજકોટ ખાતે મોકલવામાં આવે છે. જે અન્વયે કોરોનાની મહામારીને ધ્યાને લઈ તા. ૨ના ઓબ્ઝર્વેશન હોમ ખાતે કાયદાના સંઘર્ષમાં આવેલા ૪૩ બાળકો તથા દેખરેખ હેઠળના ૭ સ્ટાફ સદસ્યોનું કોવિડ-૧૯ હેઠળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાંથી ૨૦ બાળકોનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને રાજકોટ કલેકટર તથા જિલ્લા આરોગ્ય તંત્ર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી મોચી બજાર કોવિડ કેર સેન્ટર ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યું હતા. જયાં તેમને અપાયેલ સઘન સારવારના કારણે આ બાળકો ૧૪ દિવસ બાદ સ્વસ્થ થતાં ૧૨ બાળકોને ઓબ્ઝર્વેશન હોમ રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યા છે. તેમજ ૮ બાળકોને કોર્ટ દ્વારા જામીન કરવામાં આવતા તેઓને પોતાના ઘરે કવોરેન્ટાઈન હેઠળ મોકલવામાં આવ્યા છે. તેમ રાજકોટ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની યાદીમાં જણાવાયું છે.

(3:40 pm IST)