Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2024

લોધીકાના ખાંભા ગામ પાસે અજાણ્‍યા યુવાનની ગળુ કાપી હત્‍યા

ખાંભેશ્વર ઇન્‍ડસ્‍ટ્રીઝના રસ્‍તે હત્‍યા કરાયેલ હાલતમાં લાશ મળી : મૃતક યુવાનની ઓળખ મેળવવા તપાસનો ધમધમાટ : મૃતક યુવાનના કપાળ ઉપર ગુજરાતીમાં ‘રામ' અને જમણા : હાથમાં ટેટુમાં નરસિંમા લખેલ છે : મૃતક યુવાનની ઓળખ :મળ્‍યા બાદ હત્‍યારા અને હત્‍યાનો હેતુ બહાર આવશે

તસ્‍વીરમાં હત્‍યાનો ભોગ બનનાર અજાણ્‍યા યુવાનના ગળામાં તીક્ષ્ણ હથિયારના ઘા નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરિયા)

 

રાજકોટ તા. ૨૩ : લોધીકાના ખાંભા ગામની સીમમાં અજાણ્‍યા યુવાનની ગળુ કાપી હત્‍યા કરાયેલ હાલતમાં લાશ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. પોલીસે મૃતક યુવાનની ઓળખ મેળવવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

મળતી વિગતો મુજબ ખાંભા ગામની સીમમાં ખાંભેશ્વર ઇન્‍ડસ્‍ટ્રીઝના રસ્‍તા ઉપર ગુજરાત પોલીમર્સ કારખાનાની બાજુમાં ગત રાત્રે ૧૧ વાગ્‍યે અજાણ્‍યા યુવાનની લાશ પડી હોવાની ખાંભા ગામના સરપંચ હિતેશ સાગઠીયાએ લોધીકા પોલીસને જાણ કરતા લોધીકા પોલીસના પ્રોબેશનર્સ આઇપીએસ આયુષ જૈન તથા રાઇટર રવિરાજસિંહ સહિતનો કાફલો ઘટના સ્‍થળે દોડી ગયો હતો. અને મૃતકની લાશને ફોરેન્‍સીક પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવાનના ગળામાં તીક્ષ્ણ હથિયારના ઘા હોવાનું અને તેની ક્રૂર હત્‍યા કરાયાનું ખુલતા રૂરલ ક્રાઇમ બ્રાંચના પીઆઇ વિજય ઓડેદરા, પીએસઆઇ હરદેવસિંહ ગોહિલ, પીએસઆઇ ડી.જી.બડવા, રૂરલ એસઓજીના પીઆઇ પારઘી તથા પીએસઆઇ બી.સી. મિયાત્રા સહિતની કાફલો ઘટના સ્‍થળે દોડી જઇ તપાસનો ધમધમાટ શરૂ થયો હતો.

પોલીસ સૂત્રોના જણાવ્‍યા મુજબ મૃતક યુવાનના કપાળ પર ગુજરાતીમાં રામ' લખેલ છે તેમજ જમણા હાથ ઉપર ટૂટે હિન્‍દીમાં નરસિંમ્‍હા' લખેલ છે. શરીર ઉપર ગુલાબી શર્ટ અને બ્‍લેક ટ્રેક સુટ પહેરેલ છે. લોધીકા પોલીસે ફોરેન્‍સીક પીએમ રીપોર્ટ બાદ અજાણ્‍યા શખ્‍સ સામે ગુન્‍હો દાખલ કરવા તપાસ હાથ ધરી છે.

હત્‍યાનો ભોગ બનનાર અજાણ્‍યા યુવાનની ઓળખ મળ્‍યા બાદ જ હત્‍યારા અને હત્‍યાનો હેતુ બહાર આવશે. પોલીસે હત્‍યાનો ભોગ બનનાર યુવાનની ઓળખ મેળવવા જુદી જુદી દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે

 

 

(11:54 am IST)